• Home
  • News
  • અમદાવાદમાં 39 મૃતકોમાંથી 7 દર્દીઓનું દાખલ થયાના દિવસે, જ્યારે 12નું બીજા દિવસે મોત
post

જમાલપુર વોર્ડમાં દિલ્હી-ઉત્તર પ્રદેશ કરતાં પણ વધુ મોત

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-06 09:15:25

અમદાવાદ: શહેરમાં રેકોર્ડબ્રેક 39 દર્દીના મોત થયા છે. જેમાં 30 મૃતકો રેડ ઝોન જાહેર કરવામાં આવ્યા છે તે વોર્ડના છે. મૃતકોમાં સૌથી વધુ જમાલપુરમાં 10ના થયા છે આ સાથે જમાલપુર વોર્ડનો મૃત્યુઆંક 79નો થયો છે જે સમગ્ર દિલ્હી રાજ્યના 64 અને ઉત્તરપ્રદેશના 56 કરતાં પણ વધુ છે. દાણીલીમડાના ચાર, સરસપુર-રખિયાલના ચાર, શાહપુર, મણિનગર અને સરખેજ વિસ્તારના ત્રણ, ગોમતીપુર, અસારવાના બે-બે અને બોડકદેવ, બાપુનગર, નવા વાડજ, સૈજપુર બોઘા વિસ્તારમાં રહેતા એક-એક વ્યકિતનો સમાવેશ થાય છે. કુલ 39 માંથી સાત દર્દીઓના મૃત્યુ હોસ્પિટલમાં દાખલ થયાના દિવસે જ થયા છે જયારે 12 દર્દીઓના મૃત્યુ દાખલ થયાના એક જ દિવસમાં થયા છે. 39 મૃતકોમાં 80 ટકા મૃત્યુ પામનારા વ્યકિત 60 વર્ષથી વધુની ઉંમરના છે. અને કુલ 39 માંથી 11 દર્દીઓના મૃત્યુ માત્ર કોરોનાના કારણે થયા છે બાકીના તમામને કોરોના સાથે અન્ય બિમારી હતી. એક કે બે દિવસમાં મૃત્યુ પામનારા લોકોમાં વાઈરસનું ઈન્ફેકશન શરીરમાં ગંભીર રીતે ફેલાવાના કારણે કોઈ સારવારની તેમને અસર નહીં થતી હોવાનું તબીબોનું કહેવુ છે. બોડકદેવના ગોયલ પ્લાઝામાં રહેતા આધેડનું પણ મોત થયુ હતુ. આશ્ચર્યની વાત એ છે કે જમાલપુર, ખાડિયા અને બહેરામપુરા નજીકના વિસ્તારો હોવા છતાં જમાલપુરમાં મૃત્યુ દર 11 ટકાનો છે જ્યારે ખાડિયામાં 4.7 ટકા અને બહેરામપુરામાં માત્ર 2.3 ટકા છે.


છેલ્લા 24 કલાકમાં દેશના પોઝિટિવ કેસમાંથી માત્ર 9 ટકા અમદાવાદમાં પણ મૃત્યુ 25 ટકા
મંગળવારે કોરોનાના ગુજરાતમાં સામે આવેલા આંકડા ગંભીર સ્થિતિનો અંદેશો દર્શાવી રહ્યાં છે. કારણ કે મંગળવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં વીતેલાં 24 કલાકમાં આખાં ભારતમાં જેટલાં નવા પોઝિટીવ કેસ આવ્યાં તે પૈકી 11 ટકા ગુજરાતના રહ્યાં તો કુલ મૃત્યુના કેસમાં 25 ટકા પ્રમાણ ગુજરાતનું રહ્યું. આખાં ભારતમાં નવા પોઝિટીવ કેસ 3,875 હતાં તેની સામે ગુજરાતમાં 441 નવા કેસ આવ્યાં તો ભારતમાં નોંધાયેલાં 194 મૃત્યુના કેસમાં 49 મૃત્યુ સાથે પચીસ ટકા કેસ ગુજરાતમાં નોંધાયા છે.


ગુજરાતમાં પણ અમદાવાદનું પ્રમાણ વધુ હોઇ આખા ભારતની તુલનાએ મૃત્યુ પામેલાં કુલ દર્દીઓ પૈકી 39 કેસ સાથે વીસ ટકા દર્દી અમદાવાદના હતાં. જ્યારે નવા નોંધાયેલાં પોઝિટીવ કેસમાં 349 કેસ સાથે અમદાવાદનું પ્રમાણ નવ ટકા રહ્યું. અમદાવાદમાં કુલ 4,425 પોઝિટીવ કેસ જ્યારે 273 મૃત્યુ નોંધાયાં છે. જ્યારે 704 દર્દી સાજાં થયાં છે.