• Home
  • News
  • સ્કૂલો ખોલવાની જાહેરાત:75% વાલીઓએ કહ્યું - ‘અમે બાળકોને સ્કૂલે મોકલવા તૈયાર, શું સ્કૂલો બાળકોને કોરોનાથી બચાવવા તૈયાર?’
post

290 દિવસ પછી ગુજરાતમાં 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની સ્કૂલ-કોલેજો ખૂલશે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-07 11:13:19

ગુજરાત સરકારે બુધવારે ઓચિંતો નિર્ણય લેતા આગમી 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની સ્કૂલો-કોલેજો ખોલવાની જાહેરાત કરી છે. ગુજરાત સહિત દેશભરમાં રસીકરણની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે હજુ રસીના આગમન પહેલાં જ સ્કૂલો ખોલવાના નિર્ણયથી વાલીઓમાં અસંતોષ વ્યાપ્યો હતો. ભાસ્કર સાથેની ચર્ચામાં 75 ટકા વાલીઓએ સરકારને વળતો સવાલ કર્યો હતો કે અમે સંતાનોને સ્કૂલ મોકલવા તૈયાર છીએ પણ શું સ્કૂલો બાળકોને ચેપથી બચાવવા તૈયાર છે?

પેરેન્ટ્સે સંમતિપત્ર આપવું પડશે
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્કૂલો ખોલવાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે આ નિર્ણય દરેક બોર્ડની રાજ્યમાં આવેલી સ્કૂલોને લાગુ પડશે. જો કે બાળકોને સ્કૂલે મોકલવા માગતા પેરેન્ટ્સે આ અંગે સંમતિપત્ર લખીને સ્કૂલને આપવાનું રહેશે. રાજ્ય સરકારે જણાવ્યું હતું કે માસ્ક-સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતની એસઓપી (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોટોકોલ)ના પાલન માટેની ગાઇડલાઇન સ્કૂલોને મોકલી અપાઈ છે. શિક્ષણમંત્રીએ એમ પણ કહ્યું હતું કે નાના બાળકોની સ્કૂલો ખોલવા અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવાશે. સાથે જ તેમણે માસ પ્રમોશન અપાશે નહીં એ પણ સ્પષ્ટ કર્યું હતું.

ઓનલાઇન શિક્ષણ યથાવત્ રહેશે, જેટલું ભણાવ્યું એટલાની જ પરીક્ષા લેવાશે
નિર્ણયની 3 મહત્ત્વની બાબતો
1.
તમામ બોર્ડને લાગુ પડશે: સ્કૂલ ખોલવાનો આ નિર્ણય રાજ્યના તમામ બોર્ડને લાગુ થશે. જેમાં સરકારી શાળાઓ, ગ્રાન્ટ ઇન એઇડ-સ્વનિર્ભર સંસ્થાઓ તથા સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ હસ્તકની સંસ્થાઓને લાગુ પડશે.
2.
હાજરી ફરજિયાત નહીં: શાળામાં હાજરી ફરજિયાત રહેશે નહીં. શાળાએ આવતા વિદ્યાર્થીઓએ વાલીની સંમતિ લઇને પત્રકમાં મંજૂરી આપવાની રહેશે. આ માટેના જરૂરી ફોર્મ શાળાઓને મોકલી દેવામાં આવ્યાં છે. હાલ રાજ્યમાં જે ઓનલાઇન શિક્ષણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તે પણ રાબેતા મુજબ યથાવત રહેશે.
3.
માસ પ્રમોશન મળશે નહીં: વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે નહીં. શાળામાં જેટલો અભ્યાસ કરાવાયો છે એટલા જ શૈક્ષણિક કાર્યની પરીક્ષા લેવામાં આવશે. અન્ય ધોરણના વર્ગો ક્યારે શરૂ કરવા તે અંગે પણ રાજ્ય સરકાર દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે અને તે અંગે પણ ટૂંક સમયમાં નિર્ણય લેવાશે.

સ્કૂલમાં આટલી બાબતો જરૂરી

·         ફેસ માસ્ક પહેરવું પડશે.

·         બે લોકો વચ્ચે 6 ફૂટનું અંતર રાખવું પડશે.

·         ગમે ત્યાં થૂંકાશે નહીં.

·         જ્યાં જરૂરી હશે ત્યાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાનું કહેવામાં આવશે.

·         થોડા થોડા સમયે નિયમિતપણે હાથ ધોવા પડશે.

·         હાથ ગંદા ન દેખાય તો પણ સારી રીતે ધોવા પડશે.

·         બાળકો સ્વેચ્છાએ સ્કૂલ જવાનો નિર્ણય લઈ શકે છે. પણ આ પહેલા પેરેન્ટ્સે લેખિતમાં સ્કૂલને સંમતિ આપવાની રહેશે.

·         સ્પોર્ટ્સ એક્ટિવિટી અને એસેમ્બ્લી પર કડક પ્રતિબંધ રહેશે.

·         એસી હશે તો તેનું તાપમાન 24થી 30 રહેશે.

·         એસીમાં હ્યુમિડિટી લેવલ 40થી 70 ટકા રાખવું.

·         શિક્ષક, કર્મચારીઓને ફેસ માસ્ક, હેન્ડ સેનીટાઈઝર, ઉપલબ્ધ કરાવવાની જવાબદારી સ્કૂલ મેનેજમેન્ટની રહેશે.

·         સાફ-સફાઈ સાથે સંકળાયેલા કર્મચારીને થર્મલ ગન, ડિસ્પોઝલ પેપર ટોવેલ, સાબુ, 1 ટકા સોડિયમ હાઈપોક્લોરાઈટ સોલ્યુશન આપવાનું રહેશે.

·         પલ્સ ઓક્સિમીટરની વ્યવસ્થા ફરજિયાત રાખવી પડશે, જેથી એન્સિટોમેટિકના ઓક્સિજનના સ્તરની તપાસ થઈ શકે.

·         વિદ્યાર્થી પુસ્તકો, અભ્યાસ સામગ્રીની કોપી, પેન્સિલ, પેન, પાણીની બોટલ જેવી ચીજવસ્તુઓની પરસ્પર આપ-લે કરી શકશે નહીં

·         પ્રેક્ટિકલના સમયે વિદ્યાર્થી વિવિધ જૂથ બનાવીને લેબમાં જશે. એકસાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને પ્રયોગશાળામાં જવા દેવામાં આવશે નહીં.

SOPનું પાલન થાય એ સરકાર, સ્કૂલની જવાબદારી
રાજ્ય સરકારે સ્કૂલો શરૂ કરવા અંગે કેન્દ્રના એસઓપીને અનુસરવાનો નિર્ણય કર્યો છે. આ અંગેની ગાઇડલાઇન તમામ શિક્ષણસંસ્થાઓને ઇસ્યુ કરી દેવાઈ છે. સ્કૂલોમાં હાઇજિન તથા થર્મલ ગન સહિતની વ્યવસ્થાઓનું પાલન થાય તેની કાળજી અમારા અધિકારીઓ તથા સ્કૂલ સંચાલકો રાખશે. સ્કૂલોએ સ્થાનિક આરોગ્ય કેન્દ્રો સાથે સંકલન સાધવાનું રહેશે. એસઓપીનું પાલન થાય એ જોવાની જવાબદારી શિક્ષણ વિભાગની, સ્કૂલ પ્રિન્સિપાલ સહિત સ્કૂલોના સંચાલકોની રહેશે. > ભુપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણમંત્રી

બાળકો માટે સ્કૂલમાં પ્રેક્ટિકલ અભ્યાસ જરૂરી
સ્કૂલો ખોલવાનો સરકારનો નિર્ણય યોગ્ય છે. કારણ કે વિદ્યાર્થીઓ માટે પ્રેક્ટિકલ જરૂરી હોય છે. જો સ્કૂલે આવશે તો પ્રેક્ટિકલ કરી શકશે અને પ્રેક્ટિકલ એક્ઝામ આપી શકશે. અમે પૂરતી તૈયારી કરી છે. શરૂઆતમાં ઓછા બાળકો આવે એવી શક્યતા છે. પણ અમે વર્ગમાં પણ ભણાવીશું અને ઑનલાઇન અભ્યાસ પણ કરાવીશું. - સુરીન્દર સચદેવા, પ્રિન્સિપાલ, ડીપીએસ-બોપલ, અમદાવાદ

આ તરફ... કર્ણાટકમાં 50 શિક્ષકો સંક્રમિત, અનેક સ્કૂલો બંધ કરવી પડી
કર્ણાટકમાં ગત 1 જાન્યુઆરીથી સ્કૂલો ખોલવામાં આવી હતી. એ પછી મંગળવારે રાજ્યની વિવિધ સ્કૂલોના 50 શિક્ષકો કોરોનાથી સંક્રમિત થયા હતા. બેલગાવીમાં સંક્રમિત થયેલા 22 શિક્ષકોને હોમ ક્વોરેન્ટાઇન કરાયા હતા. આ તરફ શિક્ષકો સંક્રમિત થતા રાજ્યની ઘણી સ્કૂલો બંધ કરવાની ફરજ પડી હતી. બેલગાવી ઉપરાંત ચિત્રદૂર્ગ જિલ્લામાં પણ શિક્ષકો સંક્રમિત થયાના અહેવાલને પગલે સ્કૂલો બંધ કરાઈ હતી. સ્કૂલો શરૂ થયા બાદ ઉત્તર બેંગાલુરુમાં વિદ્યાર્થીઓની હાજરી 36 ટકા નોંધાઈ હતી જ્યારે ઉત્તર કર્ણાટકની સ્કૂલોમાં 83 ટકા, ઉડુપીમાં 81 ટકા જ્યારે બિડરમાં માત્ર 34 ટકા હાજરી નોંધાઈ હતી.

બીજી તરફ... પંજાબમાં આજથી ધો. 5થી 12 સુધીના વર્ગો શરૂ થશે
પંજાબમાં આજથી તમામ સરકારી, અર્ધ-સરકારી તથા ખાનગી સ્કૂલોમાં ધોરણ 5થી 12ના વર્ગો શરૂ થશે. પંજાબના શિક્ષણમંત્રી વિજેન્દર સિંગલાએ બુધવારે આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે વાલીઓની સતત માગણીને પગલે આ નિર્ણય લેવાયો છે. સિંગલાએ જણાવ્યું હતું કે સવારે 10થી બપોરે 3 વાગ્યા સુધી સ્કૂલો ચાલશે. દરેક સ્કૂલોને માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું કડકાઈથી પાલન કરવા જણાવાયું છે. સિંગલાએ કહ્યું હતું કે સ્કૂલ સંચાલકો સાથે પરામર્શ કર્યા બાદ આ નિર્ણય લેવાયો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post