• Home
  • News
  • બેન્ડ, બાજા, બારાત વિનાના લગ્ન...:લગ્નની વિધિ રાત્રે 9થી પહેલાં કરી લો, 100થી વધુ મહેમાનોને બોલાવશો નહીં; અંતિમવિધિમાં 50 લોકોની જ મર્યાદા
post

અમદાવાદના કર્ફ્યૂમાં 1700 લગ્નો અટવાયાં, મોટા ભાગના રદ

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-24 11:16:13

ગુજરાત સરકારે લગ્નો અને અન્ય સમારોહમાં 200 વ્યક્તિઓની ઉપસ્થિતિને આપેલી મંજૂરીને લઇને સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરતાં ગુજરાત સરકારે હવે સમગ્ર રાજ્યમાં લગ્ન સમારંભોમાં 200 વ્યક્તિઓની મર્યાદા ઘટાડીને 100 વ્યક્તિઓની કરી નાંખી છે. જ્યારે અન્ય સમારંભો કે અંતિમવિધિમાં માત્ર 50 વ્યક્તિઓ જ ભાગ લઇ શકશે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રિ કર્ફ્યૂ હોવાને કારણે આ શહેરોમાં કર્ફ્યૂના સમય દરમિયાન કોઇ કાર્યક્રમ યોજી શકાશે નહીં.

કેન્દ્ર સરકારે તો 50 લોકોની મર્યાદાનું કહ્યું
મૂળમાં ગુજરાત સરકાર આ મર્યાદા ઘટાડવાના સહેજ પણ મૂડમાં ન હતી, પરંતુ સોમવારે મોડી સાંજે દિલ્હીથી આદેશ આવતાં ગુજરાત સરકારે આ મર્યાદા ઘટાડી હોવાનું રાજ્ય સરકારના વિશ્વસનીય સૂત્રો જણાવે છે. સૂત્રોએ કહ્યાં મુજબ ગુજરાત સરકાર સુપ્રીમમાં પણ એ જ મુજબનું સોગંદનામું કરવાની હતી કે કેન્દ્રની માર્ગદર્શિકા અનુસાર જ ગુજરાતમાં આ પ્રણાલી શરુ કરાઇ છે, પરંતુ સોમવારે જ કેન્દ્ર સરકાર તરફથી જ સૂચના મળી હતી કે હાલ રાજ્યમાં સંક્રમણની સ્થિતિ સંગીન હોવાથી આ મર્યાદા ઘટાડીને 50ની કરવી જોઇએ. હવે સરકાર સુપ્રીમમાં આ નિયમ બદલાની જાણ કરતું સોગંદનામું રજૂ કરશે.

લગ્નોમાં 100 લોકોને જ મંજૂરી
તેમ છતાં લોકોને વધુ અગવડ ન પડે તે માટે ગુજરાત સરકારે 100 વ્યક્તિઓની મર્યાદા નક્કી કરી છે. હાલ ગુજરાતમાં લગ્નની સિઝન છે અને અનેક લોકોએ લગ્નોના આયોજન 200 વ્યક્તિઓની મર્યાદાને ધ્યાને રાખીને જ કરી છે. આવાં સમયે સાવ 50 વ્યક્તિઓની મર્યાદા બાંધી દેવામાં આવે તો યજમાનો માટે મોટી મુશ્કેલી સર્જાય, તેથી રાજ્ય સરકારે થોડોક વ્યવહારુ ઉકેલ લાવવાનો પ્રયત્ન કર્યો છે તેમ સૂત્રોએ ઉમેર્યું હતું.

રૂપાણીએ મોદી સાથે કોન્ફરન્સ કરી
આ અગાઉ દિલ્હી સરકારે પણ 200 વ્યક્તિઓને લગ્નો તથા અન્ય સમારોહ માટે છૂટછાટ આપી હતી, પણ ત્યાં સંક્રમણ વધતાં અહીં પાંચેક દિવસ પહેલાં જ ફરી પાછી ઉપસ્થિત વ્યક્તિઓની મર્યાદા 50 વ્યક્તિઓની કરી નાંખી છે. મંગળવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વિડીયો કોન્ફરન્સમાં ગુજરાતમાં સંક્રમણની સ્થિતિ, નિયંત્રણના પગલાં અને રસીના વ્યવસ્થાપન અંગે ચર્ચા કરશે.

રાજ્ય સરકારે માત્ર કન્ટેઇન્મેન્ટ એરિયામાં જ લગ્ન સમારોહ પર પ્રતિબંધ મૂકવાનું વિચાર્યું હતું
ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટે નોટિસ આપી હોવાં છતાં લગ્ન સમારોહમાં આયોજકોને અગવડ ન પડે તે માટે વ્યક્તિઓની મર્યાદામાં કોઇ ઘટાડો નહીં કરવાનું વિચાર્યું હતું. જે મુજબ જ્યાં કન્ટેઇન્મેન્ટ વિસ્તાર હોય ત્યાં તથા તેની આસપાસના 100 મીટરના વિસ્તારમાં લગ્નોના આયોજનને મંજૂરી ન આપવી તે મુજબનું આયોજન કર્યું હતું. સ્થાનિક પોલીસ સ્ટેશને મંજૂરી મેળવ્યાં બાદ જ અને તેમાં પણ પોલીસને આવનારાં મહેમાનોની યાદી આપી તે પ્રમાણિત કરાવીને જ આયોજન કરવું તેમ નિર્ણય કરવાનો હતો, પણ હવે તે બદલવો પડ્યો છે.

સરકારે વ્યવહારુ ઉકેલ કાઢ્યો
સોમવારે કેન્દ્ર તરફથી રાજ્ય સરકારને સૂચના મળી હતી કે લગ્ન માટે મહેમાનોની સંખ્યા ઘટાડીને 50ની કરવી જોઈએ પરંતુ લોકોને અગવડ ન પડે અને જેમના લગ્નનું આયોજન થઈ ગયું છે તેઓ મુશ્કેલીમાં મુકાય નહીં તે માટે વ્યવહારુ ઉકેલ તરીકે 100 મહેમાનોની હાજરીને મંજૂરી આપી છે.

અંતિમવિધિમાં 50 વ્યક્તિ
લગ્ન સમારંભની જેમ અંતિમવિધિ તથા અન્ય પ્રસંગે 50 વ્યક્તિને જ હાજર રહેવાની મંજૂરી અપાઈ છે. અગાઉ 20 માણસને મંજૂરી હતી. ત્યારપછી તેની મર્યાદા વધારવામાં આવી હતી પરંતુ સંક્રમણ વધતાં અંતિમવિધિ તથા અન્ય પ્રસંગે પણ 50 વ્યક્તિની સીમા મર્યાદા નક્કી કરવામાં આવી છે.

1400થી વધારે કેસ નોંધાયા
ગુજરાતમાં દિવાળી તહેવારો બાદ કોરોના વિસ્ફોટ થવાની જે આશંકાઓ સેવવામાં આવી રહી હતી તે હવે સાચી ઠરી રહી છે. રાજ્યમાં 24 કલાકમાં સતત ચોથા દિવસે 1400થી વધુ નવા કેસ નોંધાયા છે. માત્ર એટલું જ નહીં, મૃત્યુ પણ ચિંતાજનક રીતે વધ્યા છે. આ 24 કલાક દરમિયાન 69,521 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 1,487ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે બે મહિના બાદ ફરીવાર 17 દર્દીના મોત થયા છે. આ પહેલા 21 સપ્ટેમ્બરે 17 દર્દીના મોત થયા હતા. તેમજ રાહતની વાત એ છે કે, 1234 દર્દી કોરોનાને હરાવીને ઘરે પરત ફર્યા છે. જ્યારે રિકવરી રેટ 91.09 ટકા થયો છે.

અમદાવાદના કર્ફ્યૂમાં 1700 લગ્નો અટવાયાં, મોટા ભાગના રદ
અમદાવાદ શહેરમાં 21 અને 22 નવેમ્બરે કર્ફ્યૂં લદાતા 1700 લગ્નો પર કર્ફ્યૂનું ગ્રહણ લાગી ગયું છે. વેડિંગ ઇવેન્ટ હવે શરૂ થઈ જતાં જ ફરી કર્ફ્યૂ અને નાઈટ કર્ફ્યૂ આવતા વેડિંગ ઇવેન્ટ વ્યવસાય 8 મહિના બાદ ફરી શરૂ થતાં જ બંધ થઈ ગયો છે. અમદાવાદમાં શનિવારે 500 અને રવિવારે 1200 એમ કુલ 1700 લગ્નના બુકિંગ થયા હતા. જે રદ કરવા પડ્યા છે. માત્ર એટલું જ નહીં લોકોના ત્યાં મહેમાનો પણ આવી ગયા હતા અને પાર્ટી પ્લોટ બુકિંગ થઈ ગયા હતા. જેને કારણે લગ્ન કરનારા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

કર્ફ્યૂથી વેડિંગ ઇવેન્ટના વ્યવસાયને અસર
અમદાવાદમાં ક્રિષ્ના ઇવેન્ટથી વેડિંગ ઇવેન્ટ કરતા કવિતા જૈને DivyaBhaskar સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, 8 મહિના બાદ રવિવારથી ફરી લગ્નસરાની સિઝન શરૂ થતાં વેડિંગ ઇવેન્ટનો વ્યવસાય શરૂ થયો છે ત્યારે બે દિવસ સંપૂર્ણપણે કર્ફ્યૂ અને નાઈટ કર્ફ્યૂ લાગતાં વ્યવસાયને મોટું નુકસાન જશે. સરકારે આ મામલે પહેલા વિચારવું જોઈએ અને કોઈ અલગ ગાઈડલાઈન અથવા રાતે 10 કે 11 વાગ્યા બાદ કર્ફ્યૂ લગાવવો જોઈએ. રવિવારે મોટી સંખ્યામાં લોકોના લગ્ન છે. તેઓની કંકોતરી છપાઈ ગઈ છે, મહેમાનો આવી ગયા છે, પાર્ટીપ્લોટ બુક થઈ ગયા છે ત્યારે કર્ફ્યૂના કારણે અમે ખુબ જ અસમંજસમાં છીએ.

 

adv

Related News

post
post
post
post
post
post
post