• Home
  • News
  • 28 સપ્તાહની ગર્ભવતી બળાત્કાર પીડિતાને ગર્ભપાતની મંજૂરી:ગુજરાત હાઇકોર્ટના નિર્ણય પર SCએ કહ્યું, જ્યારે કેસ સુપ્રીમ કોર્ટમાં છે ત્યારે તમે ચુકાદો કેવી રીતે સંભળાવી શકો?
post

7 ઓગસ્ટે મહિલાએ ગર્ભપાતને લઈને હાઈકોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે 8 ઓગસ્ટે આ મામલે સુનાવણી કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2023-08-21 18:26:24

સુપ્રીમ કોર્ટે સોમવારે ગુજરાતની 28 સપ્તાહની ગર્ભવતી બળાત્કાર પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપી છે. મહિલાએ અગાઉ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. કોર્ટે 17મી ઓગસ્ટે કોઈપણ કારણ આપ્યા વગર તેની અરજી ફગાવી દીધી હતી. ત્યાર બાદ પીડિતા 19 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટ પહોંચી હતી. એ જ દિવસે ગુજરાત હાઈકોર્ટે સ્વતઃ સંજ્ઞાન લઈને આદેશ જાહેર કર્યો હતો, જેમાં તેમણે લખ્યું હતું કે પીડિત પક્ષની અરજીને ફગાવીને તેમણે તેને પૂછ્યું હતું કે શું તે બાળકને જન્મ આપીને રાજ્યને સોંપવા માગે છે.

ગુજરાત હાઈકોર્ટના આ આદેશને જોઈને સુપ્રીમ કોર્ટના જસ્ટિસ નાગરત્ન ખૂબ નારાજ થઈ ગયા. તેમણે કહ્યું- સુપ્રીમ કોર્ટના કોઈપણ આદેશના જવાબમાં હાઈકોર્ટ તરફથી કોઈ ને કોઈ આદેશ આવે છે, અમે એને યોગ્ય નથી માનતા. ગુજરાત હાઈકોર્ટમાં શું ચાલી રહ્યું છે?

કેસ વિશે વિગતવાર જાણો
પીડિત મહિલા પર જાન્યુઆરી 2023માં બળાત્કાર થયો હતો. એ બાદ તે ગર્ભવતી બની હતી. મહિલા ગર્ભપાત કરાવવા માગતી હતી, પરંતુ સમય પસાર થયો અને તેની ગર્ભાવસ્થાને 28 અઠવાડિયાં થઈ ગયાં. મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી (MTP ) એક્ટ હેઠળ 24 અઠવાડિયાંથી વધુની પ્રેગ્નન્સીનો ગર્ભપાત કરાવવા માટે કોર્ટની મંજૂરી જરૂરી છે.

7 ઓગસ્ટે પીડિતાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી
7
ઓગસ્ટે મહિલાએ ગર્ભપાતને લઈને હાઈકોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે 8 ઓગસ્ટે આ મામલે સુનાવણી કરી હતી. એ જ તારીખે પ્રેગ્નન્સીની સ્થિતિ જાણવા માટે મેડિકલ બોર્ડની રચના કરવાનો આદેશ આપ્યો હતો. બોર્ડનો રિપોર્ટ 10 ઓગસ્ટે સુપરત કરવામાં આવ્યો હતો. 11 ઓગસ્ટના રોજ કોર્ટે રિપોર્ટને રેકોર્ડ પર લીધો હતો અને આ મામલાની સુનાવણી 23 ઓગસ્ટ માટે રાખી હતી. આ દરમિયાન 17 ઓગસ્ટના રોજ જાણવા મળ્યું હતું કે કોર્ટે અરજી ફગાવી દીધી છે, પરંતુ આદેશની નકલ જાહેર કરવામાં આવી ન હતી. ત્યાર બાદ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો.

19 ઓગસ્ટ: હાઈકોર્ટની ઝાટકણી કાઢી, બળાત્કાર પીડિતાની તબીબી સારવારનો આદેશ આપ્યો
હાઈકોર્ટમાંથી મંજૂરી ન મળતાં પીડિત મહિલાએ 19 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. એ દિવસે શનિવારની રજા હતી. આમ છતાં ન્યાયમૂર્તિ બી.વી. જસ્ટિસ નાગરત્ન અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની સ્પેશિયલ બેન્ચે આ મામલે તાત્કાલિક સુનાવણી હાથ ધરી હતી.

જસ્ટિસ નાગરત્ને પહેલા દિવસે સુનાવણીમાં હાઈકોર્ટના વલણની પણ ઝાટકણી કાઢી હતી. નાગરત્ને કહ્યું- જ્યારે આવા મામલામાં દરેક દિવસ મહત્ત્વપૂર્ણ હોય છે, તો પછી સુનાવણીની તારીખ કેમ મોકૂફ રાખવામાં આવી? હકીકતમાં 11 ઓગસ્ટના રોજ હાઇકોર્ટે કેસની તાત્કાલિક સુનાવણી ન કરતાં 12 દિવસ પછી આગામી તારીખ આપી હતી. જોકે આ મામલાની સુનાવણી કરતી વખતે SC19 ઓગસ્ટે મહિલાનો નવો મેડિકલ રિપોર્ટ આપવાનો આદેશ આપ્યો હતો, જે રવિવારે એટલે કે 20 ઓગસ્ટના રોજ સોંપવામાં આવ્યો હતો. સુનાવણીની આગામી તારીખ 21 ઓગસ્ટ આપવામાં આવી હતી.

21 ઓગસ્ટઃ ગર્ભપાતની મંજૂરી, હાઇકોર્ટની કામગીરી પર ઊઠ્યા સવાલ
21
ઓગસ્ટે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું- ભારતીય સમાજમાં લગ્ન પછી ગર્ભવતી થવાથી દંપતી અને તેમના પરિવારને ખુશી મળે છે, પરંતુ એનાથી વિપરીત લગ્ન વિના ગર્ભાવસ્થા ખૂબ જ પીડાદાયક છે. ખાસ કરીને જ્યારે બળાત્કારના કિસ્સામાં આવું થાય છે ત્યારે એ પીડિતાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે.

સુપ્રીમ કોર્ટે આગળ કહ્યું- મહિલા પર બળાત્કાર પોતાનામાં જ પીડાદાયક છે. આ પછી જો તે ગર્ભવતી થાય છે તો તે જૂના ઘા યાદ કરાવે છે. આવી સ્થિતિમાં મેડિકલ રિપોર્ટ અનુસાર, અમે પીડિતાને ગર્ભપાત કરવાની મંજૂરી આપીએ છીએ. કોર્ટે પીડિતને મંગળવારે હોસ્પિટલ જવાનો નિર્દેશ આપ્યો છે, જેથી કરીને ગર્ભપાતની પ્રક્રિયા પૂરી થઈ શકે.

ગર્ભાવસ્થાના ગર્ભપાતનો નિયમ શું કહે છે
મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી (MTP ) એક્ટ હેઠળ, કોઈપણ પરિણીત મહિલા, બળાત્કાર પીડિતા, અલગ-અલગ-વિકલાંગ મહિલા અને સગીર છોકરીને 24 અઠવાડિયાં સુધીની ગર્ભાવસ્થાનો ગર્ભપાત કરવાની છૂટ છે. જો પ્રેગ્નન્સી 24 અઠવાડિયાંથી વધુ હોય તો મેડિકલ બોર્ડની સલાહ પર કોર્ટમાંથી ગર્ભપાતની મંજૂરી લેવી પડે છે. વર્ષ 2020માં MTP એક્ટમાં ફેરફારો કરવામાં આવ્યા હતા. એ પહેલાં 1971માં બનેલો કાયદો લાગુ હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post