• Home
  • News
  • શ્રીલંકા સામેની પહેલી વન-ડેમાં બન્યા 17 રેકોર્ડ્સ:વિરાટે સચિનના 3 રેકોર્ડ્સ તોડ્યા; રોહિત, ગિલ અને ઉમરાને રચ્યો ઈતિહાસ
post

ટીમના ટોપ-6 બેટર્સે 2010માં ઝિમ્બાબ્વે અને 2015માં ભારત વિરુદ્ધ 110થી વધુના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા.

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-11 18:08:51

ભારતે વર્ષની પહેલી વન-ડે 67 રનથી જીતી. શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ સેન્ચુરી મારી, પરંતુ ટીમને જીત ન અપાવી શક્યો. ભારત તરફથી ઉમરાન મલિકે સૌથી વધુ 3 વિકેટ લીધી.

ઉમરાન પહેલાં વિરાટે પોતાની 45મી સદી ફટકારી. આ સદી સાથે વન-ડેમાં 9 રેકોર્ડ્સ બનાવ્યા. તેના સિવાય રોહિત શર્મા અને શુબમન ગિલે પણ કેટલાક રેકોર્ડ્સ બનાવ્યા, જેને આગળ આપણે સ્ટોરીમાં જાણીશું...

1.વિરાટના સૌથી ઝડપી 12,500 રન
શ્રીલંકા વિરુદ્ધ વિરાટે 87 બોલ પર 113 રનની ઈનિંગ રમી. આ ઈનિંગમાં તેમણે 12 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો. આ ઈનિંગ સાથે વિરાટે વન-ડે ઈન્ટરનેશનલની 257 ઈનિંગમાં 12,584 રન પૂરા કર્યા. આ મુકામે પહોંચનાર સૌથી ઝડપી ક્રિકેટર છે. તેના પછી ભારતના સચિન તેંડુલકર અને ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગનું નામ છે. સચિને 310 અને પોન્ટિંગે 338 ઈનિંગમાં 12,500 વન-ડે રન પૂરા કર્યા.

2. 11મી વખત સતત બે ઈનિંગમાં સદી
વિરાટ કોહલીએ 11મી વખત સતત 2 વન-ડે ઈનિંગમાં સદી ફટકારી. શ્રીલંકાની પહેલાં તેમણે બાંગ્લાદેશ વિરુદ્ધ 10 ડિસેમ્બર 2022ના રોજ છેલ્લી વન-ડેમાં પણ સદી ફટકારી હતી. એ સમયે 113 રનની ઈનિંગ રમી હતી. આ મેચ પછી ભારતે 2 ટેસ્ટ અને 3 T20 ઈન્ટરનેશનલ રમી, પરંતુ વન-ડે શ્રીલંકા વિરુદ્ધ માત્ર રમી છે.

3.100થી વધુના સ્ટ્રાઈક રેટથી સદી
વિરાટે શ્રીલંકા વિરુદ્ધ 129.88ના સ્ટ્રાઈક રેટથી સદી ફટકારી. 100થી વધુ સ્ટ્રાઈક રેટથી વન-ડે સેન્ચુરી બનાવવાના રેકોર્ડમાં પણ ટોપ પર છે. તેમના પછી સાઉથ આફ્રિકાના ડી વિલિયર્સે 25 વખત 100થી વધુના સ્ટ્રાઈક રેટથી વન-ડે સેન્ચુરી મારી છે. બીજી તરફ, સચિન તેંડુલકરે 24 વખત આ પ્રકારી સદી ફટકારી છે. વિરાટના નામે સૌથી ઝડપી 52 બોલમાં સદી ફટકારવાનો રેકોર્ડ પણ છે. તેણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 2013માં આ રેકોર્ડ બનાવ્યો હતો.

4. ટીમની જીતમાં સૌથી વધુ સ્કોર
વિરાટે શ્રીલંકા સામેની જીતમાં 113 રનની ઇનિંગ રમી હતી. પ્રથમ વન-ડેમાં ભારત માટે કોહલી કરતાં મોટી ઈનિંગ કોઈ રમી શક્યું નથી. વિરાટ અત્યારસુધી રમાયેલી 257 ઇનિંગ્સમાં 69 વખત ટીમના ટોપ સ્કોરર બન્યો છે. તેણે શરૂઆતની 257 વન-ડે ઇનિંગ્સમાં સૌથી વધુ વખત ટોપ સ્કોરર બનવાના સંદર્ભમાં સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે. તેંડુલકરે આવું 68 વખત કર્યું હતું. તેના પછી વેસ્ટ ઈન્ડીઝના બ્રાયન લારાએ 65 વખત આવું કર્યું.

5. ઘરઆંગણે 4 વર્ષ પછી સદી
વિરાટ કોહલીએ ભારતમાં 4 વર્ષ પછી વન-ડે સદી ફટકારી હતી. તેણે છેલ્લે 8 માર્ચ 2019ના રોજ રાંચીમાં ઓસ્ટ્રેલિયા સામે 123 રનની ઇનિંગ રમી હતી. આ પછી હવે તે સદી ફટકારવામાં સફળ રહ્યો છે. ભારતમાં આ તેની 20મી સદી છે. તેણે ઘરઆંગણે સૌથી વધુ સદી ફટકારવાના મામલે સચિન તેંડુલકરની બરાબરી કરી લીધી છે. સચિનના નામે પણ ભારતમાં 20 સદી છે.

બંને દિગ્ગજ પછી દક્ષિણ આફ્રિકાના હાશિમ આમલાએ દક્ષિણ આફ્રિકામાં 14 સદી ફટકારી છે. ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગના નામે 13 અને ન્યૂઝીલેન્ડના રોસ ટેલરના નામે 12 સદી છે. વિરાટે ભારતમાં 99 વન-ડે ઇનિંગ્સ રમી છે. આમાં તેણે 20 સદી ઉપરાંત 25 વખત અર્ધસદી પણ ફટકારી છે.

6. કોઈ એક દેશ વિરુદ્ધ સૌથી વધુ સદી
વિરાટની શ્રીલંકા વિરુદ્ધ 47 ઈનિંગમાં 9 વન-ડે સદી પૂરી કરી છે. તેણે વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ પણ 41 ઈનિંગમાં 9 સદી ફટકારી છે. કોઈ એક દેશ વિરુદ્ધ સૌથી વધુ સદી મારનારા ભારતીયોમાં તેણે સચિનની બરાબરી કરી છે. સચિનની ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 9 સદી છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીના નામે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 8-8 સદી છે. શ્રીલંકા વિરુદ્ધ અન્ય 2 વન-ડેમાં એક સદી ફટકારી વિરાટ આ લિસ્ટમાં પણ ટોપ પર પહોંચી જશે.

7. શ્રીલંકા વિરુદ્ધ સૌથી વધુ સદી
શ્રીલંકા વિરુદ્ધ વિરાટ કોહલીએ 9મી વન-ડે સદી ફટકારી છે. શ્રીલંકા સામે સૌથી વધુ સદી ફટકારી તેણે ભારતના સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે. સચિને શ્રીલંકા સામે 8 સદી ફટકારી હતી. તેના પછી પાકિસ્તાનના સઇદ અનવરે શ્રીલંકા સામે 7 સદી ફટકારી છે. ભારતના રોહિત શર્મા, ગૌતમ ગંભીર અને ઓસ્ટ્રેલિયાના એડમ ગિલક્રિસ્ટે શ્રીલંકા સામે 6-6 સદી ફટકારી છે.

8. વિરાટની 73મી ઈન્ટરનેશનલ સદી
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિરાટ કોહલીની આ 73મી સદી પણ હતી. વન-ડેમાં 45 સદી ઉપરાંત તેણે ટેસ્ટમાં 27 સદી અને T20 આંતરરાષ્ટ્રીયમાં એક સદી પણ ફટકારી છે. સચિન તેંડુલકરના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેના કરતાં વધુ સદી છે. સચિનના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદી છે, જેમાં વન-ડેમાં 49 અને ટેસ્ટમાં 51 સદી છે. વિરાટ બાદ ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગે 71 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે. વિરાટ સચિનની 49 વન-ડે સદીથી 4 સદી દૂર છે. 100 સદીના રેકોર્ડને તોડવા માટે તેમણે વધુ 28 સદી ફટકારવી પડશે.

9.નોન-ઓપનર તરીકે સૌથી વધુ સદી
વિરાટ કોહલીએ તેની વન-ડે કારકિર્દીની તમામ 45 સદી 3 કે 4 નંબર પર બેટિંગ કરતી વખતે ફટકારી છે. તેણે ઓપનિંગની સિવાય બેટિંગ કરતાં સૌથી વધુ સદી ફટકારી છે. ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગ અને દક્ષિણ આફ્રિકાના એબી ડી વિલિયર્સ તેની પાછળ છે. પોન્ટિંગના નામે 30 અને એબીના નામે 24 વન-ડે સદી છે.

એક્ટિવ પ્લેયર્સમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સદી મામલે વિરાટ ટોપ પર છે. વિરાટની 73 સદી પછી ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરે 45 સદી ફટકારી છે. ઈંગ્લેન્ડના જો રૂટે 44, ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથે 42 અને ભારતના રોહિત શર્માએ 41 સદી મારી. પાંચેય પ્લેયર્સ હાલ ક્રિકેટ રમી રહ્યા છે. કોઈએ સંન્યાસ લીધો નથી.

10. ઓપનર રોહિત શર્માએ સેહવાગને પાછળ છોડ્યો
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ શ્રીલંકા વિરુદ્ધ 67 બોલમાં 83 રનની ઈનિંગ રમી. આ ઈનિંગમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગા હતા. આ સાથે જ ઓપનિંગ કરતા રોહિત શર્માએ 149 ઈનિંગમાં 7519 રન પૂરા કર્યા છે. તેણે ભારતના વિરેન્દ્ર સેહવાગનો પણ રેકોર્ડ તોડ્યો છે. સેહવાગે ઓપનર તરીકે 212 ઈનિંગમાં 7518 રન બનાવ્યા હતા.

11. રોહિત શર્માના 9500 રન પૂરા
શ્રીલંકા વિરુદ્ધ ઈનિંગ સાથે જ રોહિતના વન-ડે ઈન્ટરનેશનલની 236 મેચમાં 9537 રન પૂરા થયા છે. 10 હજાર વન-ડે રનથી રોહિત માત્ર 463 રન દૂર છે. ભારત માટે સૌથી વધુ વન-ડે રન બનાવવાના મામલે તે 6મા નંબર પર છે. મહેન્દ્ર સિંહ ધોની, રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી, વિરાટ કોહલી અને સચિન તેંડુલકરે તેના કરતાં વધુ રન બનાવ્યા છે.

12. ઓપનર રોહિતની 27મી સેન્ચુરિયન પાર્ટનરશિપ
રોહિતે શુબમન ગિલ સાથે મળીને 143 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી. પહેલી વિકેટ માટે રોહિતની 27મી સેન્ચુરિયન પાર્ટનરશિપ હતી. ગિલથી પહેલાં 18 વખત શિખર ધવન, 5 વખત કેએલ રાહુલ અને 3 વખત અજિંક્ય રહાણે સાથે 100થી વધુ રનની પાર્ટનરશિપ કરી ચૂક્યો છે.

13. ગિલની શાનદાર શરૂઆત
ભારત તરફથી વન-ડે રમતા શુબમને 16 ઈનિંગમાં 757 રન માર્યા છે. આ રીતે શરૂઆતી 16 વન-ડે ઈનિંગમાં ભારત તરફથી સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેના પછી શ્રેયસ અય્યરે 725 અને નવજોત સિંહ સિદ્ધુએ 655 રન બનાવ્યા. પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ પણ આ દરમિયાન 601 રન બનાવ્યા છે.

14. શુમન ગિલે પણ આ રેકોર્ડ બનાવ્યો હતો
ગિલ શ્રીલંકા સામે 60 બોલમાં 70 રન બનાવીને આઉટ થયો હતો. 2022 પછી ઓપનર તરીકે વન-ડેમાં તેની એવરેજ સૌથી વધુ છે. તેણે 11 મેચમાં 68.12ની એવરેજથી 545 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 98.91 હતો. ટોપની વન-ડે ટીમમાં ગિલ પછી પાકિસ્તાનનો ઈમામ-ઉલ-હક અને ઓસ્ટ્રેલિયાનો ડેવિડ વોર્નર આવે છે. આ દરમિયાન ઈમામે 9 મેચમાં 64.5ની એવરેજથી 516 રન બનાવ્યા હતા. એ જ સમયે વોર્નરે 13 મેચમાં 42.46ની એવરેજથી 552 રન બનાવ્યા હતા.

15. સિરાજ ભારતનો ટોપ વિકેટ-ટેકર
2019
વન-ડે વર્લ્ડ કપ પછી પહેલા પાવરપ્લેમાં ભારત તરફથી સૌથી વધુ વિકેટ મોહમ્મદ સિરાજે લીધી છે. સિરાજે પહેલી ઓવરથી લઈ 10મી ઓવર સુધી 18 વિકેટ લીધી છે. તેના પછી દીપક ચહરે 8, જસપ્રીત બુમરાહે 5 અને ભુવનેશ્વર કુમારે 3 વિકેટ લીધી છે. ઓવરઓલ 17 વન-ડે ઈન્ટરનેશનલમાં સિરાજે 26 વિકેટ લીધી છે. શ્રીલંકા વિરુદ્ધ પહેલી વન-ડેમાં 7 ઓવરમાં 30 રન પર 2 વિકેટ લઈ સ્પેલ પતાવ્યો હતો.

16. ઉમરાને 156KMPHની ઝડપે બોલિંગ કરી
ભારતના ઉમરાન મલિકે શ્રીલંકા સામેની વન-ડેમાં 156 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી હતી. આ બોલ સાથે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતીય દ્વારા ફેંકવામાં આવેલા સૌથી ઝડપી બોલનો રેકોર્ડ બનાવ્યો. આ કેસમાં તેણે પોતાનો જ રેકોર્ડ તોડ્યો હતો. આ પહેલાં શ્રીલંકા સામે T20માં તેણે 155 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી હતી. IPLમાં 157 કિમીની ઝડપે બોલ ફેંકવાનો રેકોર્ડ પણ ઉમરાનના નામે છે.

17. ભારતે સાઉથ આફ્રિકાની બરાબરી કરી
ભારતે ટોસ હારી પહેલા બેટિંગ કરતાં 50 ઓવરમાં 373 રન બનાવ્યા. ઓપનર રોહિત શર્માએ 67 બોલ પર 83, શુબમન ગિલે 60 બોલ પર 70, વિરાટ કોહલીએ 87 બોલ પર 113, શ્રેયસ અય્યરે 24 બોલ પર 28, કેએલ રાહુલે 29 બોલ પર 39 અને હાર્દિક પંડ્યાએ 12 બોલ પર 14 રન બનાવ્યા છે. 10થી વધુ રન બનાવનાર ભારતના ટોપ-6 બેટરનો સ્ટ્રાઈક રેટ 110થી વધુનો હતો. વન-ડે ઈન્ટરનેશનલમાં આવું માત્ર બે વખત જ થયું છે. બંને વખત સાઉથ આફ્રિકાએ આવું કર્યું છે. ટીમના ટોપ-6 બેટર્સે 2010માં ઝિમ્બાબ્વે અને 2015માં ભારત વિરુદ્ધ 110થી વધુના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા.