• Home
  • News
  • પોરબંદરમાં 15થી 20 લોકોને ફૂડ-પોઇઝનિંગની અસર:એકનું મોત, 5 દર્દીને જામનગર હોસ્પિટલે ખસેડાયા; તમામ ફિશ પ્રોસેસિંગ ફેક્ટરીમાં કામ કરતા મજૂરો
post

ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ અસરગ્રસ્તોની મુલાકાત લઈ તંત્રને આ બાબતે તપાસ કરવા આદેશ આપ્યા છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-08-21 18:02:19

પોરબંદરના જાવર ગામમાં 15થી 20 જેટલા મજૂરોને ફૂડ-પોઇઝનિંગની અસર થવાની ઘટના સામે આવી છે, જેમાંથી એક વ્યક્તિનું મોત પણ નીપજ્યું છે, જ્યારે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી 4 વ્યક્તિની સ્થિતિ ગંભીર હોવાથી હાલ તેમને જામનગર ખાતે વધુ સારવાર અર્થે રિફર કરવામાં આવી છે. અસરગ્રસ્તોને સારવાર માટે પોરબંદર સિવિલ હોસ્પિટલ ખસેડ્યા છે. ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ અસરગ્રસ્તોની મુલાકાત લઈ તંત્રને આ બાબતે તપાસ કરવા આદેશ આપ્યા છે.

પાંચ દર્દીને સારવાર અર્થે જામનગર ખસેડ્યા
જાવર ગામમાં આવેલી કે.કેએફસી ફિશ પ્રોસેસિંગ ફેક્ટરીમાં કામ કરતા પરપ્રાંતીય મજૂરોને ફૂડ-પોઈઝનિંગની અસર થતાં પોરબંદરની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી 32 વર્ષીય એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા 12 લોકોમાંથી પાંચની તબિયત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર અર્થે જામનગર રિફર કરવામાં આવ્યા છે, બાકીના તમામ દર્દીઓને હાલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા તમામ લોકોની તપાસ કરવામાં આવી રહી છે.

ધારાસભ્યએ દર્દીઓની મુલાકાત લીધી
આ ઘટનાની જાણ થતાં જ પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, રામદેવ મોઢવાડિયા તેમજ કોંગ્રેસના આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને દર્દીઓના હાલચાલ પૂછી સારવાર અંગે ડોક્ટરો સાથે વાતચીત કરી હતી. આ સમગ્ર મામલે ધારાસભ્યએ કયા કારણસર ફૂડ-પોઈઝનિંગની ઘટના બની એને લઈ તંત્રને તપાસના આદેશ આપ્યા છે.

તંત્રને તાકીદે તપાસ કરવા આદેશ આપ્યા: ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા
આ ઘટનાને લઈ વાતચીતમાં ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતુ કે પોરબંદરની કેએફસી ફિશ પ્રોસેસિંગ ફેક્ટરીમાં ઝારખંડના મજૂરો ત્યાં જ રહી કામ કરતા હતા, જેમાં 40-45 જેટલા મજૂરોના જમવામાં કે પીવામાં કોઈ જગ્યાએ ફૂડ-પોઈઝનિંગ થવાથી 20 જેટલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી એકનું મૃત્યુ થયું છે અને બાકીના 6 જેટલા લોકો ગંભીર છે. પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે તેમના કોઈ ખાવા-પીવાની અંદર પોઈઝનિંગ થઈ જવાથી ઝાડા-ઊલટી થઈ છે. મેં ડોક્ટરો સાથે વાતચીત કરી છે અને લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે, જેનાથી જાણી શકાય કે કયા કારણસર આ ફૂડ-પોઈઝનિંગની ઘટના બની છે. તમામ દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે એ બાબતે પણ સૂચનો કર્યાં છે. આશા રાખીએ કે વધારે કેઝ્યૂલ્ટી ના થાય. જેમની કંપનીમાં આ લોકો કામ કરે છે તેમને પણ તપાસ કરવાનું કહીશું કે કયા કારણે આ ઘટના ઘટી છે. જે રેશન ગામમાંથી લઈ આવતા હોય તો એમાં તો એવું કોઈ તત્ત્વ ના હોય, પરંતુ પાણી કે કોઈ અન્ય વસ્તુમાં કંઈક મિક્સ કરવામાં આવ્યું હોય, જેના કારણે આ ઘટના બની હોય એવી સંભાવના છે. આ અંગે વહીવટી તંત્રને પણ તાકીદે તપાસ કરવા આદેશ આપ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post