• Home
  • News
  • 700 કરોડનો નશાનો સામાન ઝડપાયો:3 આરોપીને સાથે રાખી વડોદરામાં ATSએ રેડ પાડી, ડ્રગ્સના રો-મટીરિયલના 12 કેરબા જપ્ત
post

આરોપીઓની વધુ પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપી શૈલેશ કટારિયાએ તેના ઘરે વધુ ડ્રગ્સનો જથ્થો સંતાડ્યો હતો,

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-16 17:51:51

વડોદરા: વડોદરા શહેર નજીક સિંઘરોટ ખાતેથી 700 કરોડની ડ્રગ્સની ફેક્ટરી ઝડપાવા મામલે અમદાવાદની ATSએ આજે 3 આરોપીને સાથે રાખીને સયાજીગંજ વિસ્તારમાં આવેલા આનંદ એપાર્ટમેન્ટમાં રેડ પાડી હતી, જેમાં ડ્રગ્સના રો-મટીરિયલના 12 કેરબા જપ્ત કર્યા છે. આ પહેલાં ત્રણેય આરોપી રાજુ રાજપૂત, યોગેશ તડવી અને અનિલ પરમારની ધરપકડ કરી હતી અને વડોદરા કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. કોર્ટે ત્રણેય આરોપીના આગામી 21 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા, જેથી પોલીસે ત્રણેયને સાથે રાખીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ટ્રાવેલ્સ મારફત ડ્રગ્સ મુંબઈ મોકલ્યું
આરોપીઓના રિમાન્ડ દરમિયાન આંગડિયા પેઢી મારફત નાણાં મોકલ્યા હોવાનો ખુલાસો થયો છે. આ ઉપરાંત આરોપીઓએ ટ્રાવેલ્સ મારફત મુંબઈ ડ્રગ્સનો જથ્થો મોકલ્યો હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે.

આતંકી કનેક્શનની આશંકા
તપાસ એજન્સી ATSને શંકા છે કે દેશના યુવાધનને બરબાદ કરતા ડ્રગ્સના ઉત્પાદન સાથે સંકળાયેલી ટોળકીએ તૈયાર કરેલું ડ્રગ્સ હજી પણ શહેરમાં કે આસપાસના વિસ્તારોમાં સંતાડ્યું હોઈ શકે છે. આ ઉપરાંત રિમાન્ડ દરમિયાન મોટાં માથાંનાં નામ ખૂલી શકે છે. આ ઉપરાંત આ કેસમાં આતંકી કનેક્શનની પણ આશંકા છે.

સિંધરોટમાંથી ડ્રગ્સની ફેક્ટરી પકડાઈ હતી
વડોદરા શહેર નજીક સિંધરોટની સીમમાં મહીસાગરને કાંઠે આવેલા ખેતરમાં ઊભી કરાયેલી ફેક્ટરીઓમાં એટીએસે રેડ કરીને 500 કરોડનું 63 કિલો 613 ગ્રામ એમડી ડ્રગ્સ અને એમડી ડ્રગ્સ બનાવવાનું 80 કિલો 260 ગ્રામ જુદા-જુદા લિક્વિડ મટીરિયલનો જથ્થો ઝડપાયા બાદ વધુ ડ્રગ્સનો 100 કિલો રો-મટીરિયલ પકડાયું હતું.

5 આરોપી પકડાયા હતા
ત્યાર બાદ સિંધરોટમાં કેમિસ્ટ તરીકે કામ કરનાર શૈલેષ કટારિયાના ગોરવા ખાતેના નિવાસસ્થાને દરોડો પાડી ATSએ રૂા.121.40 કરોડનું 24.280 કિલો મેફેડ્રોન વિવિધ થેલીઓમાંથી જપ્ત કર્યું હતું. હજી પણ ડ્રગ્સનો જથ્થો ટોળકીએ સંતાડી રાખ્યો હોવાનું તપાસ અધિકારીઓ માની રહ્યા છે. એમડી ડ્રગ્સના ઉત્પાદન સાથે સંકળાયેલી ટોળકી પૈકી એટીએસની ટીમે સૌમિલ ઉર્ફે સેમ સુરેશચંદ્ર પાઠક, શૈલેષ ગોવિંદભાઈ કટારિયા, વિનોદ ઉર્ફે પપ્પુ રમણભાઈ નિજામા, મો.શફી ઉર્ફે ગગ્ગુ મિસ્કીન દીવાન, અને ભરત ભીમાભાઈ ચાવડાની ધરપકડ કરી હતી.

અન્ય કેટલા આરોપી સંડોવાયેલા છે?
આ ઉપરાંત આંગડિયા દ્વારા કેટલી રકમ મેળવવામાં આવી છે. અન્ય કેટલા આરોપી સંડોવાયેલા છે? એની તપાસ કરવામાં આવશે. ડ્રગ્સના ઉત્પાદનમાં સંડોવાયેલા અન્ય વોન્ટેડ આરોપીઓ સલીમ ડોલા અને મુકેશ જોષી સહિતના આરોપીની શોધખોળ કરવામાં આવશે. આરોપીઓને કોઈએ આર્થિક મદદ કરી છે કે કેમ? એની પૂછપરછ કરવામાં આવશે, એમ સૂત્રોએ જણાવ્યું છે.

કુલ 700 કરોડનો મેફેડ્રોનનો જથ્થો
આરોપીઓની વધુ પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપી શૈલેશ કટારિયાએ તેના ઘરે વધુ ડ્રગ્સનો જથ્થો સંતાડ્યો હતો, જેથી ગુજરાત એટીએસ ટીમ અને એસઓજી વડોદરાની ટીમે તપાસ કરતાં અલગ અલગ પેકિંગની થેલીઓ મળી આવી હતી. થેલીઓમાંથી શંકાસ્પદ માદક પદાર્થ મળી આવતાં તેની એફએસએલની ટીમ દ્વાર તપાસ કરવામાં આવી હતી. 24.28 કિલો મેફેડ્રોનનો જથ્થો મળ્યો હતો, જેની અંદાજિત કિંમત 121.40 કરોડની થાય છે. આ ડ્રગ્સ આરોપીઓએ સિંધરોટ ગામની સીમમાં બનાવેલી ફેક્ટરીમાં બનાવ્યું હતું. આમ, આ કેસમાં અત્યારસુધી કુલ 700 કરોડની કિંમતનો મેફેડ્રોનનો જથ્થો પકડી પાડ્યો છે.

ડાર્કવેબમાં ડ્રગ્સની માહિતી લીધી
સૌમિલ પાઠકે ડાર્કવેબમાં ડ્રગ્સ બનાવવાની માહિતી મેળવી કેમિકલ ચોર ભરત ચાવડા પાસેથી રો-મટીરિયલ લઇ જાણકાર કેમિસ્ટ શૈલેષ કટારિયાની મદદે રો-મટીરિયલ મુંબઇના સલીમ ડોલા પાસેથી લીધું હતું. મુંબઇ પોલીસે સૌમિલને પકડતાં જેલમાં સલીમ ડોલાને મળી તેને ભાગીદાર બનાવ્યો હતો.

આરોપીનો ગુનાહિત ઇતિહાસ
આ આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે. સૌમિલ 2017માં ડ્રગ્સ કેસમાં પકડાયો હતો, જ્યારે નડિયાદનો મોહમ્મદ સફી 2004થી ગુનાખોરીમાં પ્રવેશ કર્યો અને ડ્રગ્સની હેરાફેરીમાં ઝડપાયો છે. જ્યારે ભરત ચાવડા કેમિકલ ચોરીમાં 2 વખત પકડાયો હતો. આ ડ્રગ્સ નેટવર્કમાં મુંબઇનો ડ્રગ્સમાફિયા સલીમ ડોલા હજુ ફરાર હોવાથી ATSએ શોધખોળ શરૂ કરી છે. જ્યારે પકડાયેલા આરોપીએ MD ડ્રગ્સ કોને કોને અને ક્યાં ક્યાં વેચાણ કર્યું અને એનાં નાણાંનો શું ઉપયોગ કર્યો તેમજ આ ડ્રગ્સ નેટવર્કમાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં એ મુદ્દે તપાસ શરૂ કરી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post