• Home
  • News
  • અંબાજીમાં મોહનથાળનાં 4 લાખ પેકેટ બનશે અને કાગળના બોક્સમાં મળશે, ખોડલધામમાં સુખડી પ્રસાદ અને ભોજન પ્રસાદ ભાવિકોને અપાશે
post

ચામુંડા માતા મંદિરમાં ભોજન પ્રસાદ નહીં અપાય, જે શ્રદ્ધાળુઓ પ્રસાદ લઈને જશે તેમને માતાજીને પ્રસાદ ધરાવી પેકેટ પરત કરાશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-15 09:25:54

નવરાત્રિ દરમિયાન સમૂહમાં 200 વ્યકિતની મર્યાદા કોવિડ-19ની ગાઇડલાઇનનું પાલન કરીને પૂજા-અર્ચના કરવાની રાજય સરકારે છૂટ આપી હતી,પણ પૂજા-અર્ચના પછી પ્રસાદી એ આપણી પરંપરા છે તેના પર પણ સરકારે પ્રતિબંધ મૂકી દીધો હતો. રેસ્ટોરન્ટ અને લારી-ગલ્લા પર ખાદ્ય પદાર્થ વેચાણ કરવાની છૂટ છે. છેવટે રાજય સરકારે વ્યકિતદીઠ પેકિંગમાં પ્રસાદી આપી શકાશે તેવો બુધવારે મળેલી કેબિનેટમાં નિર્ણય લીધો છે. જેથી અંબાજીમાં મોહનથાળનાં 4 લાખ પેકેટ બનશે અને કાગળના બોક્સમાં મળશે. જ્યારે કાગવડ ખોડલધામમાં સુખડી પ્રસાદ અને ભોજન પ્રસાદ ભાવિકોને અપાશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં મળેલી કેબિનેટની વિગત આપતા ગૃહ રાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, પ્રસાદી વહેંચણીની ગાઇડ લાઇનનું સ્વંયશીસ્તથી પાલન થાય તે આવશ્યક છે. કોવિડ-19ની ચેપ ફેલાતા એક નાની એવી ભૂલ હજારો નાગરિકો માટે ઘાતક નિવડી શકે છે. આવા સંજોગોમાં પ્રસાદી વિતરણ માટે સોશીયલ ડીસ્ટન્સ,માસ્ક, પ્રસાદી સ્વમેળે લેવા જેવી બાબતોનું પાલન કરવાનું રહેશે.

મંદિરોની તૈયારીઓ

·         અંબાજી: શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા છેલ્લા કેટલાક સમયથી દસ રૂપિયા વાળા પ્રસાદના નાના પેકેટ બંધ કરી દેવાયા છે જ્યારે 250 ગ્રામના પેકેટમાં મોહનથાળનો પ્રસાદ 50 રૂપિયામાં આપવામાં આવશે. અંબાજી આવતા માઈભક્તોને દર્શન કર્યા બાદ કાગળના ખોખામાં વર્ષોથી પરંપરાગત રીતે પ્રસાદ અપાય છે. આ વખતે નવરાત્રિ દરમિયાન અઢીસો ગ્રામ પ્રસાદના 4 લાખ પેકેટ તૈયાર કરવાનું મંદિર ટ્રસ્ટનું આયોજન છે.

·         ખોડલધામ: ખોડલધામ કાગવડ મંદિર ખાતે સુખડી પ્રસાદ અને ભોજન પ્રસાદ ભાવિકોને અપાશે. સુખડીનો પ્રસાદ પેકેટમાં અપાશે. ભોજન પ્રસાદ દરમિયાન કોવિડ-19ની ગાઇડલાઇનનું પૂરેપૂરું પાલન કરાશે. મંદિરમાં ધ્વજારોહણ કાર્યક્રમમાં 100 વ્યક્તિઓને પ્રવેશે પણ આપવામાં આવશે.

·         ચોટીલા: ચામુંડા માતા મંદિરમાં ભોજન પ્રસાદ નહીં અપાય. જોકે જે શ્રદ્ધાળુઓ પ્રસાદ લઈને જશે તેમને માતાજીને પ્રસાદ ધરાવી પેકેટ પરત કરાશે.

·         ઊંઝા: ઉમિયા માતાજી મંદિરમાં લૉકડાઉનથી જ પ્રસાદ બંધ છે. નવરાત્રિ દરમિયાન સરકારની ગાઈડ લાઇન મુજબ માત્ર આરતી જ, પ્રસાદ નહિ. મંદિરમાં માત્ર ભેટ કુપનનો પ્રસાદ પ્લાસ્ટિક પેકિંગમાં અપાશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post