• Home
  • News
  • ત્રીજા ફેઝની ટ્રાયલ:કોરોનાની ‘કોવેક્સિન’ માટે 25 લોકોએ નામ નોંધાવ્યાં, આજથી સોલા સિવિલમાં રોજ 20 લોકોને રસી અપાશે
post

ભારતીય કંપનીએ બનાવેલી ‘કોવેક્સિન’ રસીના ત્રીજા ફેઝની ટ્રાયલ શરૂ, 1 હજાર લોકો પર ટ્રાયલ થશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-26 10:52:48

કોરોના સામે ભારત બાયોટેક દ્વારા બનાવેલી કોવેક્સિનની ટ્રાયલ માટે 25 લોકોએ સોલા સિવિલ ખાતે નામ નોંધાવ્યાં છે. તેમને ગુરુવારે સવારે 9.30થી રસી આપવાનું શરૂ કરાશે. પ્રથમ તબક્કામાં 1 હજાર લોકો પર આ રસીનું પરીક્ષણ કરાશે, જેમાં વિવિધ રોગના 25 ટકા દર્દી અને અન્ય વોલન્ટિયર્સ 75 ટકા હશે. વોલન્ટિયર્સ પહેલીવાર આવે ત્યારે જરૂરી ટેસ્ટ પછી રસીનો પહેલો ડોઝ અપાશે. ત્યાર બાદ મહિના પછી બીજો ડોઝ અપાશે. તેનું એક વર્ષ સુધી ફોલોઅપ લેવાશે. રસીના 500 ડોઝ આવ્યા છે, જે દૈનિક 20-20 લોકોને અપાશે.

જે વોલન્ટિયર્સ રસી મુકાવાના છે તેમનાં નામ પણ ગુપ્ત રાખવામાં આવશે. રસીને ડીપફ્રીઝમાં માઈનસ 2થી8 ડિગ્રી ટેમ્પરેચરમાં રાખવામાં આવી છે. રસી આપવા માટે બનાવાયેલા ક્લિનિકલ ટ્રાયલ રૂમમાં કિટ પહેરીને તાલીમ પામેલા ખાસ લોકો જ જઈ શકશે.

આ અંગે સોલા સિવિલના મેડિસિન વિભાગના વડા અને ક્લિનિકલ ટ્રાયલ કમિટીના પ્રિન્સિપાલ ઈન્વેસ્ટિગેટર ડો. પારુલ ભટ્ટે કહ્યું હતું કે સ્વદેશી આત્મનિર્ભર કોવેક્સિનની ક્લિનિકલ ટ્રાયલ માટે મારા સહિત ચાર લોકોની કમિટી તૈયાર કરાઈ છે. જે 25 લોકોએ રસી મુકાવા નામ નોંધાવ્યાં છે તેમને ગુરુવારે સવારે 9.30થી 12.30 અને બપોરે 3થી 5 દરમિયાન રસી અપાશે. હોસ્પિટલમાં 1 વર્ષ સુધી 1 હજાર લોકો પર રસીની ટ્રાયલ કરાશે. વોલન્ટિયર્સ તરીકે 16થી 60 વર્ષની વચ્ચેનાં કોઈપણ પુરુષ કે મહિલા નામ નોંધાવી શકે છે. ક્લિનિકલ ટ્રાયલમાં વોલન્ટિયર્સની જરૂરી તમામ તપાસ અને તેમની લેખિત મંજૂરી પછી જ રસીનો પહેલો ડોઝ અપાશે, જેના એક મહિના બાદ બીજો ડોઝ આપવામાં આવશે. એક વર્ષ પછી દર્દીને અપાયેલી રસીનું એનાલિસીસ કરાશે. પ્રથમ તબક્કામાં 21 સેન્ટરમાંથી 130 હેલ્ધી વોલન્ટિયર્સનું ક્લિનિકલ ટ્રાયલ પૂરું કરાશે. આ દરમિયાન અન્ય વોલન્ટિયર્સ પર પણ ક્લિનિકલ ટ્રાયલ ચાલુ રહેશે.

ક્લિનિકલ ટ્રાયલ માટે 4 સભ્યની કમિટી બનાવાઈ

·         ડો. પારુલ ભટ્ટ, પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર (મેડિસિન વિભાગના સિનિયર પ્રોફેસર અને વડા)

·         ડો કિરણ રામી, કો- ઇન્વેસ્ટિગેટર (રેસ્પિરેટરી મેડિસિનના વિભાગના વડા)

·         ડો. મુકેશ વોરા, કમિટી મેમ્બર (ફાર્મેકોલોજી વિભાગ)

·         ડો. રશ્મિ શર્મા, કમિટી મેમ્બર (કમ્યુનિટી મેડિસિન વિભાગ)

રસી લેનારે દર મહિને RT-PCR ટેસ્ટ કરાવવા ફરજિયાત
વોલન્ટિયર્સ નક્કી કરવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે. વોલન્ટિયર્સ માટે સોલા સિવિલમાં ગ્રાઉન્ડ ફ્લોર પર એક નંબરની પહેલી મેડિકલ ઓપીડીમાં સવારે નોંધણી કરાવી શકાશે. જ્યાં દર્દીની હિસ્ટ્રી, લેખિત મંજૂરી લેવાશે, જેમાં હું રસી લેવા તૈયાર છું અને એક વર્ષ સુધી રસીના ફોલોઅપ માટે આવીશ તેવી બાંયધરી આપવાની રહેશે. દર મહિને એકવાર વોલન્ટિયર્સે હોસ્પિટલ આવવું પડશે અને આરટીપીસીઆર ટેસ્ટ કરાવવા પડશે. દર મહિને વોલન્ટિયર્સને ટ્રાવેલ એલાઉન્સ પણ આપવામાં આવશે.

દેશનાં 21 સેન્ટરમાંથી એકસાથે 130 વોલન્ટિયર્સને રસી અપાશે
પ્રથમ તબક્કામાં દેશનાં 21 સેન્ટરમાંથી 130 લોકોને રસી અપાશે. ડિસેમ્બરના અંત સુધીમાં તેમને રસીની અસરો, આડ અસરો, ઈન્ફેક્શન વગેરેનો અભ્યાસ કરાશે, જેના આધારે રસી બજારમાં મૂકવા માટેના પ્રયાસો કરાશે. ભારત બાયોટેકે તૈયાર કરેલી કોવેક્સિન નામની રસીને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) અને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીએ (એનઆઈવી)એ સાથે મળીને તૈયાર કરી છે. 26 હજાર વોલન્ટિયર્સ પર ફેઝ-3ના ક્લિનિકલ ટ્રાયલ માટે મંજૂરી મળી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post