• Home
  • News
  • માતા-પિતા માટે ચેતવતો કિસ્સો:સુરતમાં 1 વર્ષની બાળકીનું બાથરૂમમાં રમતાં-રમતાં પાણીના ટબમાં પડી જવાથી મોત, માતા હોસ્પિટલ લઈ દોડી, પણ ન બચી
post

એક વર્ષની બાળકીનું પાણીમાં પડી જતા મોત થઈ ગયું હોવાની ઘટનાની જાણ પોલીસને થતા લિંબાયત પોલીસે બાળકીનું પીએમ કરાવ્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-16 17:48:17

સુરત: સુરતમાં ફરી એક વખત માતા-પિતાને સાવચેત કરતો લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. બાળકોને એકલા રમતા મૂકી કામમાં વ્યસ્ત રહેતા માતા-પિતાની આંખ ઉઘાડતો સુરતમાંથી આ કિસ્સો સામે આવ્યો છે. સુરતના લિંબાયત વિસ્તારમાંથી રમતા રમતા એક વર્ષીય બાળકી પાણી ભરેલા ટબમાં પડી જતા મોત નીપજ્યું હતું. બાળકીને સારવાર માટે સિવિલ લઈ જતા ફરજ પણ તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. બાળકીના મોતને પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું છે.

માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો
પોતાના વ્હાલસોયા બાળકોને લઈ માતા-પિતાએ રાખવી પડતી સાવચેતી અને સાવધાની માટેનો આંખ ઉઘાડતો કિસ્સો ફરી એક વખત સુરતમાંથી સામે આવ્યો છે. નાના બાળકો પરથી પરિવારની નજર હટે તો મોટી દુર્ઘટના ઘટી શકે છે તે પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. સુરતના લિંબાયત વિસ્તારમાં માતાની તેની એક વર્ષની બાળકી પરથી થોડા સમય માટે નજર હટી અને બાળકી નજીકમાં રહેલા પાણી ભરેલા ટબમાં પડી ગઈ હતી. જેને લઇ તેનું મોત નીપજ્યું હતું. આવા પ્રકારની ઘટનાઓ ખરેખર માતા-પિતાઓએ પોતાના બાળકો પ્રત્યે સાવચેતી માટેની આંખ ઉઘાડી રહ્યું છે.

રમતા રમતા 1 વર્ષની બાળકી પાણીના ટબમાં પડી
સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા હનુમાન મંદિર નજીક રહેતા સિરાજભાઈ શેખ ટેક્સટાઈલમાં માર્કેટમાં મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ પત્ની અને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રીનું ભરણપોષણ કરી રહ્યા હતા. 15 જાન્યુઆરીના રોજ તેઓની એક વર્ષની પુત્રી ફાતિમા ઘરમાં રમી રહી હતી. દરમિયાન બાળકીની માતા સાફ સફાઈ કરી કચરો ફેંકવા બહાર ગઈ હતી. ત્યારે 1 વર્ષીય બાળકી રમતા રમતા પાણીના ટબમાં પડી ગઈ હતી. માતા બહાર ગઈ ત્યાં સુધી બાળકી પાણીના ટબમાં પડી રહી હતી. થોડા સમય બાદ માતા પરત ઘરે આવી ત્યારે બાળકીને પાણીમાં ટબમાં જોઈ માતાએ બુમાબુમ કરી હતી. જેથી પાડોશી અને સબંધીઓ ત્યાં આવી બાળકીને તાત્કાલિક સારવાર અર્થે નજીકના દવાખાનામાં લઈ ગયા હતા. ત્યાંથી ડોક્ટરે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાનું કહેતા 108ને બોલાવી બાળકીને સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબો દ્વારા બાળકીને મૃત જાહેર કરવામાં આવી હતી.

બાળકીના મોતથી પરિવાર શોકમાં ગરકાવ
રમતા રમતા બાળકી પાણીના ટબમાં પડી જતા તેનું મોત નીપજ્યું હતું. બાળકીના મોત થવાથી પરિવાર આઘાતમાં મુકાયું છે. બાળકીની માતા તેની વ્હાલસોઈ દીકરીનું અચાનક મોત થઈ જતા તેના સદમામાંથી ઉભરી રહી નથી. બાળકીના મોતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. ઘટના બની ત્યારથી માતાના આંસુ રોકાવાનું નામ લઈ રહ્યા નથી.

માતાની બૂમાબૂમ સાંભળી દોડાદોડ મચી ગઈ હતી
બાળકીના મોતને પગલે ભેગા થઈ ગયેલા પડોશીઓએ જણાવ્યું હતું કે બાળકીની માતા કચરો ફેંકવા બહાર આવી હતી અને થોડા સમયમાં પરત ફરી ત્યારબાદ તેની એક વર્ષની દીકરીને પાણીમાં પડેલી જોઈ તેને બુમાબૂમ કરી હતી. પાડોશીઓ મદદનો અવાજ સાંભળી અને બૂમાબૂમ સાંભળી અમે દોડી ગયા હતા. ત્યાં જોયું તો બાળકી પાણીમાં પડી જતા બેભાન થઈ ગઈ હતી. અમે બધા તેને નજીકના દવાખાને લઈ ગયા. ત્યાંથી સિવિલ હોસ્પિટલ લઈ જવાનું કહેતા અમે તેઓને સિવિલ હોસ્પિટલ લઈ ગયા. પરંતુ ત્યાં ડોક્ટરોએ તેનું મોત થઈ ગયું હોવાનું જણાવ્યું હતું.

લિંબાયત પોલીસમાં અકસ્માત મોતનો ગુનો થયો
એક વર્ષની બાળકીનું પાણીમાં પડી જતા મોત થઈ ગયું હોવાની ઘટનાની જાણ પોલીસને થતા લિંબાયત પોલીસે બાળકીનું પીએમ કરાવ્યું હતું. બાળકીના મોતને પગલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post