• Home
  • News
  • ભૂલ કોની?:અમદાવાદમાં કોરોના વિસ્ફોટ પાછળના 5 જવાબદાર કારણો, તહેવારો ના ઉત્સાહ અને ઉલ્લાસ ના ઉન્માદમાં જનતા-સરકાર ભાન ભૂલી
post

માસ્ક-સોશિયલ ડિસ્ટન્સ વગર હજારોની સંખ્યામાં લોકોની અવર-જવર તો ક્યાંક તંત્રની ઢીલાસ પણ જવાબદાર

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-25 10:30:37

શહેરમાં ફરી કોરોના સંક્રમણનો વિસ્ફોટ થતા અમદાવાદની સ્થિતિ જોખમી બની રહી છે. દરરોજના નવા કેસ તેમજ મોતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ડિસ્ચાર્જ થનાર દર્દીઓની સંખ્યા પણ ઘટી છે. ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં અમદાવાદમાં કોરોનાની ગતિ ઓછી થઈ હતી. લોકલ સંક્રમણ અન્ય શહેરો કરતા ઓછું જોવા મળ્યું હતું. પરંતુ દિવાળીના તહેવારોમાં ફરી અમદાવાદમાં કોરોના કહેર વર્સી રહ્યો છે. હાલમાં વધી રહેલા લોકલ સંક્રમણ પાછળ લોકોની બેદરકારી જણાઈ રહી છે. પરંતુ જો દિવાળીમાં અમદાવાદના કાંકરિયા, ભદ્ર માર્કેટ, રાત્રિ ફૂડ ઝોન, લગ્ન પ્રસંગ તેમજ ધાર્મિક સ્થળો બંધ રહ્યા હોત અથવા ગાઈડલાઈનનું પુરતુ પાલન થયું હોત તો શું આ મહામારીને અટકાવી શકાત. આ 5 સ્થળો પર દિવાળી સમયે સૌથી વધુ લોકોની ભીડ જામી હતી. જ્યાં માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન થતા સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે.

કાંકરિયા: માર્ચ મહિનામાં કોરોના મહામારી શરૂ થયા બાદ રાજ્યમાં સૌથી વધુ લોકલ સંક્રમણ અમદાવાદમાં જોવા મળ્યું હતું. જેના કારણે કાંકરિયા સહિતના ઘણા બાદ સ્થળો કે જ્યાં લોકોની અવર-જવર વધારે થતી હતી તેને બંધ કરી દેવામાં આવ્યા હતા. જેનો મોટો ફાયદો પણ થયો હતો. નવા કેસોની સંખ્યામાં ઘટાડો તેમજ ડિસ્ચાર્જ થનાર દર્દીઓની સંખ્યા વધી હતી. પરંતુ દિવાળીના તહેવારોમાં જ કાંકરિયા ખુલ્લું મુકી દેતા લોકો ફરી બેદરકાર બન્યાં હતા. દૈનિક 1થી 2 હજાર લોકોની અવર-જવર શરૂ થઈ જતા કાંકરિયામાં ભીડ જમવા લાગી હતી. જેમા કેટલાક લોકો દ્વારા માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સનો પણ ભંગ થતો હતો. તહેવારો હોવાથી લોકો પોતાના પરિવારના તમામ સભ્યો સાથે પ્રાણી સંગ્રાહલ સહિતમાં ઉમટી પડ્યા હતા. આ સ્થિતિમાં સૌથી વધુ જોખમ બાળકો તેમજ મોટી ઉંમરના પર વધ્યું છે.

અમદાવાદ ભદ્ર માર્કેટ: દિવાળી સમયે લોકોએ જાણે હવે કોરોના રહ્યો જ નથી એમ ભાન ભૂલીને શહેરના મોટાભાગના બજારોમાં તહેવારોની ખરીદી કરવા ઉમટી પડ્યા હતા. ત્યારે અમદાવાદનું સૌથી મોંટુ કેન્દ્ર લાલદરવાજાનું ભદ્ર માર્કેટ કહેવાય છે. જ્યાં એક દિવસમાં 5થી 10 હજાર લોકોની અવર-જવર થતી હોય છે. દિવાળી અમયે તો આ બજારમાં ખરીદારોની સંખ્યા ડબલ થઈ જાય છે. તેમ છતાં ભદ્ર બજારને ખુલ્લુ રાખવાની મંજૂરી મળી હતી. જેના કારણે લોકોએ દિવાળીના 5 દિવસ અહીં મોટી સંખ્યામાં સસ્તાની લાલચમાં ઉમટી પડ્યા હતા. પોલીસ દ્વારા ઘણીવાર કોવિડ ગાઈડલાઈનની સૂચનાઓ આપવામાં આવી હતી. પરંતુ અમદાવાદીઓને જાણે કોઇ ફર્ક જ ન પડતો હોય તેમ માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સના ભંગ સાથે ખરીદી કરતા ઝડપાયા હતા. તો જો તંત્ર દ્રારા દિવાળી સમયે ભદ્ર બજારો કડક પગલા લેવામાં આવ્યા હોત તો કદાચ હાલમાં વધી રહેલા કેસના આકડાં ઓછા થઈ શકત.

રાત્રિના ફૂડ ઝોન: ગુજરાતીઓ ખાવાના ખુબ જ શોખિન હોય છે. ખાસ કરીને તહેવારોના સમયમાં લોકો પોતાના પરિવારો સાથે મોટી સંખ્યામાં શહેરના અલગ-અલગ ફૂડ ઝોનમાં ઉમટી પડે છે. જેમા એસજી હાઈવે, સિંધુભવન રોડ, યુનિર્વસિટી, પ્રહલાદનગર સહિતના વિસ્તારોમાં ઘણા બધા ફૂડ ઝોન આવેલા છે જ્યાં લોકો મોડી રાત સુધી ભીડ જમાવીને બેઠા હોય છે. સરકાર દ્વારા રેસ્ટોરન્ટ્સ પણ 11 વાગ્યા સુધી ખોલવાની છૂટ અપાઈ હતી. ખાણી-પીણીના જાણીતા ફૂડ જોઈન્ટ પણ મોડી રાત સુધી ધમધમવા માંડ્યા હતા પરંતુ તહેવારોમાં લોકો ત્યાં ભેગા થઈને કોરોનાનો ભય હોવા છતાં કોઈપણ પ્રકારના નિયમોનું પાલન કરતા નહોતા. યુવાનો ટોળે વળીને પોતાના વાહનો લઈ જે તે સ્થળે બેસતા હતા. પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવતા નહોતા તથા માસ્ક પણ પહેરતા નહોતા. તંત્ર દ્વારા ઘણીવાર સૂચના તેમજ કડક કાર્યવાહી કરવા છતાં ઘણા લોકો આજે પણ જાહેરમાં માસ્ક પહેરવાનું ટાળે છે અથવા તો ખોટી રીતે માસ્ક પહેરે છે.

લગ્ન પ્રસંગમાં ઢીલાસ: કોરોના સંક્રમણને લઇ ગુજરાત સહિત 4 રાજ્યોની સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગણતરીની કલાકોમાં જ સરકાર દ્વારા લગ્ન પ્રસંગ માટે 200 વ્યક્તિઓની છૂટછાટને તાત્કાલિક પણે અડધી કરી હવે 100 લોકોની કરી દેવામાં આવી છે. પરંતુ દિવાળીના સહિત કેટલાક લગ્ન પ્રસંગમાં 200 કરતા વધુ તેમજ જે લોકો આવ્યા છે તેઓએ પણ માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ રાખ્યા વગર એકબીજાને અડીઅડીને બેસવું તેમજ ટીજેના તાલે નાચતા જોવા મળ્યા હતા. ભોજન સમયે પણ મોટા કુંડાળા કરીને લોકો એકસાથે જમતા હોય છે. તો જો આમાથી કોઇ એકને પણ કોરોનાના લક્ષણ હોય તો મોટી સંખ્યામાં કોરોનાનો વિસ્ફોટ થઈ શકે છે. જોકે હવે અમદાવાદ પોલીસ કમિશનરના જણાવ્યા મુજબ, શહેરમાં હવે માત્ર દિવસના લગ્નોને જ મંજૂરી મળશે રાતિના લગ્ન માટે કોઇપણ મંજૂરી અપાવામાં આવશે નહીં. તેમજ જો લગ્નમાં કોવિડ ગાઈડલાઈનનું પાલન નહીં થાય તો કડક કાર્યવાહી થશે.

ધાર્મિક સ્થળો પર ભીડ: દિવાળી સમયે શહેરના મોટાભાગના ધાર્મિક સ્થળો ખોલી દેવામાં આવ્યા હતા. જેના કારણે તહેવારોના 5 દિવસ તમામ ધાર્મિક સ્થળો પર લોકોની ભીડ જોવા મળી હતી. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આવેલા ધાર્મિક સ્થળો પર ભક્તો હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા હતા. બીજીતરફ તાજેતરમાં જ શરૂ થયેલા ગિરનાર ટેમ્પલ રોપવેની સફર માણવા માટે પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જેમા દર્શન કરવા આવતા ભક્તોમાં કેટલાક ભક્તો તો માસ્ક વગર જ ધાર્મિક સ્થળો પર ફરતા જોવા મળી રહ્યા હતા. ત્યારે સોશિયલ ડિસ્ટન્સના અભાવને કારણે કોરોના સંક્રમણ વધે તેવી દહેશત વ્યક્ત થવા લાગી છે. આ સિવાય પ્રવાસન સ્થળો પર પણ લોકો ઉમટી પડ્યા હતા. કોરોના વચ્ચે મુંબઇ, સુરત, વડોદરા અને અમદાવાદના પ્રવાસીઓ મોટી સંખ્યામાં સાપુતારા પહોંચ્યા હતા. પ્રવાસન સ્થળો પર લોકોની સતત ભીડને કારણે કોરોના વિસ્ફોટની આશંકાઓ સેવાઇ રહી છે.

adv

Related News

post
post
post
post
post
post
post