• Home
  • News
  • કોરોનામુક્ત 15884 અમદાવાદીમાંથી 91એ જ પ્લાઝમા ડોનેટ કર્યું
post

પ્લાઝમા ડોનેશન અંગે પ્રમાણમાં ઓછી અવેરનેસ અને ગેરમાન્યતાને લીધે લોકો આગળ આવતાં ખચકાય છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-10 09:54:13

અમદાવાદ: રક્તદાનમાં મોખરે રહેતા અમદાવાદીઓ પ્લાઝમા ડોનેશન અંગે ગેરમાન્યતા અને અવેરનેસના અભાવે પ્લાઝમા ડોનેટ કરવામાં પાછળ છે. અમદાવાદમાં અત્યારસુધીમાં 15,884 લોકો કોરોનામુક્ત થયાં છે. જેમાંથી  સિવિલ હોસ્પિટલ અને રેડક્રોસની બ્લડબેંકમાં માત્ર 91 લોકોએ જ પ્લાઝમા ડોનેટ કર્યું છે, અને આ 91 પ્લાઝમા ડોનરમાં 39 ડોક્ટર છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પ્લાઝમા ડોનેટ કરનાર 34માંથી 27 ડોક્ટર હોવાનું જાણવા મળ્યું છે.

અમદાવાદ મ્યુ. સંચાલિત  ડેન્ટલ કોલેજનાં 6 ઇન્ટર્ન ડોક્ટરો કોરોનાગ્રસ્ત થયા છે, જેમાંથી ઇન્ટર્ન ડો. શુભમ રામીએ જણાવ્યું હતું કે, કોરોનાની ડ્યૂટી દરમિયાન શ્વાસની ગંભીર તકલીફ થતાં એસવીપી હોસ્પિટમલાં દાખલ કર્યો હતો, હોસ્પિટલમાં દર્દીની ગંભીર સ્થિતિ જોઇને મેં સાજા થઇને પ્લાઝમા ડોનેટ કરવાનું નક્કી કર્યું હતું, અને કોરોના મુક્ત થયાનાં 28 દિવસ બાદ રેડક્રોસ બ્લડબેંક, પાલડી ખાતે પ્લાઝમા ડોનેટ કર્યું છે, મારી સાથે કોલેજના 6 ઇન્ટર્ન ડોક્ટર કોરોનાગ્રસ્ત થયા છે, જેમાંથી ડો. મીત પટેલે પ્લાઝમા ડોનેટ કર્યા છે.

પરંતુ, કોરોનાથી મુક્ત થયેલા શહેરીજનો પ્લાઝમા ડોનેશનની અવેરનેસને અભાવે પ્લાઝમા ડોનેટ કરતાં નથી. જેમનામાં એન્ટિબોડી ડેવલપ થયા હોય તેવા લોકો પ્લાઝમા ડોનેટ કરે તો 500 મિલી પ્લાઝમાથી બે લોકોને નવજીવન મળે. પ્લાઝમા ડોનેશન અંગે લોકોમાં ગેરમાન્યતા દૂર કરવી જરૂરી છે.

સિવિલની બ્લડ બેન્કમાં 27 ડૉક્ટર સહિત 34 ડોનર
સિવિલ હોસ્પિટલના ઓફિસર ઓન સ્પેશ્યિલ ડ્યૂટી ડો. એમ. એમ. પ્રભાકર અને સિવિલની બ્લડબેંકના ડો. નિધિ ભટ્નાગરે જણાવ્યું હતું કે, હોસ્પિટલની બ્લડબેંકમાં અત્યાર સુધીમાં કુલ 34 જેટલા લોકોએ પ્લાઝમા ડોનેટ કર્યું છે, જેમાંથી 27 ડોક્ટરે પ્લાઝમા ડોનેટ કર્યું છે, પ્લાઝમા ડોનેશનથી કોરાનાના ગંભીર સ્થિતિમાં રહેલાં દર્દીનું જીવન બચાવી શકાતું હોવાથી લોકોએ પ્લાઝમા ડોનેશન માટે આગળ આવવું જોઇએ.

રેડક્રોસની બ્લડ બેન્કને અત્યાર સુધી ફક્ત 57 ડોનર મળ્યા છે
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, અમદાવાદના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો. વિશ્વાસ અમીને જણાવ્યું કે, રેડક્રોસ બ્લડબેંકમાં અત્યાર સુધીમાં 57 જેટલા લોકોએ પ્લાઝમા ડોનેટ કર્યા છે, 57 લોકોમાંથી 12 ડોક્ટરો અને 45 કોરોનાથી મુક્ત થયેલા શહેરીજનોનો સમાવેશ થાય છે.  

 

adv

Related News

post
post
post
post
post
post
post