• Home
  • News
  • 'મારું નિવેદન સાંભળ્યા બાદ 3 હજાર લોકોએ તાળીઓ પાડી':પાકિસ્તાનથી પરત ફર્યા બાદ જાવેદ અખ્તરે કહ્યું, '26/11 હુમલા અંગેની વાત પર સારો રિસ્પોન્સ મળ્યો...'
post

જાવેદ અખ્તરે હાલમાં જ પાકિસ્તાનના લાહોરમાં આયોજિત 'ફેઝ ફેસ્ટિવલ'માં પાકિસ્તાનને આતંકીઓને મદદ કરવા અંગે ખરું-ખોટું સંભળાવ્યું હતું.

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-22 19:00:22

મુંબઈ: જાવેદ અખ્તરે કહ્યું હતું કે પાકિસ્તાનમાં 26/11 મુંબઈ આતંકી હુમલા અંગે વાત કર્યા બાદ તેમને લોકો તરફથી સારી પ્રતિક્રિયા મળી હતી. ચાહકોએ તેમની આ કમેન્ટની પ્રશંસા કરી હતી. ગીતકારે એમ પણ કહ્યું હતું કે જ્યારે તેમણે આ વાત કહી ત્યારે ત્યાં અંદાજે ત્રણ હજાર લોકો હાજર હતા અને તમામે તાળીઓ પાડી હતી.

વધુમાં ગીતકારે ઉમેર્યું હતું, 'ત્યાંના લોકો પણ ભારતની સાથે સારા સંબંધો ઈચ્છે છે. પાકિસ્તાની જનતા, પાકિસ્તાની સેનાથી અલગ છે.' વાસ્તવમાં જાવેદ અખ્તરે હાલમાં જ પાકિસ્તાનના લાહોરમાં આયોજિત 'ફેઝ ફેસ્ટિવલ'માં પાકિસ્તાનને આતંકીઓને મદદ કરવા અંગે ખરું-ખોટું સંભળાવ્યું હતું.

'બંને દેશો એકબીજા અંગે સીમિત માહિતી ધરાવે છે'
લાહોરમાં આયોજિત 'ફેઝ ફેસ્ટિવલ'થી પરત ફર્યા બાદ જાવેદ અખ્તરે મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું હતું, 'પાકિસ્તાનના પણ ઘણા લોકો ઈચ્છે છે કે બંને દેશો વચ્ચે શાંતિ સ્થપાય. તેમનું ચાલે તો ભારતની સાથે આજે જ સંબંધો સારા કરી દે. આ લોકોના મનમાં ભારતના સામાન્ય લોકો માટે પ્રેમ ને માન છે. આપણે પાકિસ્તાનીઓ અંગે બહુ જ જૂજ માહિતી ધરાવીએ છીએ. ત્યાં પણ કંઈક આવી જ પરિસ્થિતિ છે. આપણે આ અંગે વિચાર કરવો જોઈએ કે આપણે કેવી રીતે લાખો-કરોડો લોકો સુધી જોડાઈ શકીએ છીએ.'

'સત્તામાં બેઠેલા લોકોને ખ્યાલ છે કે શું થઈ રહ્યું છે...'
જાવેદ અખ્તરને પૂછવામાં આવ્યું કે ભારત તથા પાકિસ્તાન વચ્ચે વાતચીત કરવા માટે આ યોગ્ય સમય છે? અને આમ થવા માટે કોઈ વચ્ચેનો રસ્તો કાઢવો જોઈએ? જવાબમાં ગીતકારે કહ્યું હતું, 'મારી પાસે એટલું સામર્થ્ય નથી. જે લોકો સત્તામાં છે, જે પદ પર છે, તેમને ખ્યાલ જ છે કે શું થઈ રહ્યું છે અને શું થવું જોઈએ. મારી પાસે આ સબ્જેક્ટમાં બહુ જ ઓછી માહિતી છે.'

26/11 હુમલા માટે પાકિસ્તાનને ટાર્ગેટ કર્યું હતું
જાવેદ અખ્તરને એન્કરે કહ્યું હતું, 'પાકિસ્તાન ઘણું જ ફ્રેન્ડલી, લવિંગ તથા પોઝિટિવ દેશ છે. અમે બોમ્બ નથી ફેંકતા, ફૂલ પણ આપીએ છીએ અને પ્રેમ પણ કરી છીએ. આ અંગે તમારા શું વિચાર છે?' જાવેદ અખ્તરે તે સમયે કહ્યું હતું, ''અમે તો મુંબઈના લોકો છીએ. અમે જોયું કે અમારા શહેર પર કેવી રીતે હુમલો કરવામાં આવ્યો હતો. તે લોકો (આતંકી) નોર્વેથી આવ્યા નહોતા કે ના તો ઈજિપ્તથી આવ્યા હતા. તે લોકો આજે પણ તમારા દેશમાં ખુલ્લેઆમ ફરી રહ્યા છે. આ ફરિયાદ જો દરેક ભારતીયના દિલમાં હોય તો તમારે ખોટું લગાડવું જોઈએ નહીં.'

 

adv

Related News

post
post
post
post
post
post
post