• Home
  • News
  • મહિનામાં 5 BJP કાર્યકર્તાઓની હત્યા કરી, ડરથી ખીણમાં ભાજપના 40 લોકોએ રાજીનામુ આપી રજકારણ છોડ્યુ
post

પહેલા હુમલાઓ નેશનલ કોન્ફરન્સ, કોંગ્રેસ, પીડીપીમાં વહેંચાઈ જતા હતા, હવે ભાજપ કાશ્મીરમાં એકમાત્ર પાર્ટી છે જે રાજકારણ કરી રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-14 12:06:08

શ્રીનગર: પહેલાં હુમલા નેશનલ કોન્ફરન્સ, કોંગ્રેસ, પીડીપીમાં વહેંચાઈ જતા હતા, હવે એક માત્ર બીજેપી પાર્ટી છે જે કાશ્મીરમાં રાજકારણ કરી રહી છે.


કાશ્મીરમાં 1267 પંચ-સરપંચ છે અને જે મોટાભાગે ભાજપ સાથે જોડાયેલા છે, કારણકે જ્યારે ગયા ઓક્ટોબરમાં ચૂંટણી થઈ ત્યારે નેશનલ કોન્ફરન્સ-પીડીપીના લોકો નજર કેદ હતા

છેલ્લા એક મહિનામાં ખીણ વિસ્તારમાં ભાજપના 6થી વધારે કાર્યકર્તાઓ પર આતંકી હુમલો થયો છે. તેમાંથી 5ના મોત થયા છે જ્યારે હજી એકની સ્થિતિ ગંભીર માનવામાં આવે છે. જમ્મુ-કાશ્મીરના લેફ્ટિનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ બુધવારે શ્રીનગરના અમુક સરપંચો સાથે મુલાકાત કરી હતી. તેમણે જણાવ્યું કે તેઓ પંચાયત સાથે જોડાયેલા રાજકીય કાર્યકર્તાઓની હત્યાથી દુખી છે. તેમણે વિશ્વાસ અપાવ્યો કે, સરકાર પહેલેથી જ સુરક્ષાના પગલાં લઈ રહી છે અને હવે તેમાં વધારે સુધારો કરવામાં આવશે.

કાશ્મીર ખીણમાં છેલ્લા એક મહિનામાં મારવામાં આવેલા ભાજપ કાર્યકર્તાઓમાં 2 સરપંચ, ભાજપના એક યુવા નેતા, તેમનો ભાઈ અને પિતા પણ સામેલ છે. 8 જુલાઈની સાંજે નોર્થ કાશ્મીરમાં 3 હુમલા થયા જેમાં ભાજપના 2 સરપંચના મોત થયા અને એક ઘાયલ થયા છે. ગયા રવિવારે કાશ્મીરના બડગામ જિલ્લામાં એક સરપંચની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.

આ હુમલાના ડરના કારણે ખીણમાં ભાજપ સાથે જોડાયેલા 40 લોકોએ રાજીનામુ આપવાનુ અને રાજકારણ છોડવાની જાહેરાત કરી છે. દક્ષિણ કાશ્મીરના કુલુગામ જિલ્લામાં રહેતા સરપંચ મોહમ્મદ ઈકબાલ કહે છે કે, તે મરવા નથી માંગતા. મારી પત્નીનું મોત થઈ ગયું છે. જો મને પણ કઈ થઈ ગયું તો મારા બાળકોનું કોણ ધ્યાન રાખશે? ઈકબાલ કહે છે કે, મેં રાજકારણમાંથી એક પણ રૂપિયાની કમાણી નથી કરી. હવે હું મારો સમય મારા કામમાં લગાવવા માંગુ છું. ઈકબાલે થોડા દિવસ પહેલાં જ વીડિયો જાહેર કરીને આ વિશે માહિતી આપી છે.

બીજી બાજુ ભાજપ રાજીનામા આપનાર લોકોને સ્વાર્થી કહી રહ્યા છે. પાર્ટીના પ્રવક્તા અલ્પા ઠાકુર કહી ચૂક્યા છે કે, જે લોકો રાજીનામુ આપી રહ્યા છે, તે માત્ર તેમનો ફાયદો જોઈ રહ્યા છે. તે લોકો તેમના ફાયદા માટે પક્ષ બદલી રહ્યા છે. તેમને ડરથી કોઈ મતલબ નથી. એક બાજુ પ્રશાસન પંચાયત સાથે જોડાયેલા સભ્યોની સુરક્ષાનો દાવો કરી રહી છે પરંતુ મોટાભાગના લોકો સભ્યો આ સુરક્ષાથી સંતુષ્ટ નથી. આ સભ્યોના મોટાભાગના લોકો ભાજપના છે. સભ્યોની મરજી હોય કે ન હોય પ્રશાસન તેમને અલગ-અલગ સુરક્ષિત જગ્યાઓ પર લઈ જઈ રહી છે.

ઘાટીમાં 1267 પંચ-સરપંચ, 68 બીડીસી કાઉન્સિલ છે. તેમાંથી મોટા ભાગના લોકો ભાજપના છે. આ લોકોને અલગ અલગ જિલ્લા પ્રમાણે સુરક્ષિત જગ્યાઓ પર ખસેડવામાં આવ્યા છે. જેમકે સાઉથ કાશમીરના પંચ-સરપંચને પહલગામની હોટલમાં રાખવામાં આવ્યા છે. અમુકને MLA હોસ્ટેલ અને કાશ્મીર પંડિતોની કોલોનીમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. શ્રીનગરની આસપાસના જિલ્લાથી અમુક સરપંચને ગુલમર્ગ હોટલમાં રાખવામાં આવ્યા છે.

ભાજપ સાથે જોડાયેલા મોહમ્મદ અમીન કહે છે કે, અમને જબરજસ્તી એવી જગ્યા પર રાખવામાં આવ્યા છે જ્યાં જમવાની વ્યવસ્થા પણ નથી અને ઉંઘવાની પણ નથી. મારી દીકરીનું ઓપરેશન થવાનું હતું, અત્યારે તે હોસ્પિટલમાં છે. મને કોઈ અધિકારી સાથે 5 મિનિટની મુલાકાત કરવાની છે એવુ કહીને અહીં લાવી દેવામાં આવ્યો છે. મને અહીં આવે 2 દિવસ થયા. અમને જબરજસ્તી બંધક બનાવીને સરકારે શું સાબીત કરવા માંગે છે તે ખબર નથી.

જમ્મુ-કાશ્મીર ભાજપના મહાસચિવ અશોક કૌલે પહલગામની એક હોટલમાં રાખવામાં આવેલા પંચાયત સભ્યોની મુલાકાત કરી હતી. તેમનું કહેવું છે કે, આ સભ્યોને સારી સુરક્ષા આપવામાં આવી રહી છે. થોડા દિવસ માટે તેમને અહીં રાખવામાં આવ્યા છે. આગામી સમયમાં વધુ સુરક્ષીત જગ્યા પર લઈ જવામાં આવશે.

પંચાયતના તમામ લોકો શાં માટે ભાજપમાં જ જોડાયા છે ?
કાશ્મીરમાં પંચાયતની ચૂંટણી ઓક્ટોબર 2019માં થઈ હતી. તેમાં અહીંની પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી(PDP) અને નેશનલ કોન્ફરન્સે ભાગ લીધો ન હતો. તેની પાછળનું કારણ એવું હતું કે તેમના મુખ્ય નેતા અનુચ્છેદ 370 હટાવવામાં આવ્યા પછી કસ્ટડીમાં હતા. શ્રીનગરના પત્રકાર શાહ અબ્બાસ કહે છે કે કાશ્મીરમાં 1267 પંચ અને સરપંચ છે અને મોટાભાગના ભાજપ સાથે જોડાયેલા છે. જોકે આ ચૂંટણીમાં લોકો પાર્ટીના આધારે નહિ પરંતુ અપક્ષ જ લડે છે, લોકોને ખ્યાલ હોય છે કે કોના કેવા સંબંધો છે. આવી સ્થિતિ બ્લોક ડેવલોપમેન્ટ કાઉન્સિલની પણ છે, જ્યાં ચૂંટયેલા મોટાભાગના લોકો ભાજપ સાથે જ જોડાયેલા છે.

કાશ્મીર ઘાટીમાં મેનસ્ટ્રીમ પોલિટિક્સ સાથે જોડાયેલા લોકોની હત્યાની આ પ્રથમ ઘટના નથી, જોકે અત્યાર સુધી ભાજપના નેતાઓ આવી ઘટનાઓનો ઓછો ભોગ બનતા હતા. સવાલ એ છે કે પહેલા જો ભાજપને અસર થઈ ન હતી, તો હવે કેમ થઈ રહી છે ? જમ્મુ-કાશ્મીર ભાજપના મહાસચિવ અશો કૌલ રવિવારે આતંકી હુમલામાં મૃત્યુ પામેલ સરપંચના ઘરે ગયા હતા. તેમણે પાર્ટીના કેટલાક બ્લોક ડેવલોપમેન્ટ કાઉન્સિલના સભ્યો સાથેની મુલાકાત દરમિયાન એ વાત પર ભાર આપ્યો હતો કે તેઓ સામાન્ય લોકો અને શાસનની વચ્ચેની કડી બને.

જે કડીની વાત કૌલ કરી રહ્યાં છે, તે કાશ્મીરમાં ભાજપના લોકોની હત્યાનું કારણ પણ છે. આ પહેલા પીડીપી અને નેશનલ કોન્ફરન્સના લોકો લોકો અને એડમિનિસ્ટ્રેશનની વચ્ચેની કડી હતા, જે હવે કોઈ જગ્યાએ દેખાઈ રહ્યાં નથી. 2014 પહેલા જમ્મુ-કાશ્મીરના રાજકારણમાં ભાજપની ભૂમિકા ઓછી રહી છે, તેનો અંદાજ પહેલાની ચૂંટણીમાં મળેલી સીટો પરથી લગાવી શકાય છે.

1987ની ચૂંટણીમાં ભાજપને 2 સીટ મળી હતી, 1996માં 8, 2002માં 1 અને 2011માં 11 સીટ મળી હતી. ભાજપને 2014માં 25 સીટ મળી હતી અને પીડીપીની સાથે મળીને સરકાર બનાવી હતી. તે સમયે ભાજપને કાશ્મીરની ઘાટીમાં કોઈ સીટ મળી ન હતી.

અલ્તાફ કહે છે કે, ગયા વર્ષે 5 ઓગસ્ટે અનુચ્છેદ 370 હટાવ્યા પછી અહીંની વાત બદલાઈ ગઈ છે. કાશ્મીરમાં મુખ્ય પાર્ટીની જગ્યાએ હવે માત્ર ભાજપ જ બચી છે. અત્યારે કાશ્મીર ખીણમાં ભાજપના લગભગ 7.5 લાખ કાર્યકર્તા છે. જોકે આવું થવું ભાજપને મુશ્કેલ પડી શકે છે. પહેલાં જે મુખ્ય પાર્ટી પર આતંકી હુમલા થતા હતા તે નેશનલ કોન્ફરન્સ, કોંગ્રેસ, પીડીપી અને બાકી પાર્ટીમાં વહેંચાઈ જતા હતા. હવે ભાજપ એક માત્ર જ એવી પાર્ટી છે જે કાશ્મીરમાં રાજકારણ કરી રહી છે.

મહેબૂબા મુફ્તી હજી પણ નજરકેદ છે, ઓમર અબ્દુલાને હમણાં જ છોડવામાં આવ્યા છે. શાહ ફૈસલ જે IAS છોડીને રાજકારણમાં આવ્યા હતા તેમણે રાજકારણને અલવિદા કહી દીધું છે અને કોંગ્રેસ ક્યાંય દેખાતી નથી. આ સિવાય આર્ટિકલ 370ને હટાવવાની વાત ભારત સાથે ન જોડીને ભાજપ સાથે જોડવામાં આવી રહી છે, જે અહીં થતાં હુમલાનું એક મોટું કારણ છે.


આ સ્થિતિની વચ્ચે પણ અમુક લોકો છે જે ડર્યા વગર પાર્ટીનું કામ કરી રહ્યા છે અને તે પણ નિડરતાથી. 5 ઓગસ્ટે ભાજપના એક સરપંચની હત્યાના અમુક કલાકો પછી પાર્ટીની એક મહિલા કાર્યકર્તા રુમેસા વાનીએ અનંતનાગના લાલચોકમાં ત્રિરંગો લહેરાવ્યો હતો. તે વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

રુમેસા કહે છે કે, હું કોઈનાથી ડરતી નથી. અહીંના લોકો અમારી સાથે છે. મેં ભાજપનું કામ જોઈને પાર્ટી જોઈન કરી હતી અને મને તે વાતનો કોઈ અફસોસ નથી. રુમેસાના પતિ પણ ભાજપના નેતા છે. રુમેસા પહેલી એવી નેતા છે જેણે આર્ટિકલ 370 હટાવવાની એનિવર્સરી મનાવી હતી. ભાજપના ઘણાં નેતાઓએ રસ્તાઓ પર, ઓફિસોમાં અને અન્ય જગ્યાઓ પર આર્ટિકલ 370 હટાવવાની વર્ષગાંઠ ઉજવી હતી. પરંતુ હવે એક રેખા દોરાઈ ગઈ છે, એક તરફ ભાજપ છે અને બીજી બાજુ કાશ્મીરની સ્થિતિ, જ્યાં હંમેશા જીવનું જોખમ રહે છે.

 

 

 

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post