• Home
  • News
  • કોરોનાથી બચવા સતત 12 કલાક સુધી PPE કિટ પહેરનારા ડોક્ટરોમાંથી 25%ને ચામડીની એલર્જી
post

PPE કિટ પહેરનારા કેટલાક ડોક્ટર અને હેલ્થ વર્કરને તો મહિનાઓ સુધી એલર્જીની દવા લેવાની ફરજ પડી

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-16 09:13:32

કોવિડ હોસ્પિટલોમાં દરરોજ 8થી માંડી 12 કલાક સુધી પીપીઈ કિટ પહેરી ફરજ બજાવતા ડોક્ટરો અને અન્ય મેડિકલ સ્ટાફને ચામડીની એલર્જીના અનેક કિસ્સા જોવા મળ્યા છે. ડોક્ટરો સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે, લગભગ 20થી 25 ટકાને લાલ ફોડલી થવી, ખીલ, શરીરમાં સતત ખંજવાળ, કાળા ડાઘ જેવી સમસ્યાઓ થઈ છે. આઈસીયુ તેમજ કોવિડ કેર સેન્ટરમાં દરરોજ પીપીઈ કિટ સાથે લાંબા કલાકો ડ્યૂટી ચાલતી હોય છે. આ સમય દરમિયાન ડોક્ટરો પાણી પણ પી શકતા નથી. વધારામાં ચામડીની સમસ્યા થોડા સમય પૂરતી છે એવું પણ નથી. કેટલાક ડોક્ટરે તો મહિનાઓ સુધી દવા લેવાની ફરજ પડી છે. ચામડીની એલર્જી માટેની દવા ન લે તો ફરી સમસ્યા થતી હોય છે. કેટલાક ડોક્ટરનું કહેવું છે કે, ડ્યૂટી પૂરી થયા પછી પીપીઈ કિટ ઉતાર્યા બાદ વિવિધ એલર્જીની ખબર પડતી હોય છે. ક્યારેક તો આ એલર્જી લાંબો સમય ઘર કરી જાય છે. પરંતુ સમયની જરૂરિયાતને માન આપી દવા લઈ ફરી પીપીઈ કિટ પહેરી ડ્યૂટી પર હાજર થઈએ છીએ.

બે માસ્ક પહેરવાને લીધે ચહેરા પર ફોલ્લીઓ પડી
એપોલો હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ કિંજલ કોરાટે કહ્યું- પહેલીવાર પીપીઈ કિટ પહેરી ત્યારે સ્કીન પર લાલ ફોલ્લીઓ અને ખંજવાળ થવા લાગી. ચહેરા પર બે માસ્ક પહેરવાથી ખીલ થઈ ગયા. જે બાદ થોડા દિવસોમાં એલર્જી ઘણી વધી. ડૉકટરની મદદથી દવા શરૂ કરી જે અત્યારે પણ ચાલી રહી છે. જ્યારે કિટ પહેરું ત્યારે તો ચોક્કસપણે દવા લેવી જ પડે છે. દવા લઈને હાજર રહેવું પડે તો પણ એ અમારી આ ફરજ છે.

પીપીઈ કિટ પહેર્યા પછી સતત બળતરા-ખંજવાળ આવે છે
સિવિલમાં નર્સ રીંકુ ભાવસારે કહ્યું- પીપીઈ કિટ પહેરનારા 10માંથી 3ને ચામડીના રોગની સમસ્યા છે. પીપીઈ કિટ પહેર્યા પછી સતત બળતરા અને ખંજવાળ આવ્યા કરે છે. ડ્યૂટીના 8થી 12 કલાક દરમિયાન દવા લેવી પડે છે, ટ્યૂબ ઘસવી પડે છે. કિટ ઉતાર્યા બાદ મારે ત્રણ દિવસ દવા ચાલુ જ રાખવી પડી. 5 મહિના પછી પણ હાથ-પગની ચામડી પર ડાઘા દેખાઈ રહ્યા છે.

પરસેવાને લીધે દાદર તેમજ ફંગસનો ચેપ લાગતો હોય છે
ડર્મેટોલોજિસ્ટ ડૉ.અંશુલ વર્મને કહ્યું- પીપીઈ કિટથી શરીર ઢંકાયેલું હોવાથી બળતરા-દુખાવો થયા કરે છે. પીપીઈ કિટની સમસ્યાથી એપોલોમાં જ 10થી 15 ડોક્ટર-સ્ટાફને એલર્જીની સમસ્યા છે. ગ્લોવ્સ પહેરવાથી કે વારંવાર સેનિટાઇઝ કરવાથી 25 ટકાથી વધુને બેક્ટેરિયાનું ઇન્ફેક્શન ઉપરાંત દાદર, ફંગસ, પરસેવાથી ખંજવાળ આવવી, માથા પર બેલ્ટના પ્રેસરથી હેરલોસની સમસ્યા છે.

અકળાવનારી ગરમી થતાં આંખે અંધારા-ચક્કર આવે છે
મેડીલિંક હોસ્પિટલના ડૉ. મનીષ અગ્રવાલે કહ્યું- હું થોડો સમય પીપીઈ કિટ પહેરું છું તો પણ સ્કીન એલર્જી થઈ જાય છે.પીપીઈ કિટ માપની ના હોવાથી ગળા પર પ્રેશર અને સેફ્ટી માટે મોં પર બે માસ્ક રહે છે જેથી શ્વાસોશ્વાસની પ્રક્રિયા બરાબર થતી નથી અને અંદર ગરમી થતા આંખે અંધારા-ચક્કર આવે છે. કેટલાક કિસ્સામાં ડાયાબિટીસ છે તેવા ડૉક્ટર પીપીઈ કિટ પહેરે તો ચક્કર આવતા પડી જાય છે.

એલર્જીથી કેટલાકને તાવ આવી જાય છે
ખાસ કરીને મહિલા મેડિકલ સ્ટાફમાં નર્સો, ડોક્ટરોની ચામડી સંવેદનશીલ હોવાથી તેમને સ્કીનની એલર્જી વધારે ઝડપી થઈ જતી હોય છે. કેટલાક તો આ એલર્જી સહન કરી શકતા નથી અને તાવ પણ આવી જાય છે. જો કે, આ તકલીફની દવા લઈને પણ ડોક્ટર તરીકેની ફરજ બજાવવાનું ચાલુ રાખવાનો બીજો કોઈ વિકલ્પ નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post