• Home
  • News
  • અસુરક્ષિત ગુજરાત:ભાઈ સાથે બાઈક પર ધો-12ની પરીક્ષા આપવા જતી વખતે પંક્ચર પડ્યું, આધેડે લિફ્ટ આપી અડપલાં કર્યાં, બચવા માટે છાત્રા બાઈક પરથી કૂદી પડતાં ગંભીર, જામનગરમાં વધુ એક સગીરા પર દુષ્કર્મ
post

હાથરસની ઘટનાના વિરોધ વચ્ચે ડેડિયાપાડાની છાત્રાના પિતરાઇનું બાઇક પંક્ચર પડતા મદદના બહાને છેડતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-08 10:14:59

હાથરસના ગેંગરેપની ઘટનાના વિરોધ વચ્ચે ડેડિયાપાડામાં વિદ્યાર્થિનીની છેડતીનો શરમજનક બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. ધો. 12 ની પૂરક પરીક્ષા આપવા જતી ડેડિયાપાડાની વિદ્યાર્થિનીના પિતરાઇ ભાઇની બાઇકને ઘોટાલી ગામ પાસે પંકચર પડતાં વિદ્યાર્થિની ત્યાં ઉતરી થઇ અન્ય વાહનની રાહ જોઇ રહી હતી. બીજી તરફ જામનગર પંથકમાં પણ પાંચ દિવસમાં દુષ્કર્મના ત્રીજા બનાવથી ભારે ચકચાર મચી જવા પામી છે.

વિદ્યાર્થિની ચાલુ બાઇકે કૂદી પડી
દરમિયાન હેલમેટધારી બાઇક સવારે મદદના બહાને તેને બાઇક પર લિફ્ટ આપી રાજપીપલા સુધી મૂકી જવાનું કહ્યા બાદ રસ્તામાં તેનો હાથ પકડી શારીરિક અડપલા કરતાં વિદ્યાર્થિની ચાલુ બાઇકે કૂદી પડી હતી. ઇજાગ્રસ્ત હાલતમાં તે રાજપીપલા તરફ જવા નીકળતાં રસ્તામાં આવતા અન્ય બાઇક સવારોએ એમ્બ્યુલન્સ બોલાવતા વિદ્યાર્થિનીને હોસ્પિટલમાં ખસેડાઇ હતી. ઇજાગ્રસ્તે બાઇક સવાર વિરૂદ્ધ ફરિયાદ કરતાં પોલીસે છેડતીનો ગુનો નોંધી લંપટ બાઇક ચાલકની શોધખોળ હાથ ધરી છે.

પરીક્ષા માટે મોડું થતું હોવાથી લિફ્ટ લીધી
ડેડીયાપાડાના નાનકડા ગામની 18 વર્ષીય છાત્રાની ધોરણ-12ની પૂરક પરીક્ષા ચાલતી હોય પોતાની હાઈસ્કૂલમાંથી હોલટિકીટ લઇ મામાના દીકરાની બાઇક પર રાજપીપલા પૂરક પરીક્ષા આપવા જતી હતી. ઘાંટોલી ગામ પાસે બાઇકને પંકચર પડતા છાત્રાને ઘાંટોલી બસ સ્ટેન્ડ પાસે ઉતારી પિતરાઇ ગાજરગોટા ગામે પંચર બનાવવા ગયો હતો. બીજી બાજુ પરીક્ષા માટે મોડું થતું હોવાથી યુવતી બસની કે કોઈ મદદ કરે તેની રાહ જોતી હતી.

રસ્તામાં ચાલકની દાનત બગડી
દરમિયાન ગામના સ્થાનિક યુવાને રાજપીપલા જતા બાઈક સવારને ઉભો રખાવી આ વિદ્યાર્થિનીને બેસાડી રાજપીપલા છોડી દેવા કહ્યું હતું. મદદના બહાને લિફ્ટ આપનાર શખ્સની બાઇક પર છાત્રા વિશ્વાસ રાખી બેસી ગયા બાદ રસ્તામાં ચાલકની દાનત બગડી અને નાના લીમટવાડા ગામ આવતા પાછળ બેઠેલી છાત્રાનો હાથ પકડી શારીરિક અડપલાં કરતા તેણે વિરોધ કર્યો હતો. જોકે, તેણે દબાણ કરવા જતાં વિદ્યાર્થિની ચાલુ બાઇકે કૂદી પડી હતી. તેના ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે રાજપીપલા સિવિલમાં ખસેડાઇ હતી.

તુ મને મળવા આવીશ તો પરીક્ષા કેન્દ્ર સુધી મુકી જઇશ, ના પાડીશ તો નહીં આવું
વિદ્યાર્થિનીને લિફટ આપનાર બાઇક ચાલકે રસ્તામાં કહ્યું કે હું તડવી છું, ખાપરનો રહેવાસી છું. હાલ રાજપીપલામાં રહું છું. દસ-દસ બહેનોની ટીમ બનાવી બચતની જાહેરાતો કરુ છું. હપ્તો લેવા ઘાટોલી ગામે આવ્યો હતો. તેમ કહી વિદ્યાર્થિનીનો હાથ પકડી તું મને મળવા આવીશ તો જ હું પરીક્ષા કેન્દ્ર સુધી મૂકી જઇશ ના પાડીશ તો નહીં આવું તેમ કહી તેને બ્લેકમેઇલ કરવાનો પ્રયાસ કર્યો હતો.

વિદ્યાર્થિની ચાલુ બાઈક પરથી કૂદી પડતાં લંપટ ચાલક રાજપીપલા તરફ ભાગી ગયો
લંપટ બાઇક ચાલકે શારીરિક અડપલાં કરતાં વિદ્યાર્થિનીએ ચાલુ બાઇકે કૂદકો મારી દેતાં રોડ પર પટકાઇ હતી. તેને જોઇ બાઇક ચાલક રાજપીપલા તરફ ભાગી છૂટ્યો હતો. ચાલકે લાલ કલરનું શર્ટ અને કાળા કલરનું હેલમેટ પહેર્યું હતું. જોકે, તેણી બાઇકનો નંબર જોઇ શકી ન હતી. પરીક્ષા માટે જવાનું મોડુ થતું હોવાથી વિદ્યાર્થિની ચાલવા માંડી હતી.

જામનગરમાં વધુ એક સગીરા પર પાડોશી શખસે જ દુષ્કર્મ આચર્યું
બીજી તરફ જામનગરમાં સામુહિક દુષ્કર્મની ઘટના બાદ જામજોધપુરના વરવાળા પંથકમાં સાતેક માસ પુર્વે સગીરા પર દુષ્કર્મની ફોજદારી થઇ હતી જે બનાવના ગણતરીના દિવસોમાં જ જામનગરની વધુ એક સગીરા પર દુષ્કર્મ આચર્યાની ફરીયાદ પાડોશી શખ્સ સામે નોંધાઇ છે. જે બનાવમાં સંડોવાયેલા આરોપીને પોલીસે દબોચી લીધો છે. પાંચ દિવસમાં સગીરા પર કુકર્મના ત્રીજા બનાવથી હાલારમાં ચકચાર મચી હતી.

જામનગરના એક વિસ્તારમાં રહેતા એક પરીવારની પંદરેક વર્ષની સગીર વયની પુત્રી સાથે મિત્રતા કેળવી પાડોશી શખ્સે બે-ત્રણ માસ પુર્વે દુષ્કર્મ આચર્યુ હતુ.ત્યારબાદ પરીજનોને મારી નાખવાની ધમકી આપી કુકર્મ આચર્યુ હોવાનો બનાવ બહાર આવ્યો હતો.પીડિતાના પિતાએ પોલીસને અરજી આપી હતી જેની તપાસ બાદ આ વિગતો બહાર આવી હતી. આ બનાવમાં પીડિતાના પિતાની ફરીયાદ પરથી સીટી બી પોલીસે ઇબ્રાહિમ અબ્દુલભાઇ ચૌહાણ સામે દુષ્કર્મ અને પોકસો એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી લીધો છે જેના મેડીકલ પરીક્ષણ માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. શહેર-જિલ્લામાં છેલ્લા પાંચેક દિવસમાં સગીરા પર દુષ્કર્મનો આ ત્રીજો મામલો સામે આવ્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post