• Home
  • News
  • 1983 કપિલ... 2013 ધોની... 2021 કોહલી! 8 વર્ષ પછી ઈંગ્લેન્ડમાં થશે કમાલ
post

WTCનું આયોજન પહેલીવાર થઈ રહ્યું છે. અને ટીમ ઈન્ડિયાએ આખી ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું. વિરાટ બ્રિગેડ સપનાને હકીકતમાં બદલવાથી માત્ર એક ડગલું દૂર છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-06-16 11:35:48

નવી દિલ્લી: ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે થનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC)ની ફાઈનલ શરૂ થવાનો સમય નજીક આવી ગયો છે. સાઉથમ્પટનમાં 18-22 જૂન સુધી થનારા આ ટાઈટલ મુકાબલા પર હિંદુસ્તાનની નજર રહેશે. ભારતીય ક્રિકેટ ટીમ માટે આ ઐતિહાસિક ક્ષણ હશે. WTCનું આયોજન પહેલીવાર થઈ રહ્યું છે. અને ટીમ ઈન્ડિયાએ આખી ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું. વિરાટ બ્રિગેડ સપનાને હકીકતમાં બદલવાથી માત્ર એક ડગલું દૂર છે. અને આશા છે કે કોહલીની ટીમ ઈંગ્લેન્ડમાં તે સફળતા હાંસલ કરશે જેનો ઈંતઝાર દેશના ક્રિકેટ ફેન્સ છેલ્લાં 8 વર્ષથી કરી રહ્યા છે.

8 વર્ષથી ભારત નથી આવી ICCની ટ્રોફી:
ભારતીય ટીમના ખાતામાં 2013 પછી ICCની ટ્રોફી આવી નથી. ટીમ ઈન્ડિયાએ 8 વર્ષ પહેલાં ઈંગ્લેન્ડમાં જ ICC ચેમ્પિયન્સ ટ્રોફી પર કબ્જો કર્યો હતો. ત્યારે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હતા. ભારતીય ટીમ 2017માં ICCની ટ્રોફી જીતવાની નજીક પહોંચી ગઈ હતી. પરંતુ પાકિસ્તાને તેનું સપનું તોડી નાંખ્યું હતું. આ તક હતી 2017 ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં. આમ તો ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડમાં અનેક સિરીઝ પર કબ્જો કર્યો છે. 2002ની નેટવેસ્ટ ટ્રોફી પણ તેમાંથી એક છે. જોકે આ ICCની ટ્રોફી ન હતી.

1983માં કપિલની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાનો વિજય:
2013
થી 30 વર્ષ પહેલાં એટલે 1983માં ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડમાં પહેલીવાર એવી ટ્રોફી જીતી હતી જેમાં અલગ-અલગ દેશોની ક્રિકેટ ટીમોએ ભાગ લીધો હતો. આ ટ્રોફી હતી વર્લ્ડકપની. કપિલ દેવની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે વર્લ્ડકપ પર કબ્જો કરીને દુનિયાને બતાવી દીધું હતું કે તે ક્રિકેટમાં કંઈક મોટું કરવા આવી છે. 1983થી અત્યાર સુધી ક્રિકેટમાં અનેક મોટા પરિવર્તન આવ્યા છે. ટીમ ઈન્ડિયા તે સિદ્ધિ હાંસલ કરતી જઈ રહી છે. જે એક સમયે વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયાની ટીમ કરતી હતી. આ બંને ટીમ અનેક વર્ષો સુધી અપરાજિત રહી. તેમને હરાવવી એટલે લોઢાના ચણા ચાવવા જેવું ગણવામાં આવતું હતું.

શું કોહલી ઈતિહાસ રચશે:
હવે ટીમ ઈન્ડિયા સાથે પણ આવું જ થઈ રહ્યું છે. તે જ્યાં પણ જાય છે, જીતીને જ આવે છે. કોહલીના નેતૃત્વવાળી ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બનવાથી ઈરાદાથી ઈંગ્લેન્ડ આવી છે. ત્યારે ક્રિકેટ ફેન્સને આશા છે કે ટીમ ઈન્ડિયા ઈતિહાસ રચશે અને કોહલી પહેલીવાર ICCની ટ્રોફીને પોતાના હાથમાં ઉઠાવશે. તેની સાથે જ ભારતીય ટીમ વર્લ્ડકપ, ટી-20 વર્લ્ડકપ અને WTCનું ટાઈટલ જીતનારી પહેલી ટીમ બની જશે.