• Home
  • News
  • સૌરાષ્ટ્રમાં 4.8 તીવ્રતાનો ભૂકંપ, ખંભાળિયામાં ખાબકેલા 40 ઇંચ વરસાદથી પેટાળનું સંતુલન ખોરવાતા ભૂકંપ
post

ભૂકંપનું કારણ એપિ સેન્ટર નજીક 70 કિમી લાંબી પોચી જમીન હોવાનો નિષ્ણાતોનો મત

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-17 11:07:36

રાજકોટ: રાજકોટમાં ગુરુવારે સવારે 7.40 મિનિટે 4.8 રિક્ટર સ્કેલના ભૂકંપને કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. નિષ્ણાતોના મતે ખંભાળિયામાં ત્રણ દિવસમાં 40 ઇંચ વરસાદથી પોચા જમીન વિસ્તારના પેટાળમાં સંતુલન ખોરવાયું હતું. જેના લીધે આંચકા આવ્યા હતા. ભૂકંપથી કોઈ જાનહાની થઈ નહોતી પણ લોકો ભયભીત થઈને માર્ગો પર આવી ગયા હતા.  ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાજકોટ તાલુકાનું ભાયાસર ગામ છે. આ ગામ છેલ્લા 10 દિવસથી ક્વૉરેન્ટાઇન હોવાથી લોકો ગામ છોડીને વાડી, ખેતરોમાં વસવાટ કરે છે. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટીટ્યૂટ ઑફ સિસ્મોલૉજીકલ રિસર્ચ  (IRS) એ ભૂકંપના કેન્દ્ર બિંદુના સ્થળે  લિનામેન્ટ હોવાનું પણ જાહેર કર્યું છે.  લિનામેન્ટ એવો લાંબો ભૂ ભાગ છે જેની જમીનની જાડાઈ ઓછી હોય છે. જેના કારણે પેટાળમાં પ્રેશરમાં જરા પણ ફેરફાર થાય તો તેની અસર સપાટી પર અનુભવાય છે.  નવી ફોલ્ટ લાઈન છે કે નહીં તે માટે હવે તપાસ કરાશે. 

નિવૃત ભુસ્તર શાસ્ત્રી પી. આર. ચૌધરી જણાવે છે કે વરસાદ અથવા પાણીના પ્રેશરથી ભૂકંપ આવે તે નવી વાત નથી. થોડા જ સમય પહેલા ચીનમાં ભારે વરસાદ એકદમ વિનાશક પુર આવ્યું અને તેના પછી ઉત્તર-પૂર્વ ભારતમાં આંચકા આવ્યા હતા. ભૂતકાળમાં નજર કરીએ તો  મહારાષ્ટ્રમાં કોઈના નદી પર ડેમ છે 1993માં તેમાંથી અચાનક જ પાણી ભરાયું, છોડાયું આ ત્વરિત દબાણ સીધું જમીનમાં ગયું અને તેને કારણે ક્રસ્ટનું સંતુલન બગડ્યું હતુ. પરિણામ સ્વરૂપ લાતુરમાં વિનાશક ભૂકંપ આવ્યો જેમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા. 

રાજકોટનો  આંચકો અસાધારણ, નવી ફોલ્ટલાઈનની તપાસ કરાશે
ISR
ગાંધીનગરના સિનિયર સાયન્ટિસ્ટ સંતોષ કુમારે જણાવ્યું હતું કે, રાજકોટના ભૂકંપનું કારણ લીનામેન્ટ છે.  સામાન્ય રીતે આટલા રિક્ટર સ્કેલમાં કંપન આવે તેના પહેલા અને પછી પણ શૉક આવતા હોય છે, પણ આ એક જ નોંધાયો છે.  ભારતીય ઉપખંડમાં ચોક્કસ વિસ્તારમાં ભારે વરસાદથી પણ આંચકા આવ્યાનું નોંધાયું છે.  આવા વિસ્તારોમાં સૌરાષ્ટ્ર, વલસાડ, વાપી, નવસારી, પાલઘર, ખંડવા મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે.  કોઈ જગ્યાએ વધુ વરસાદ પડે તો વૉટરલેવલ એકદમથી બદલાતા પ્રેશર પમ્પ જેવું બને છે જેથી આંચકા આવે છે, જો કે રાજકોટના કિસ્સામાં આ હજુ સ્પષ્ટ કહી શકાય નહીં. લીનામેન્ટ મળી છે. નવી ફૉલ્ટલાઇન અંગે તપાસ કરાશે.  

પાણીના ઓચિંતા પ્રેશરથી ધરતીના પોપડાને અસર થતા આંચકા, વિનાશક ભૂકંપની શક્યતા ઓછી 
નિવૃત્ત ભૂસ્તરશાસ્ત્રી પી. આર. ચૌધરીએ કહ્યું કે, ‘તાજેતરમાં જ ખંભાળિયા તરફ એક જ દિવસમાં 17થી 18 ઇંચ વરસાદ ખાબકી ગયો. બીજે આટલો વરસાદ નહતો.  એક જ વિસ્તારમાં જમીન પર પાણીનું પ્રેશર બન્યું તેથી ધરતીના પોપડા પર અસર થઈ. આ કારણે બેલેન્સ જાળવવા આંચકા આવે છે. આ એક કુદરતી પ્રક્રિયા છે દર ચોમાસે આવું થતું હોય છે. લીનામેન્ટને સાદી ભાષામાં કહીએ તો નબળી જગ્યાની લાઈનદોરી છે.  પેટાળમાં મેગ્મા જે પ્રેશર બનાવી બહાર આવા ધક્કો મારે તે ઉપર સુધી અનુભવાય છે.  લીનામેન્ટ હોય ત્યાં ભૂકંપ અનુભવાય તેનું પ્રમાણ 95 ટકા વધી જાય છે. દર વખતે વિનાશક જ હોય તેવું ન બને.’ 

કોરોનાથી ક્વૉરન્ટીન ભાયાસરના લોકો હવે ભૂકંપના આંચકાથી ભયભીત  
ભાસ્કરની ટીમે ભૂકંપના કેન્દ્રબિંદુ ભાયાસર ગામની મુલાકાત લીધી હતી. આખું ગામ છેલ્લા દસ દિવસથી ક્વોરન્ટીન હોવાથી લોકો ઘર, દુકાન છોડીને ખેતર કે વાડીઓમાં રહેતા હતા. પરંતુ ભૂકંપે તમામ લોકોને ગભરાટ સાથે ઘરની બહાર દોડાવ્યા હતા. તેમજ ભૂકંપનું જે કેન્દ્રબિંદુ છે તે સ્થળથી માત્ર 200 મીટર દૂર જ લાખાભાઇ લીંબાભાઇ બાવળિયા નામના ખેડૂત પોતાની વાડીમાં ખાટલે બેઠા હતા અને અચાનક ધડાકા સાથે ભૂકંપ આવતા પોતાને કાંઇક થઇ ગયાની આશંકા સાથે ગામ તરફ દોડ્યા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post