• Home
  • News
  • રિલાયન્સની AGMમાં 5G સર્વિસની જાહેરાત:દિવાળી સુધીમાં મેટ્રોસિટીમાં ઉપલબ્ધ થશે, અનંત અંબાણીને ન્યૂ એનર્જી બિઝનેસની જવાબદારી સોંપાઈ
post

ભારતના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવવા માટે અમે તૈયાર છીએ- મુકેશ અંબાણી

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-29 18:50:50

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ(RIL)ની આજે 45મી એન્યુઅલ જનરલ મીટિંગ(AGM)માં 5G સર્વિસ લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે. મીટિંગમાં કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું કે 5Gની શરૂઆત મેટ્રો સિટીમાં દિવાળી સુધીમાં થશે. 2023માં સુધીમાં સમગ્ર ભારતમાં 5G સર્વિસ મળવા લાગશે.

તેમણે કહ્યું કે આકાશ અંબાણી જિયો, ઈશા અંબાણી રિટેલ અને અનંત અંબાણી ન્યુ એનર્જી બિઝનેસની જવાબદારી સંભાળશે. ઈશા અંબાણીએ રિટેલ બિઝનેસની માહિતી આપતા જણાવ્યું કે દેશના 260 શહેરોમાં જિયો માર્ટ પહોંચી ગયું છે. આ વર્ષે રિલાયન્સ FMCG બિઝનેસ પણ લોન્ચ કરશે.

વિશ્વનું સૌથી મોટું અને એડવાન્સ્ડ 5G નેટવર્ક
અંબાણીએ કહ્યું જિયો 5G વિશ્વનું સૌથી મોટું અને સૌથી એડવાન્સ્ડ 5G નેટવર્ક હશે. JIO 5Gનું લેટેસ્ટ વર્ઝન ડિપ્લોય કરશે, જેને સ્ટેન્ડઅલોન 5G કહેવામાં આવે છે. તેની 4G નેટવર્ક પર શૂન્ય નિર્ભરતા છે. સ્ટેન્ડઅલોન 5Gની સાથે જિયો લો લેટેન્સી કનેક્ટિવિટી, મોટા પાયે મશીન-ટૂ-મશીન કમ્યુનિકેશન, 5G વોઈસ અને મેટાવર્સ જેવી નવી અને પાવરફુલ સર્વિસિસ કરશે.

તેમણે કહ્યું કે કંપની 5G સર્વિસ માટે 2 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. કંપની ઓક્ટોબર(આ દિવાળી) સુધીમાં દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતા સહિત ઘણા અગ્રણી શહેરોમાં 5G લોન્ચ કરશે. ડિસેમ્બર 2023 સુધીમાં ભારતમાં 5G કવરેજ થશે. મુંબઈમાં ઝડપથી જિયો એક્સપિરિયન્સ સેન્ટરો પણ ખોલવામાં આવશે.

લાઈવ અપડેટ્સ

·         જિયો દેશનું નંબર-1 ડિજિટલ સર્વિસ પ્રોવાઈડર

·         દર ત્રણ મહિનામાં 2 ઘરમાં જિયો ફાઈબરનો ઉપયોગ

·         રિલાયન્સે 2.32 લાખ નોકરી આપી

·         2 લાખ કરોડ રૂપિયાનું રોકાણ 5G સર્વિસ માટે

·         2022ની દિવાળી સુધીમાં 5G રોલઆઉટ કરીશું

·         શરૂઆત ચાર મેટ્રો સિટી દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકાતાથી

·         ડિસેમ્બર 2023 સુધી સમગ્ર ભારતમાં 5G સર્વિસ મળવાનું શરૂ થશે

·         મુંબઈમાં ઝડપથી જિયો એક્સપિરિયન્સ સેન્ટર ખોલવામાં આવશે.

·         માઈક્રોસોફટ, મેટા અને ઈન્ટેલની સાથે પાર્ટનરશિપ

·         ક્વાલકોમની સાથે પાર્ટનરશિપની જાહેરાત

·         સસ્તા 5G ફોન માટે ગૂગલની સાથે કામ ચાલુ

·         જિયોની પાસે સ્પેક્ટ્રમના તમામ બેન્ડ હાજર

·         FY22માં મીડિયા બિઝનેસમાં સારો ગ્રોથ જોવા મળ્યો

·         રિલાયન્સ રિટેલના 2 લાખ કરોડના ટર્નઓવર પર અભિનંદન પાઠવ્યા

·         રિટેલમાં મોટા ડિસ્ટ્રિબ્યુટર બનવાનું લક્ષ્ય

·         આ વર્ષે રિટેલ બિઝનેસે 1.5 લાખ નોકરીઓ જનરેટ કરી

·         રિટેલ બિઝનેસનો એમ્પલોયી બેસ 3 લાખે પહોંચ્યો

·         ડિજિટલ પ્લેટફોર્મ પર રિલાયન્સને રોજના 6 લાખ ઓર્ડર

·         દેશનાં 260 શહેરોમાં પહોંચ્યું જિયો માર્ટ

·         એશિયાના ટોપ 10 રિટેલર્સમાં રિલાયન્સ સામેલ

·         વ્હોટ્સઅપથી ઓર્ડર કરવાની સર્વિસનું ડેમોન્સ્ટ્રેશન આપ્યું

·         આ વર્ષે ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ બિઝનેસ લોન્ચ થશે

રિલાયન્સની 5G સર્વિસ રોલઆઉટ માટે તૈયાર
રિલાયન્સ જિયોએ તાજેતરમાં જ ભારતમાં અલગ-અલગ ફ્રિકવન્સી બેન્ડમાં પોતાની 5G નેટવર્ક સેવાઓ શરૂ કરવા માટે પોતાનું 5G સ્પેક્ટ્રમ પ્રાપ્ત કર્યું હતું. કંપનીએ દૂરસંચાર વિભાગ તરફથી આયોજિત હરાજીમાં 700MHz, 800MHz, 1800MHz, 3300MHz અને 26GHz બેન્ડમાં સ્પેક્ટ્રમ પ્રાપ્ત કર્યું છે. રિલાયન્સ આ સ્પેક્ટ્રમનો ઉપયોગ 20 વર્ષ સુધી કરી શકશે. એના માટે 88,078 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

જિયોએ લગભગ 1000 શહેરમાં 5G સર્વિસ શરૂ કરવા માટે 5G ટેલિકોમ ડિવાઈસનું ટેસ્ટિંગ કર્યું છે. આ દરમિયાન હીટ મેપ, 3D મેપ અને રે-ટ્રેસિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ટાર્ગેટ કસ્ટમર કન્ઝપ્શન અને રેવન્યુની એક્સપેક્ટેશનને આધાર બનાવ્યો હતો. રિલાયન્સ કંપનીએ તેના વાર્ષિક રિપોર્ટમાં કહ્યું હતું કે જિયોએ ફાઈનાન્શિયલ વર્ષ 2021-22માં 5G સર્વિસ માટે પોતાને તૈયાર કરવાની દિશામાં ઘણાં પગલાં ઉઠાવ્યાં છે.

કંપનીએ કહ્યું હતું કે જિયોએ 5G ટેક્નોલોજી સાથે જોડાયેલી સર્વિસનું ગ્રાઉન્ડ લેવલ પર ટેસ્ટિંગ પણ કર્યું છે. આ દરમિયાન ઓગ્મેન્ટેડ રિયલ્ટી(AR), વર્ચ્યુઅલ રિયલ્ટી(VR), ક્લાઉડ ગેમિંગ, ટીવી સ્ટ્રીમિંગ, હોસ્પિટલ અને ઈન્ડસ્ટ્રીઝ યુઝને જોવામાં આવ્યો છે.

ટેલિકોમ મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે સ્પેક્ટ્રમ એલોકેશન પછી હવે 5G સર્વિસ ઓક્ટોબરથી શરૂ થઈ શકે છે. વૈષ્ણવે કહ્યું હતું કે સ્પેક્ટ્રમની સારી ઉપલબ્ધતાથી દેશમાં ટેલિકોમ સર્વિસિસની ક્વોલિટીમાં સુધારો થશે.

કેટલું મોટું છે રિલાયન્સનું સામ્રાજ્ય?
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ એક ફોર્ચ્યુન 500 કંપની છે અને ભારતમાં સૌથી મોટું પ્રાઈવેટ સેક્ટર કોર્પોરેશન. ટેક્સટાઈલ અને પોલિએસ્ટરથી શરૂ થઈ કંપનીની મુસાફરી, મટિરિયલ, રિટેલ, એન્ટરટેન્ટમેન્ટ અને ડિજિટલ સર્વિસમાં ફેલ છે. રિલાયન્સની પાસે સિંગલ લોકેશન પર દુનિયાની સૌથી મોટી રિફાઈનરી છે.

રિલાયન્સનું સામ્રાજ્ય આજે 217 અબજ ડોલર, એટલે લગભગ 16 લાખ કરોડ રૂપિયાનું થઈ ગયું છે. તે ન્યુઝીલેન્ડ, પેરૂ, ગ્રીસ, કઝાકિસ્તાન જેવા દેશની GDPથી વધુ છે. રિલાયન્સ પ્રાઈવેટ સેક્ટરમાં કસ્ટમ અને એક્સાઈઝ ડ્યુટીનું સૌથી મોટું પેયર છે. રિલાયન્સની કોઈને કોઈ પ્રોડક્ટ કે સર્વિસનો ઉપયોગ લગભગ દરેક ભારતીય કરે છે.

રિલાયન્સની કન્સોલિડેટેડ રેવન્યુ 47 ટકા વધી
મુકેશ અંબાણીએ કહ્યું હતું કે અમારી કંપની વાર્ષિક રેવન્યુમાં 100 અબજ ડોલરને પાર કરનારી ભારતની પ્રથમ કોર્પોરેટ બની છે. રિલાયન્સની કન્સોલિડેટેડ રેવન્યુ 47 ટકા વધીને 7.93 લાખ કરોડ રૂપિયા અથવા 104 અબજ ડોલર થઈ છે. રિલાયન્સની વાર્ષિક કન્સોલિડેટેડ અબિટડા 125 લાખ કરોડના મહત્ત્વપૂર્ણ લેવલને પાર કરી ગઈ છે.

દુનિયામાં આર્થિક અસ્થિરતાની વચ્ચે ભારત મજબૂત ઊભું છે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિશ્વના કેટલાક ભાગમાં ગંભીર તણાવ છે. આવી આર્થિક અને રાજકીય અસ્થિરતાની વચ્ચે ભારત મજબૂત ઊભું છે. હું વડાપ્રધાન પીએમ અને નાણામંત્રી નિર્મલા સીતારમણને અભિનંદન આપું છું.

અગાઉ પણ 2016, 2019 અને 2021માં 65 વર્ષીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી એજીએમમાં મોટી જાહેરાતો કરી ચૂક્યા છે. એમાં ટેલિકોમ સર્વિસ લોન્ચ, સાઉદી અરબ ઓઈલ કોર્પોરેશનનું રિલાયન્સ એનર્જી બિઝનેસમાં પ્રસ્તાવિત રોકાણ અને ગ્રીન એનર્જી પ્લાનની જાહેરાત સામેલ છે. મુકેશ અંબાણીનાં ત્રણેય બાળક- દીકરી ઈશા અને દીકરો આકાશ તથા અનંત પહેલેથી જ ગ્રુપની નોન-લિસ્ટેડ કંપનીઓમાં ડિરેક્ટર તરીકે કાર્યરત છે. જૂનમાં અંબાણીએ રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિ.ના ચેરમેનપદેથી રાજીનામું આપ્યું હતું. એ પછી એની કમાન તેમના મોટા દીકરા આકાશને સોંપાઈ હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post