• Home
  • News
  • વસ્ત્રાપુર, સેટેલાઈટ સહિતના સ્થળે મોર્નિંગ વૉક કરનારા 50ની ધરપકડ
post

પશ્ચિમ અમદાવાદમાં જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધાયો

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-16 11:44:07

અમદાવાદ: પશ્ચિમ અમદાવાદમાં હજુ પણ ઘણા લોકો કામ વગર વોકિંગ કરવા એકલા ઘરની બહાર નીકળી રહ્યા છે. જોકે પોલીસે આવા લોકો સામે પણ કાર્યવાહી શરૂ કરી છે, જે અનુસાર છેલ્લા 24 કલાકમાં પશ્ચિમ અમદાવાદમાં એકલા ફરવા નીકળેલા 50 મહિલા અને પુરુષની પોલીસે ધરપકડ કરી હતી.


વસ્ત્રાપુર, સેટેલાઈટ, આનંદનગર, સોલા, ઘાટલોડિયા, નારણપુરા, નવરંગપુરા તેમજ ગુજરાત યુનિ. વિસ્તારમાં આવા કેસ કરવામાં આવ્યા હતા. જીવન જરૂરિયાતની ચીજવસ્તુની ખરીદી કરવા સિવાય ઘરની બહાર નીકળવા ઉપર પ્રતિબંધ છે, તેમાં પણ ઘરની 1 જ વ્યક્તિ કામ માટે બહાર જઇ શકે છે, છતાં પશ્ચિમ અમદાવાદમાં ઘણા લોકો સવાર સાંજ વોક કરવા માટે ઘરની બહાર નીકળી રહ્યા છે, તો કેટલાક લોકો કામ વગર ઘરની બહાર ટહેલવા નીકળી રહ્યા છે. આવા લોકો સામે પણ પોલીસે જાહેરનામા ભંગના ગુના નોંધીને ધરપકડ કરવાનું શરૂ કર્યું હતું.


વકીલ કામ વગર બહાર જતા ગુનો
વસ્ત્રાપુર પોલીસ મંગળવારે રાતે હાવીર નગર સોસાયટીની બહાર પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે એક વ્યક્તિને પોલીસે અટકાવ્યા હતા. પૂછપરછ કરતાં તેમનું નામ દિલીપ પટેલ અને પોતે વકીલ હોવાનું જણાવ્યું હતું. જોકે કોઇ કામ વગર રાતે ચાલવા નીકળ્યા હોવાથી તેમની ધરપકડ કરાઈ હતી.


દર્પણ છ રસ્તા પાસે માસ્ક વગર જતા 63 વર્ષના વૃદ્ધ સામે ફરિયાદ 
કોરોના ફેલાવતો અટકાવવા માટે સરકારે માસ્ક પહેરવુ ફરજિયાત કર્યુ છે. જોકે સરકારે માસ્ક ફરજિયાત કર્યું હોવાને 2 દિવસ થયા છે, તેમ છતાં માસ્ક પહેર્યા વગર ઘરની બહાર નીકળેલા 63 વર્ષના વૃદ્ધ સામે ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી. માસ્ક ફરજિયાત થયા બાદ માસ્ક નહીં પહેરનાર સામે પોલીસ ફરિયાદ થઇ હોવાની શહેરની આ પહેલી ઘટના છે. 
ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.બી.કાળે સ્ટાફના માણસો તેમજ મેડિકલ ટીમ સાથે બુધવારે સવારે દર્પણ છ રસ્તા પાસે નાકાબંધી ટોઇન્ટ પર હતા. એક વૃદ્ધ ત્યાંથી ચાલતા - ચાલતા નીકળ્યા હતા. તેમણે માસ્ક પહેર્યુ ન હતું,  જ્યારે તેમને ઘરની બહાર કેમ નીકળ્યા છો ? તેમ પૂછતા તેઓ યોગ્ય કારણ આપી શકયા ન હતા. જ્યારે તેમનું નામ પૂછતા ભાર્ગવભાઇ દેસાઇ હોવાનું જાણવા મળ્યું હતું,  જેથી પોલીસે તેમની સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. 


પાનનો ગલ્લો ચાલુ રાખનાર પકડાયો
વસ્ત્રાપુરના  જીએમડીસી લેબર કોલોની પાસે પતરાના શેડમાં પાનનો ગલ્લો ચાલુ જોવા મળતા પોલીસે તપાસ કરતાં ગુટખા, તમાકુ, સિગારેટ, મલાસા, બીડી સહિતની ચીજ વસ્તુઓ હતી, જ્યારે ગલ્લો ચલાવનાર મળી આવતા તેની પૂછપરછ તેના માલિક ભૂરાલાલ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરાઈ હતી.


દુકાન ખૂલ્લી રાખી તમાકુ વેચતા સોસાયટીના પ્રમુખ સામે ગુનો
લોકડાઉન હોવા છતા જાહેરનામાનો ભંગ કરીને તમાકુનું વેચાણ કરી રહેલા ત્રણ શખ્સોના વિરુદ્ધમાં પોલીસે જાહેરનામાનો ભંગનો ગુનો દાખલ કરીને ત્રણેય શખ્સની અટકાયત કરી છે. 


નારોલમાં ભારતનગર સોસાયટી પાસે પ્રમુખ પાન પાર્લર નામની દુકાન ખુલ્લી રાખીને બીડી અને તામકુનું વેચાણ કરતા હોવાની નારોલ પોલીસને બાતમી મળતા પોલીસે દુકાન પર દરોડો પાડીને બીડી તમાકુનું વેચાણ કરતા ભરતભાઈ શર્મા અને બાબુભાઈ શર્માને પકડીને બીડી અને તમાકુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, બીજી બાજુ રામોલ પોલીસ પણ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે, અદાણી સર્કલ ધર્મજ્યોત ફ્લેટ પાસે આવેલા રાધિકા સ્ટોર્સ નામની દુકાનમાં જીવન જરૂરિયાત ચીજવસ્તુની આડમાં તમાકુનું વેચાણ કરી રહ્યો છે, જેથી રામોલ પોલીસે તે જગ્યાએ દરોડો પાડીને દુકાનના માલિક દિનેશ ચૌહાણને પકડીને તમાકુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

adv

Related News

post
post
post
post
post
post
post