• Home
  • News
  • ઉન્નાવ દુષ્કર્મ કેસ - કુલદીપ સેંગરને આજીવન કેદની સજા
post

ઉન્નાવ દુષ્કર્મ મામલામાં દોષી પુરવાર થયેલા કુલદીપ સિંહ સેંગરને તીસ હજારી કોર્ટએ આજીવન કેદની સજા ફટકારી છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-12-20 15:31:41

નવી દિલ્હી : ઉન્નાવ દુષ્કર્મ મામલામાં દોષી પુરવાર થયેલા કુલદીપ સિંહ સેંગરને તીસ હજારી કોર્ટએ આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે પોતાના ચુકાદામાં સેંગરને આજીવન કેદની સજાની સાથોસાથ પીડિત પરિવારને પચીસ લાખ રૂપિયાનું વળતર આપવાનો પણ આદેશ આપ્યો છે. ચુકાદા સમયે કુલદીપ સેંગર જજની સામે હાથ જોડીને ઊભો રહ્યો હતો.

 કોર્ટે મામલાની તપાસ કરનારી સીબીઆઈને નિર્દેશ આપ્યા કે પીડિતા અને તેના પરિવાર પર ખતરાની સમીક્ષા કરે અને તેમને જરૂરી સુરક્ષા ઉપલબ્ધ કરાવે. સાથોસાથ સીબીઆઈને પીડિતા અને તેના પરિવારને સુરક્ષિત આવાસ આપવા માટે પણ કહેવામાં આવ્યું છે.

આ પહેલા શુક્રવાર સવારે સુનાવણી શરૂ થતાં જજે કુલદીપ સેંગરને લૉકઅપથી લાવવા માટે કહ્યું. ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. બીજી તરફ બચાવ પક્ષના વકીલે ફરી એકવાર કહ્યું કે તેમના અસીલ કુલદીપ સેંગરની બે દીકરીઓ અને પત્ની છે, તેમની પર તમામની જવાબદારી છે. તેથી સજા આપતી વખતે આ વાત ધ્યાનમાં લેવામાં આવે.નોંધનીય છે કે, આ પહેલા 17 ડિસેમ્બરે આ મામલાની સુનાવણીમાં સીબીઆઈ (CBI)એ સેંગરને મહત્તમ સજા આપવાની માંગ ઉઠાવી હતી. સાથોસાથ પીડિતાને યોગ્ય વળતર આપવાનો આગ્રહ કર્યો હતો. બીજી તરફ બચાવ પક્ષના વકીલે કોર્ટમાં કહ્યું કે તેમની (કુલદીણ સેંગર)ની ઉંમર 54 વર્ષ છે અને તેમનું સમગ્ર કારકિર્દી જોવામાં આવે તો વર્ષ 1988થી અત્યાર સુધી તેઓ પબ્લિક ડીલિંગ કરતા રહ્યા છે. તેઓએ હંમેશા લોકોની સેવા કરી છે. સાથોસાથ વકીલે કહ્યું હતું કે તેમની વિરુદ્ધ આ પહેલો મામલો છે. તેમની બે દીકરીઓ છે જે લગ્નને લાયક છે એવામાં તેમને ઓછામાં ઓછી સજા આપવી જોઈએ.