• Home
  • News
  • કોરોના થવાના ભયને કારણે 76 ટકા લોકો ઘરના સભ્યોને વારંવાર હાથ ધોવાનું કહે છે
post

એચ.કે. આર્ટ્સ કોલેજના પ્રોફેસરનો સરવે, લૉકડાઉનમાં 26 ટકા લોકો માનસિક તણાવનો ભોગ બન્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-10 11:44:42

અમદાવાદ: લૉકડાઉનને કારણે પરિવારો વચ્ચે સામાજિક અંતર વધી રહ્યું છે. જો લૉકડાઉન લાંબુ ચાલે તો પરિવારોમાં માનસિક તણાવ વધશે. આ તથ્યો એચ. કે. કોલેજના વિઝિટિંગ ફેકલ્ટીના ડૉ. ભાગ્યશ્રી રાજપૂતે કરેલા ઓનલાઇન સરવેમાં  સામે આવ્યા છે. 
પ્રોફેસરે લૉકડાઉનને કારણે ઘરમાં જ રહેતા 450 જેટલા લોકોની માનસિકતા અને મુશ્કેલીઓ પર સરવે કરવામાં આવ્યો હતો, જેમાં એવું જાણવા મળ્યું હતું કે, લોકો પોતાના અન્ય પરિવારજનોને યાદ કરી રહ્યા છે. તેના કારણે 74 ટકા લોકોએ માન્યું કે, લૉકડાઉનને કારણે કુટુંબકુટુંબ વચ્ચેનું સામાજિક અંતર વધ્યું છે.


આ ઉપરાંત કોરોના વાઈરસને કારણે થયેલા લૉકડાઉનમાં પોતાનો પરિવાર સુરક્ષિત રહે તે માટે 76 ટકા લોકો પોતાના પરિવારના લોકોને વારંવાર હાથ ધોવાનું સૂચન કરે છે. કોરોના વાઈરસના ડરને કારણે 26 ટકા લોકો માનસિક તંગદિલી અનુભવી રહ્યા છે. આ ઉપરાંત કોરોનાને લઇને લોકો સોશિયલ મીડિયામાં પોતાની રીતે કંઇને કંઇક શેર કરતા હોય છે. સરવેમાં 71 ટકા લોકોએ સ્વીકાર્યું કે, કોરોના વાઈરસના ફેલાવાને લઇને અત્યાર સુધીમાં એક કરતાં વધુ વખત માત્ર કોરોના સંબંધી પોસ્ટ શેર કરી છે.


ઓનલાઈન સરવેમાં 450 લોકોના પ્રતિભાવનો સમાવેશ કરાયો
 મને આ સરવે કરવામાં 20 દિવસ લાગ્યા. લૉકડાઉનને કારણે લોકો ઘરમાં બેસીને શું અનુભવ કરે છે તે જાણવું જરૂરી હતું. તેથી મેં આ સરવે ઓનલાઇન કર્યો છે. સરવેમાં 450 જેટલા લોકોએ પોતાના પ્રતિભાવો મને મોકલ્યા હતા.
- ડો. ભાગ્યશ્રી રાજપૂત, વિઝિટિંગ ફેકલ્ટી - એચ.કે. આર્ટ્સ કોલેજ


40
ટકા લોકોએ સ્વીકાર્યું કે, છીંક આવે તો સભ્યો અને મિત્રો દૂર ચાલ્યા જાય છે
સરવેમાં 40 ટકા લોકોએ સ્વીકાર્યું કે સામાન્ય દિવસો કરતાં અત્યારે છીંક આવે છે તો ઘરના સભ્યો કે મિત્રો દૂર ચાલ્યા જાય છે. ત્યારબાદ પણ તેમનાથી અંતર રાખીને જ વાત કરે છે. કોરોનાની અસર સામાજિક જીવન પર પણ થઇ રહી છે. 


લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થશે
આપણે ત્યાં લોકો સ્વાસ્થ્ય અને સ્વચ્છતા વિશે બહુ જાગૃત નથી ત્યારે કોરોના વાઈરસના કારણે આવનારા સમયમાં લોકોની જીવનશૈલીમાં શું ફેર આવશે તેના જવાબમાં 60 ટકા લોકોનું માનવું હતું કે હવે લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થશે. કોરોના વાઈરસમાંથી શીખ લઇને લોકોની સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારીથી હવેથી દૂર થશે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post