• Home
  • News
  • પિતાના ત્રાસથી માતાએ આપઘાત કરી લેતાં 23 વર્ષીય પુત્રે તેના નામ પાછળથી પિતાનું નામ હટાવવા HCમાં દાદ માગી
post

માતાનું નામ ઉમેરવા મ્યુનિ.નો ઈનકાર, HCએ કહ્યું, કાયદામાં જોગવાઈ છે, તમને શું વાંધો છે?

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-27 09:14:35

અમદાવાદ: 23 વર્ષ પહેલા માતા-પિતા વચ્ચેના ઝઘડા બાદ માતાએ આપઘાત કરી લેતા MBA થયેલા 23 વર્ષીય પુત્રએ પોતાના નામ પાછળ પિતાને બદલે માતાનું નામ અને અટક લખવા હાઇકોર્ટ સમક્ષ દાદ માગી છે. જસ્ટિસ એ.વાય કોગ્જેએ રાજકોટ મ્યુનિ.ને અરજદારના નામ પાછળથી પિતાનું નામ, અટક કાઢીને માતાનું નામ, અટક ઉમેરવા આદેશ કર્યો છે.


રાજકોટના દંપતી અજયકુમાર ચાવડા અને દક્ષાબેન હેડવના લગ્ન પછી ઝઘડા વધી જતા પુત્ર કૌશલ ચાવડા એક વર્ષનો હતો ત્યારે તેની માતા દક્ષાબેને પતિના ત્રાસથી આપઘાત કરી લીધો હતો. એક વર્ષની ઉંમરથી હાલમાં 23 વર્ષનો થયો ત્યાં સુધી કૌશલ અમદાવાદ ખાતે તેના મોસાળમાં જ રહે છે. જન્મના પ્રમાણપત્રમાં કૌશલે પોતાના નામ પાછળ પિતાનું નામ અને અટક કાઢીને તેના જગ્યાએ માતાનું નામ અને અટક લગાવવા જન્મ-મરણ વિભાગમાં 15 મે 2019ના રોજ અરજી કરી હતી. પરતું જન્મ-મરણ વિભાગે તેના પિતાનું નામ હટાવવાની સત્તા નહીં હોવાનું જણાવીને પિતાના નામે જ સર્ટિફિકેટ આપ્યુ હતું. જેના કારણે કૌશલે હાઇકોર્ટમાં અરજી કરી હતી.


હાઇકોર્ટે કોર્પોરેશનને એવી ટકોર કરી હતી કે દેશમાં અનેક વિભૂતિઓ પોતાના નામ પાછળ પિતાને બદલે તેની માતાનું નામ લખાવે છે. કાયદામાં પણ જોગવાઇ છે તો તમને નામ અને અટક બદલવામાં શું તકલીફ છે? બે મહિનામાં નવું સર્ટિ ઈશ્યૂ કરવા હાઈકોર્ટે આદેશ કર્યો છે.


પિતા પ્રત્યે નારાજગી હોવાથી પુત્રનો નિર્ણય
હાઈકોર્ટમાં કરેલી પિટિશનમાં કૌશલ તરફથી એડવોકેટ મેહુલ મહેતાએ એવી દલીલ કરી હતી કે, રજિસ્ટ્રેશન ઓફ બર્થ એન્ડ ડેથ એક્ટ, 1969ના રૂલ 11 મુજબ જન્મ-મરણ નોંધણી વિભાગ પાસે અરજદારના નામની પાછળ માતાનું નામ અને અટક લગાવવાની પુરી સત્તા છે. તેના માટે જન્મ-મરણ વિભાગ ઇન્કાર કરી શકે નહી. ઉલ્લેખનીય છે કે, માતાના મૃત્યુ પછી પુત્રને મેળવવા પિતાએ પ્રયાસો કર્યા હતા પરંતુ કૌશલ અમદાવાદમાં તેના મોસાળમાં રહીને મોટો થયો. 22 વર્ષ સુધી તેના મનમાં પિતા પ્રત્યે ભારે નારાજગી હોવાથી કૌશલે 22 વર્ષ પછી તેના નામ પાછળથી પિતાનું નામ હટાવવા નિર્ણય લીધો હતો. હાઇકોર્ટે નવા નામ સાથે 2 મહિનામાં જન્મનું પ્રમાણપણ ઈશ્યૂ કરવા રાજકોટ કોર્પોરેશનને આદેશ આપ્યો છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post