• Home
  • News
  • અમદાવાદ-સુરતમાંથી વધુ 2 પકડાયા, 25થી વધુ ઈન્જેક્શન જપ્ત, આ રીતે ઓળખો અસલી-નકલી ટોસિલિઝુમેબ ઇન્જેક્શન
post

AMCના મેડિકલ સ્ટોરમાંથી ખાનગી કોવિડ હોસ્પિટલોને ઈન્જેક્શન અપાશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-23 09:17:01

અમદાવાદ: સુરતમાં નકલી ટોસિલિઝુમેબ ઈન્જેક્શનનું કૌભાંડ પકડાયા પછી અમદાવાદ અને સુરતમાં વધુ 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી 25થી વધુ ઈન્જેક્શન જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ આ અંગે ચૂપકીદી સેવી રહ્યું છે. બેથી ત્રણ દિવસમાં આ અંગે મોટા ખુલાસા થવાની શક્યતા છે. 

જ્યારે બીજી તરફ અમદાવાદમાં નકલી ટોસિલિઝુમેબ ઈન્જેક્શન વેચવાનું કૌભાંડ પકડાયા બાદ હવે ખાનગી કોવિડ હોસ્પિટલોને મ્યુનિ. ટોસિલિઝુમેબ ઈન્જેક્શન પૂરા પાડશે. મ્યુનિ.ના સેન્ટ્રલ મેડિકલ સ્ટોર ખાતે ઈન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ કરાવાયો છે. જે ખાનગી હોસ્પિટલો સાથે મ્યુનિ.એ કરાર કર્યા છે ત્યાં સારવાર મેળવતા દર્દીઓને વિનામૂલ્યે ઈન્જેક્શન અપાશે. જ્યારે અન્ય ખાનગી કોવિડ હોસ્પિટલોને રિપ્લેસમેન્ટના ધોરણે ટોસિલિઝુમેબ સેન્ટ્રલ મેડિકલ સ્ટોરમાંથી મળી રહેશે. જે તે હોસ્પિટલે દર્દીની જરૂરી વિગતો સાથે જે તે ઝોનના આસિસ્ટન્ટ પ્રોફેસર મારફતે હેલ્થ વિભાગના ડેપ્યુટી કમિશનરની વિનંતી રજૂ કર્યેથી આ ઈન્જેક્શન મળી રહેશે. 

નકલી ઈન્જેક્શન કૌભાંડની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ
અમદાવાદમાં પકડાયેલા નકલી ટોસિલિઝુમેબ ઈન્જેક્શનના કૌભાંડની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. વસ્ત્રાપુર પોલીસમાં નકલી ઈન્જેક્શન વેચનારા કુલ પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવાઈ હતી. જેમાં ભાજપ સાથે સંકળાયેલા હર્ષ ઠાકોર સહિત બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. 

ટોસિલિઝુમેબ ઇન્જેક્શનનાં બોક્સની ડિઝાઇન, કલર-ડોઝ પરથી પારખી શકાય
 
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનર ડો. એચ.જી. કોશિયાએ દિવ્ય ભાસ્કરને કહ્યું હતું કે, ટોસિલિઝુમેબ ઈન્જેક્શન નકલી કે અસલી છે તે ઈન્જેક્શનના બોક્સની ડિઝાઈન અને ક્લર તેમજ બોક્સ પર લખેલા ઈન્જેક્શનના ડોઝ પરથી આસાનીથી પારખી શકાય છે. જે તે દર્દીના સગાંએ ઈન્જેકશન લેતા પહેલાં આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

અસલીને આ રીતે ઓળખો

·         એક્ટિમેરા બ્રાન્ડ નામ-સિપ્લા લખેલું હોય છે

·         બોક્સની ડિઝાઇનમાં ફરક છે

·         80 mg/ 4 ml અને લીલા કલરની લાઇન, 200 mg/ 10 ml અને પીળા કલરની લાઇન અને 400 mg/ 20 ml અને લાલ લાઇનિંગ હોય છે

·         ઇન્ટ્રા વેન્સ (નસ)માં આપવામાં આવે છે

·         વોટર સોલ્યુબલ ઇન્જેક્શન છે

·         બોક્સ ખોલતા વાઇલના ઢાંકણાં પર 80, 200 અને 400 મીલીગ્રામ પ્રમાણે લીલા, પીળા અને લાલ કલરનું હોય છે

નકલીને આ રીતે ઓળખો

·         ડુપ્લિકેટ ટોસિલિઝૂમેબ ઇન્જેક્શનનાં બોક્સની પર જાંબલી કલરની ડિઝાઇન છે

·         ટોસિલિઝૂમેબ- 250 MG/ML લખેલું હોય છે

·         એક્ટિમર ઇન્જેક્શન, જેનિક લખેલું છે

·         ઇન્ટ્રા મસ્ક્યુલર લખેલું હોય છે

·         ઓઇલ બેઝ છે (ઇન્જેક્શનમાં સ્ટીરોઇડ હોય છે, સ્ટીરોઇડ ઓઇલમાં ઓગળે છે)

·         એમ્પયુલ (કાચની શીશી)માં છે અને બોક્સ પર 10 એમ્પયુલ ઓફ 1 એમએલ લખેલું છે

બોપલ, શેલા, ઘુમા, સનાથલમાં કોરોનાના 67 કેસ મળ્યા
બોપલ ઘુમા શેલા અને સનાથલ વિસ્તારમાં એક લાખથી વધુ લોકોના આરોગ્યની ચકાસણી કરાઇ હતી. છેલ્લા બે દિવસથી આ કામગીરી ચાલતી હતી. જેમાં 34,172 ઘરોમાં 98,962 વ્યક્તિઓના આરોગ્યની ચકાસણી કરાઇ હતી. આમાં શંકાસ્પદ જણાતા 4253 વ્યક્તિના કોરોના ટેસ્ટ કરાયા હતા. જેમાંથી કુલ 67 પોઝિટિવ કેસ નોંધાયા હતા. બુધવ‌ારે જિલ્લામાં વધુ 15 કેસ નોંધાયા હતા. જેમાં સાણંદમાં 5, દસ્ક્રોઈમાં 4 અને ધોળકા 3, વિરમગામમાં 2, ધંધૂકામાં 1 કેસ નોંધાયો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post