• Home
  • News
  • 80માંથી 40 દેશોએ લૉકડાઉન ખોલ્યું, યુરોપમાં 10 મુખ્ય દેશમાં સલૂન, સિનેમા ખૂલ્યા, ફ્લાઇટ્સ પણ શરૂ
post

વિશ્વના 195 દેશમાં કોરોનાના દર્દી, તેમાંથી 41 ટકાએ સંક્રમણ રોકવા લૉકડાઉન કર્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-20 10:12:33

વોશિંગ્ટન: વિશ્વના 80 દેશોએ કોરોના સંક્રમણ રોકવા લૉકડાઉન લાગુ કર્યું હતું, જેમાંથી 40 દેશમાં લૉકડાઉન ખૂલી ચૂક્યું છે. ઓરા વિઝન સહિત વિવિધ રિસર્ચ એજન્સીઓના રિપોર્ટમાં આ દાવો કરાયો છે. લૉકડાઉન ખોલનારા દેશોમાં ઘણા ઉદ્યોગો, દુકાનો, બીચ તથા અન્ય સ્થળો ફરી ખુલી ચૂક્યાં છે. મોટા ભાગના દેશોએ જાહેર સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સિંગની શરત સાથે લૉકડાઉનમાં છૂટછાટ આપી છે. લૉકડાઉન ખોલનારા સૌથી વધુ 26 દેશ યુરોપના છે. કોરોનાગ્રસ્ત ટોપ 10 દેશમાંથી 6 દેશ યુરોપના જ છે. અમેરિકા અને એશિયાના દેશોમાં પણ લૉકડાઉન ખૂલ્યું છે. આ દેશોની સરકારોનું માનવું છે કે અર્થતંત્રની ગાડી પાટા પર લાવવા લૉકડાઉન ખોલવું પડશે.
બેલ્જિયમ, જર્મની, સ્વિટ્ઝરલેન્ડ 15 જૂનથી વિદેશી પર્યટકોને આવવા દેવાનું વિચારી રહ્યા છે.


મોટા ભાગના દેશો લૉકડાઉન ખોલ્યા બાદ હવે સરહદો ખોલવા પર ભાર મૂકી રહ્યા છે. કેટલાકે તેની તારીખો પણ જાહેર કરી દીધી છે, કેટલાક વિચારી રહ્યા છે. બેલ્જિયમ, જર્મની અને સ્વિટ્ઝરલેન્ડ 15 જૂનથી વિદેશી પર્યટકોને આવવા દેવાનું વિચારી રહ્યા છે, જેની જાહેરાત ચાલુ મહિનાના અંતમાં કરી શકે છે. ગ્રીસ 1 જુલાઇથી વિદેશી પર્યટકો માટે સરહદો ખોલી રહ્યું છે. ઇટાલી 3 જૂનથી સરહદો ખોલશે. નેધરલેન્ડે કેટલાક દેશોના પ્રવાસીઓને આવવાની મંજૂરી આપી છે. પોલેન્ડ 13 જૂનથી સરહદો ખોલી શકે છે. વિશ્વના 195 દેશ કોરોનાથી અસરગ્રસ્ત છે, જ્યાં અત્યાર સુધીમાં 49,17,417 કેસ સામે આવી ચૂક્યા છે જ્યારે 3,20,609 મોત થયાં છે. ચીનને બાદ કરતા મોટા ભાગના દેશોએ માર્ચ કે એપ્રિલમાં લૉકડાઉન લાગુ કર્યું હતું. ચીનમાં જાન્યુઆરીમાં લૉકડાઉન શરૂ થયું હતું.


યુરોપ: 10 મુખ્ય દેશ જ્યાં સલૂન, સિનેમા ખૂલ્યા, ફ્લાઇટ્સ પણ શરૂ
ફ્રાન્સ: ઘરની બહાર ફરવા નીકળવા મંજૂરી અપાઇ. પ્રાઇમરી સ્કૂલ, સલૂન ખૂલ્યા. રેસ્ટોરન્ટ-બાર 2 જૂન પછી ખૂલશે. પેરિસથી લંડન જવા માટે કેટલીક ફ્લાઇટ શરૂ કરાઇ.
સ્પેન: મેડ્રિડ, બાર્સેલોના સિવાયના ભાગોમાં લૉકડાઉન ખૂલ્યું. બાર-રેસ્ટોરન્ટ ખૂલ્યા. મિત્રો-સંબંધીઓને 10 લોકોના જૂથમાં મળવાની, પાર્ટીની મંજૂરી.
બ્રિટન: સરકારે લોકોને કામ પર પાછા ફરવા કહ્યું છે. ઓફિસે કે વેપાર-ધંધાના સ્થળે ખાનગી વાહન દ્વારા જવા, ટ્રેનો તથા અન્ય જાહેર સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા સલાહ.
બેલ્જિયમ: દુકાનો, મ્યુઝિયમ ખૂલ્યા. 8 જૂનથી કાફે, રેસ્ટોરન્ટ, પર્યટન સ્થળો ખૂલશે.
ડેન્માર્ક: દુકાનો, પાર્ક, રેસ્ટોરન્ટ તથા કેટલીક હોટલો ખૂલી. જાહેર પરિવહન સેવાઓ ફરી શરૂ થઇ. ખેલકૂદની પ્રવૃત્તિઓ, થિયેટર્સ-સિનેમા 8 જૂન પછી ખૂલશે. 
જર્મની: અમુક ડોમેસ્ટિક ફ્લાઇટ્સ શરૂ કરાઇ. દુકાનો-રેસ્ટોરન્ટ ખૂલી. હોટલો 25 મેથી ખૂલશે. મોટા કાર્યક્રમો ઓગસ્ટથી થશે. લૉકડાઉન અંગે રાજ્યો જાતે નિર્ણય લે છે.
ગ્રીસ: કેટલીક ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ શરૂ. બ્રિટન માટે ડાયરેક્ટ ફ્લાઇટ્સ 1 જૂનથી શરૂ થશે. જૂનથી મૉલ, રેસ્ટોરન્ટ, કાફે, સિનેમા, હોટલ, એમ્યુઝમેન્ટ પાર્ક ખૂલશે, ખેલકૂદની પ્રવૃત્તિઓ શરૂ થશે.
ઇટાલી: પાર્ક, બાર, રેસ્ટોરન્ટ, દુકાનો, મ્યૂઝિયમ, ચર્ચ ખૂલ્યા. જૂનથી કેટલીક હોટલો બુકિંગ પ્રમાણે ખૂલશે. કેટલીક ટ્રેનો પણ દોડાવાઇ રહી છે.
નેધરલેન્ડ: દુકાનો, હોટલો, મ્યુઝિક વેન્યૂ, મ્યૂઝિયમ, સિનેમા, થિયેટર ખૂલ્યા. સોશિયલ ડિસ્ટન્સિંગ ફરજિયાત કરાયું. રેસ્ટોરન્ટ્સ 1 જૂનથી ખૂલશે. 

અમેરિકામાં 60%થી વધારે ખૂલ્યું, ઉદ્યોગોમાં લોકો કામે લાગ્યા

અમેરિકાના 50માંથી 30 રાજ્યમાં લૉકડાઉન ખૂલી ચૂક્યું છે. 11 રાજ્યએ પ્રાદેશિક સ્તરે લૉકડાઉન ખોલ્યું છે. મતલબ કે 60%થી વધુ રાજ્યોમાં લૉકડાઉન ખૂલી ચૂક્યું છે. બીચ, જિમ, દુકાનો, રેસ્ટોરન્ટ-બાર, સલૂન, થિયેટર, ઉદ્યોગો, ઓફિસો, ધાર્મિક સ્થળો ખૂલી રહ્યા છે. વિશ્વના મોટા ભાગના દેશોએ સ્કૂલો ખોલવા પર ભાર મૂક્યો છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કહી ચૂક્યા છે કે સ્કૂલો નહીં ખૂલે તો દેશ ખૂલ્યો છે એવું નહીં લાગે. સ્કૂલો જલદી ખૂલી જશે. ઓહાયો સહિત ઘણા રાજ્યોમાં ઓટો પ્લાન્ટ ખૂલી ગયા. અહીં કર્મચારીઓને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને કામ કરવા મંજૂરી અપાઇ છે. અન્ય ઉદ્યોગો પણ ખૂલી રહ્યા છે.

ચીન: 19 લાખ લોકો ફરવા ઉપડ્યા, 10 કરોડ વિદ્યાર્થી સ્કૂલોમાં પાછા ફર્યા
તસવીર ચીનની દીવાલની છે. લૉકડાઉન ખૂલ્યા બાદ અહીં મોટી સંખ્યામાં પર્યટકો આવવા લાગ્યા છે. દેશનાં તમામ પર્યટન સ્થળોએ છેલ્લા 18 દિવસમાં 19 લાખ ઘરેલુ પર્યટક પહોંચ્યા છે. શિક્ષણ વિભાગે કહ્યું છે કે 10 કરોડ વિદ્યાર્થી સ્કૂલોમાં પાછા ફરી ચૂક્યા છે, જે આંકડો કુલ વિદ્યાર્થીઓના 40 ટકા છે. 

adv

Related News

post
post
post
post
post
post
post