• Home
  • News
  • 2 કોંગી MLA‘તોડોના પોઝિટિવ’, બીજા 5થી 7 MLA પણ રડારમાં
post

કરજણના MLA અક્ષય પટેલ અને કપરાડાના જીતુ ચૌધરીના રાજીનામાં

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-05 10:53:06

અમદાવાદ: રાજ્યસભાની ચૂંટણીના 15 દિવસ પહેલાં કોંગ્રેસના બે ધારાસભ્યો, કરજણના અક્ષય પટેલ અને કપરાડાના જીતુ ચૌધરીએ રાજીનામાં ધરી દીધાં છે. હજુ કોંગ્રેસના વધુ બેથી ત્રણ ધારાસભ્યો રાજીનામાં આપે અને બીજા બે કે ત્રણ ક્રોસવોટિંગ કરે એ‌વી શક્યતા છે.  વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે બુધવારે મોડી સાંજે બન્ને ધારાસભ્યો આવ્યા ત્યારે તેમના માસ્ક ઉતરાવી ઓળખ કરાવી હતી. કોંગ્રેસના વધુ 5થી સાત ધારાસભ્યો પણ ભાજપના રડાવમાં હોવાની અટકળો છે. 

19 જૂનના રોજ રાજ્યની 4 બેઠક માટે ચૂંટણી, 5 ઉમેદવાર
ભાજપના ઉમેદવાર: ભાજપથી અભય ભારદ્વાજ, રમીલા બારા, નરહરિ અમીન. 
કોંગ્રેસના ઉમેદવાર: ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ.


શક્તિસિંહની જીતની પ્રબળ, ભરતસિંહના પરાજયની શક્યતા 
સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસમાં હાલ હાઇકમાન્ડના આદેશ પ્રમાણે શક્તિસિંહને વધુ એકડા આપી જીતાડવા માટે આદેશ કરાયો છે. જેથી કોંગ્રેસમાંથી પણ એક વાત સ્પષ્ટ રૂપે બહાર આવે છે કે શક્તિસિંહ ગોહિલ જીતીને રાજ્યસભામાં જાય અને ભરતસિંહ સોલંકીને હારવું પડે. આવાં સંજોગોમાં કોંગ્રેસમાં ભરતસિંહ સોલંકી સમર્થિત જૂથમાં ભડકો થશે.


ભાજપ આ રીતે ખેલ પાર પાડશે
ભાજપ પાસેના 103 મત છે તેથી ત્રીજા ઉમેદવાર નરહરિ અમીનને જીતવા માત્ર બે મત ખૂટે છે. જેમાંથી એક મત એનસીપીના કાંધલ જાડેજાનો મળશે. બીટીપીના બન્ને ધારાસભ્યો છોટુ વસાવા અને મહેશ વસાવાને ભાજપ ગેરહાજર રખાવશે અને તેથી તેમનો મત કોઇને પણ નહીં મળે. હાલ ભાજપના નિકોલના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્મા કોરોનાની સારવાર કરાવી રહ્યા છે અને વેજલપુરના ધારાસભ્ય કિશોર ચૌહાણ ગુરુવારે કોરોના પોઝિટિવ જાહેર થતા સારવાર હેઠળ છે. જો કે આ બન્ને ધારાસભ્યો ચૂંટણી આડે પંદર દિવસ હોવાથી સાજા થયા બાદ પણ ક્વોરન્ટાઇન જ રહેશે, તેથી મત નાખવા આવી શકશે નહીં. આથી ભાજપને વળી બે મત ખૂટશે. 

ચૂંટણીમાં પણ ધમણ વેન્ટિલેટરની એન્ટ્રી

·         પરેશ ધાનાણીએ કહ્યું- ધમણ વેન્ટિલેટરમાંથી કરેલી કમાણીથી ધારાસભ્યો ખરીદાયાં છે. આ આખોય મામલો કે કૈલાશનાથનના ઇશારે પાર પડ્યો છે.  

·         નીતિન પટેલે કહ્યું- ધમણ વેન્ટિલેટર સરકારને સાવ નિ:શુલ્ક અપાયાં છે અને આવાં આક્ષેપ પાયાવિહોણા છે. કોંગ્રેસ ધારાસભ્યોને સાચવતી નથી તે સહુ જાણે છે.  

·         જીતુ વાઘાણીએ જણાવ્યું કે, પૈસા આપીને કોઇ ખરીદી થતી નથી. જે લોકો ભાજપમાં આવવા માગે છે તેમને અમે ખુલ્લા દિલે આવકારીએ છીએ, પરંતુ અમે કોઇ ધારાસભ્યો સાથે સંપર્કમાં નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post