• Home
  • News
  • સુરતમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ થતાં AAPના ધારાસભ્ય રોષે ભરાયા; કહ્યું- ગૃહ રાજ્યમંત્રી પોતાના હોમટાઉનમાં આવી ઘટના રોકવામાં નિષ્ફળ
post

આ કેસને ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવી પરિવારને ઝડપથી ન્યાય આપવામાં આવે: ચૈતર વસાવા

Written By newsonline | Ahmedabad | Published: 2023-06-27 19:37:56

આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા સુરતના સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. તાજેતરમાં ઈચ્છાપુર વિસ્તારમાં બાંધકામ સાઇડ પર આદિવાસી બાળકી પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. એને લઈને આદિવાસી નેતા તરીકે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સુરત સિવિલ હોસ્પિટલ ખાતે મુલાકાત માટે પહોંચ્યા હતા, જ્યાં તેમણે જણાવ્યું હતું કે હર્ષ સંઘવીને શરમ આવવી જોઈએ, પોતાના હોમટાઉનમાં આવી ઘટનાને રોકી શકતા નથી. તેમણે રાજીનામું આપી દેવું જોઈએ.

ભોગ બનનાર પરિવાર અને બાળકી સાથે મુલાકાત કરી
સુરતમાં ચાર વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ ગુજાર્યા બાદ સિવિલ હોસ્પિટલમાં તેને સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. બાળકીની સ્થિતિ જ્યારે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી ત્યારે લોહીલુહાણ હાલતમાં હતી અને ખૂબ જ નાજુક હતી. ડોક્ટરોએ તાત્કાલિક બે ઓપરેશન કર્યા હતા, ત્યાર બાદ બાળકીની સ્થિતિ હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. ચૈતર વસાવા આજે ડેડિયાપાડાથી આદિવાસી પરિવારની દીકરી સાથે થયેલી આ ઘટનાને લઈને તેમના પરિવારના પડખે ઊભા રહેવા માટે આવ્યા હતા. પરિવારજનો સાથે વાતચીત કરી હતી તેમજ બાળકીના ખબરઅંતર પણ પૂછ્યા હતા. ડોક્ટર પાસેથી બાળકીની સ્થિતિ અંગે માહિતી પણ મેળવી હતી.

હર્ષ સંઘવીએ રાજીનામું આપી દેવું જોઈએઃ ચૈતર વસાવા
ચૈતર વસાવાએ સિવિલ હોસ્પિટલમાં ભોગ બનનારી બાળકી અને તેના પરિવારને મળ્યા બાદ પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે આદિવાસી દીકરીઓ ઉપર આ પ્રકારની ઘટના સુરતમાં બનતી રહે છે, એને સરકારે ગંભીરતાથી લેવી જોઈએ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોતાના હોમટાઉનમાં આ પ્રકારની ઘટના પણ રોકી શકતા નથી. તેમને શરમ આવવી જોઈએ. હર્ષ સંઘવીએ તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ.

કેસને ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવા માગણી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ કેસને ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવી પરિવારને ઝડપથી ન્યાય આપવામાં આવે. આદિવાસીઓનું ટ્રાયબલનું જે બજેટ છે એમાં સરકારે આદિવાસીઓ માટે અહીં કામ કરવા આવનારાને વ્યવસ્થા આપવી જોઈએ. આ લોકો માટે રેનબસેરાની વ્યવસ્થા કરવી જોઈએ, જેથી કરીને તેઓ સુરક્ષિત રીતે રહી શકે.

 

adv

Related News

post
post
post
post
post
post
post