• Home
  • News
  • હેલ્થ ઇન્શ્યોરન્સ:કોરોનાની ટ્રીટમેન્ટ માટે ગુજરાતમાંથી રૂ. 273 કરોડના કુલ 17,700 ક્લેમ થયા, સંક્રમિતોની કુલ સંખ્યાના 18.35%એ ક્લેમ કર્યો
post

ઓગસ્ટ સુધીમાં કુલ 96,435 કોરોના દર્દીમાંથી ફક્ત 17,700 લોકોએ ક્લેમ કર્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-15 09:23:48

કોરોના આવ્યા બાદ લોકોમાં હેલ્થ ઇન્શ્યોરન્સને લઈને ઘણી જ અવેરનેસ આવી છે. હેલ્થ વીમા કંપનીઓના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં લોકોએ એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન આશરે રૂ. 1600 કરોડની હેલ્થ પોલિસી લીધી છે. ગત વર્ષે સમાન ગાળામાં ગુજરાતમાં રૂ. 1300 કરોડની પોલિસી વેચાઈ હતી. ક્લેમની વાત કરીએ તો ગુજરાતમાં કોવિડ-19ની ટ્રીટમેન્ટ માટે ઓગસ્ટના અંત સુધીમાં રૂ. 273 કરોડના ક્લેમ થયા છે. મનિપાલ સિગ્ના હેલ્થ ઇન્શ્યોરન્સના ચીફ ડિસ્ટ્રિબ્યુશન ઓફિસર શશાંક ચાપેકરના જણાવ્યા પ્રમાણે, આ સેગમેન્ટમાં 23% જેવી વૃદ્ધિ જોવા મળી છે.

દેશમાં થયેલા કુલ ક્લેમમાંથી 8.27% ગુજરાતમાંથી થયા
જનરલ ઇન્શ્યોરન્સ કાઉન્સિલ અને ઇન્શ્યોરન્સ કંપનીઓના જણાવ્યા મુજબ, અત્યારસુધીમાં કોરોના વાઇરસની ટ્રીટમેન્ટ માટે દેશભરમાંથી રૂ. 3,300 કરોડના કુલ 2.07 લાખ ક્લેમ મળ્યા છે, જેમાંથી 1.30 લાખ ક્લેમ માટે રૂ. 1260 કરોડ મંજૂર કરી દેવામાં આવ્યા છે. કોરોનાની ટ્રીટમેન્ટ માટે ગુજરાતમાંથી રૂ. 273 કરોડના કુલ 17,700 ક્લેમ કરવામાં આવ્યા છે. આ રીતે દેશમાં થયેલા કુલ ક્લેમમાંથી 8.27% ગુજરાતમાંથી થયા છે. સૌથી વધુ ક્લેમ મહારાષ્ટ્રમાંથી રૂ. 1,076 કરોડના 84,400 ક્લેમ થયા છે.

18.35% લોકોએ કોરોના ટ્રીટમેન્ટ ક્લેમ કર્યા
ગુજરાતમાં 31 ઓગસ્ટ સુધીમાં કોરોનાના 96,435 કેસ નોંધાયા હતા. તેવી જ રીતે આ સમય સુધીમાં હેલ્થ ઇન્શ્યોરન્સ હેઠળ કોરોનાની ટ્રીટમેન્ટ માટે રાજ્યમાંથી કુલ 17,700 ક્લેમ કરવામાં આવ્યા છે. આ હિસાબે કુલ નોંધાયેલા દર્દીઓમાંથી 18.35% લોકોએ ક્લેમ કર્યા છે. એક વ્યક્તિએ સરેરાશ રૂ. 1.55 લાખનો ક્લેમ કરેલો છે.

કોરોના બાદ લોકોનો દૃષ્ટિકોણ બદલાયો
કેર હેલ્થ ઇન્શ્યોરન્સના પ્રોડક્ટ્સ અને બિઝનેસ પ્રોસેસના હેડ આશુતોષ શ્રોત્રિયાએ જણાવ્યું હતું કે એક રિપોર્ટ મુજબ ભારતમાં અંદાજે 35% લોકો પાસે જ કોઈ ને કોઈ સ્વરૂપે હેલ્થ ઇન્શ્યોરન્સ છે. આવું જ કંઇક ગુજરાતમાં પણ છે. અત્યારસુધીમાં લોકોને હેલ્થકેર વીમા પર ખર્ચ કરવો બિનજરૂરી લાગતો હતો અથવા એને પ્રાધાન્ય આપવામાં આવતું ન હતું, પરંતુ કોરોના આવ્યા બાદ ગુજરાત સહિતનાં રાજ્યોમાં હેલ્થ ઇન્શ્યોરન્સને લઈને જાગરૂકતા આવી છે અને લોકો તેનું મહત્ત્વ સ્વીકારતા થયા છે.

યુવાનોમાં હેલ્થ ઈન્શ્યોરન્સ લેવાનું પ્રમાણ વધ્યું
મેક્સ બુપા હેલ્થ ઇન્શ્યોરન્સ દ્વારા કોરોના બાદ હેલ્થ ઇન્શ્યોરન્સની સ્થિતિ અંગે એક સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વે મુજબ યુવાનોમાં અગાઉ આરોગ્ય વીમાને લઈને બહુ ખાસ ઉત્સાહ ન હતો, પરંતુ કોવિડ-19 બાદની સ્થિતિમાં 35 વર્ષ સુધીના વયજૂથના લોકોમાં હેલ્થ માટે ઇન્શ્યોરન્સ લેવાનું પ્રમાણ વધ્યું છે. રિપોર્ટ મુજબ, આ ગ્રુપમાં પહેલાં 42% લોકો ઇન્શ્યોરન્સ લેવા ઈચ્છુક હતા, જે હવે વધીને 60% થયો છે. ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, કર્ણાટક, તામિલનાડુ જેવાં વિકસિત રાજ્યોમાં મહિલાઓ પણ આ અંગે ઘણી જ જાગ્રત છે. અગાઉ 57% મહિલાઓ પર્સનલ હેલ્થ ઇન્શ્યોરન્સ લેતી હતી. આ રેશિયો અત્યારે વધીને 69% થયો છે.

ગુજરાતીઓ હેલ્થ કવરનું મહત્ત્વ સમજે છે
આશુતોષ શ્રોત્રિયાએ કહ્યું હતું કે કોરોના આવ્યા બાદ, હેલ્થ ઇન્શ્યોરન્સ અંગે સમગ્ર દેશમાંથી પૂછપરછ વધી છે. ગુજરાતમાં પણ તેનું ઘણું ઊંચું પ્રમાણ છે. બીજું કે ગુજરાત એક વિકસિત રાજ્ય છે અને અહીંના લોકોમાં આરોગ્ય વીમા અંગે વધારે જાગરૂકતા છે. ગુજરાતમાં લોકો સમજે છે કે હેલ્થ ઇન્શ્યોરન્સમાં રોકાણ કરવાથી લાંબા ગાળા માટે ફાઇનાન્સિયલ સિક્યોરિટી પણ મળી રહે છે. જે ઇન્ક્વાયરી આવી રહી છે તે ફક્ત કોવિડની પોલિસી માટે નથી હોતી, પરંતુ અમને કોમ્પ્રિહેન્સિવ એટલે કે તમામ પ્રકારની ક્રિટિકલ બીમારીઓને કવર કરતી હોય એવી પોલિસી માટે પૂછપરછ આવે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post