• Home
  • News
  • રાજ્યમાં કોરોનાના નવા 176 કેસ, અમદાવાદમાં સૌથી વધુ 90 કેસ, ભરૂચમાં વૃદ્ધનું સારવાર દરમિયાન મોત
post

રાજ્યના પ્રથમ કોવિડ સ્મશાનમાં 236 દિવસ બાદ ચિતા સળગી

Written By newsonline | Ahmedabad | Published: 2023-03-21 19:01:38

અમદાવાદ: રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. તો બીજી તરફ કોરોનાનાં લક્ષણ ધરાવતા ફ્લૂએ માથું ઊંચક્યું છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શરદી, ખાંસી, તાવના કેસો પણ જોવા મળી રહ્યા છે. જોકે, રાજ્યમાં કોરોનાના કેસમાં સામાન્ય ઘટાડા બાદ ફરી એકવાર કેસમાં વધારો જોવા મળ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 176 કેસ નોંધાયા છે. જેની સામે 69 દર્દીઓ સાજા થયા છે અને હાલ ત્રણ દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે. તો બીજી તરફ 10 માર્ચના સુરતમાં એક દર્દીના મોત બાદ 11 દિવસમાં કોરોનાના કારણે બીજું મોત નોંધાયું છે. ભરૂચના ઝઘડિયા તાલુકાના 81 વર્ષીય વૃદ્ધ કોરોના પોઝિટિવ થયા બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

રાજ્યમાં કોરોનાના કુલ 916 એક્ટિવ કેસ
કોરોનાના કુલ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં કુલ 916 એક્ટિવ કેસ છે. જેમાંથી 03 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 913 દર્દીઓ હાલ સ્ટેબલ છે. ત્યારે કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,67,046 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11048 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ 90 કેસ
કોરોનાના કેસને લઇ જિલ્લા અને કોર્પોરેશનની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 90 કેસ નોંધાયા છે. જ્યારે 32 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ત્યારબાદ રાજકોટમાં નવા 19 કેસ નોંધાયા છે. જ્યારે સુરતમાં 18 કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત મહેસાણામાં નવા 16 કેસ નોંધાયા છે. તેમજ અમરેલીમાં નવા 3 કેસ સામે આવ્યા છે. ભરૂચમાં 1 કેસ સામે આવ્યો છે ત્યારે કોરોનાની સારવાર દરમિયાન એક દર્દીનું મોત પણ નીપજ્યું છે. ભાવનગરમાં નવા 2 કેસ સામે આવ્યા છે. દાહોદમાં પણ 1 કેસ નોંધાયો છે. દેવભૂમિ દ્વારકામાં પણ 1 કેસ નોંધાયો છે. ગાંધીનગરમાં 6 કેસ નોંધાયા છે. જામનગરમાં 2 કેસ નોંધાયા છે. જૂનાગઢમાં 1 કેસ સામે આવ્યો છે. ખેડામાં 2 કેસ નોંધાયા છે. નવસારીમાં 3 કેસ નોંધાયા છે. પાટણમાં 1 કેસ નોંધાયો છે. પોરબંદરમાં 3 કેસ સામે આવ્યા છે. સુરેન્દ્રનગરમાં 1 કેસ અને વડોદરામાં 6 કેસ નોંધાયા છે.

ભરૂચમાં વૃદ્ધનું કોરોનાની સારવાર દરમિયાન મોત
ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો થવા લાગ્યો છે. ના ફક્ત કેસમાં પણ હવે મૃત્યુના કેસ પણ સામે આવવા લાગ્યા છે. રાજ્યમાં છેલ્લા 11 દિવસમાં કોરોનાના કારણે બીજું મોત નોંધાયું છે. ભરૂચના ઝઘડિયા તાલુકાના 81 વર્ષીય વૃદ્ધ કોરોના પોઝિટિવ થયા બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ભરૂચમાં કોરોનાના કારણે વૃદ્ધનું મોત થતા ભરૂચમાં બનાવાયેલા રાજ્યના પ્રથમ કોવિડ સ્મશાનમાં 236 દિવસ બાદ ચિતા સળગી હતી. તો અમદાવાદમાં પણ કોરોના વકર્યો છે. છેલ્લા ત્રણ દિવસથી રોજના 70 જેટલા કેસો શહેરમાં નોંધાઈ રહ્યા છે. હાલ અમદાવાદમાં કોરોનાના 398 એક્ટિવ કેસ છે, જેમાંથી 39 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. જેમાંથી એક દર્દી સિવિલ હોસ્પિટલમાં​​​ ICU હેઠળ સારવાર હેઠળ છે.

81 વર્ષીય વૃદ્ધનું સારવાર દરમિયાન મોત
ભરૂચના ઝઘડિયા તાલુકાના વાસણા ગામના 81 વર્ષીય વૃદ્ધને કોરોનાની સારવાર માટે 15 માર્ચે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં આજે સવારે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. મૃતકે વેક્સિનના બંને ડોઝ લીધા હોવાનું સામે આવ્યું છે.

રાજ્યના પ્રથમ કોવિડ સ્મશાનમાં 236 દિવસ બાદ ચિતા સળગી
કોરોનાની બીજી લહેર દરમિયાન રાજ્યમાં સૌ પ્રથમ ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના કિનારે કોવિડનું અલગ સ્મશાન બનાવવામાં આવ્યું હતું. જ્યાં આજે 236 દિવસ બાદ ચિતા સળગી હતી. ઝઘડિયાના વાસણા ગામના વૃદ્ધનું મોત નીપજ્યા બાદ આજે કોવિડ સ્મશાનમાં અંતિમવિધિ કરવામાં આવી હતી.

હાલ અમદાવાદમાં કોરોનાના 460 એક્ટિવ કેસ
અમદાવાદમાં કોરોના અને H3N2 ફ્લૂના કેસોમાં વધારો થઈ રહ્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં થલતેજ, બોડકદેવ, નવરંગપુરા, જોધપુર સેટેલાઇટ સહિતના વિસ્તારોમાં સૌથી વધારે કોરોનાના કેસો નોંધાયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના ટેસ્ટિંગ વધારવામાં આવ્યા છે. હાલ અમદાવાદમાં કોરોનાના 460 એક્ટિવ કેસ છે.

એક દર્દી સિવિલ હોસ્પિટલમાં​​​ ICU હેઠળ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આરોગ્ય અધિકારી ડો. ભાવિન સોલંકી જણાવ્યું હતું કે, શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. દરરોજ કોરોનાના કેસોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. હાલ કોરોનાના 460 એક્ટિવ કેસો છે. જેમાં એક દર્દીની હાલત ખરાબ હોવાને કારણે સિવિલ હોસ્પિટલમાં ICUમાં સારવાર હેઠળ છે. મોટાભાગના દર્દીએ બંને ડોઝ લીધા હોય તેવા કેસ સામે આવી રહ્યા છે. જેમાં નવરંગપુરા, બોડકદેવ અને જોધપુરમાંથી સૌથી વધુ કેસ નોંધાયા છે.

કોરોનાના ટેસ્ટ તમામ PHC અને CSC કેન્દ્રમાં શરૂ
જ્યારે સિઝનલ ફ્લૂના H1N1ના 23 જાન્યુઆરીથી 18 માર્ચ 2023 સુધી 47 કેસ નોંધાયા છે. જેમાં H3N2ના કુલ 13 જેટલા દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. આ ઉપરાંત LG અને SVP હોસ્પિટલમાં H3N2ના પણ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક આવેલ PHC અને CSC કેન્દ્રમાં 9,000 જેટલા OPD નોંધાઈ રહ્યા છે. જેમાંથી 1700 જેટલા માત્ર શરદી, ઉધરસ અને ખાંસીના દર્દી જોવા મળી રહ્યા છે. કોરોનાના ટેસ્ટ તમામ PHC અને CSC કેન્દ્રમાં શરૂ કરી દેવામાં આવ્યા છે.

ચાલુ વર્ષે 9,613 જેટલા ક્લોરીન ટેસ્ટ કરાયા
શહેરમાં પાણીજન્ય કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. 18 માર્ચ સુધી પાણીજન્ય કેસોની વાત કરવામાં આવે તો ઝાડા ઊલટીના 291, કમળાના 86, કેસ ટાઈફોડના 236 કેસ, કોલેરાનો 1 કેસ નોંધાયો છે. આ ઉપરાંત કોર્પોરેશન દ્વારા ચાલુ વર્ષ દરમિયાન 9,613 જેટલા ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 2,343 જેટલા બેક્ટેરિયોલોજિકલ તપાસ માટે પાણીના નમૂના લેવામાં આવ્યા હતા. જેમાંથી 30 જેટલા પાણીના નમૂનાના સેમ્પલ જાહેર કરવામાં આવ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post