• Home
  • News
  • ગુજરાતમાં AAPની માઠી બેઠી:ગુજરાત યુનિવર્સિટીએ કેજરીવાલ સામે માનહાનિની ફરિયાદ કરી, ગોપાલ ઈટાલિયાની સુરતમાં ધરપકડ
post

પ્રતાપ જીરાવાલા (ચોવટીયા ) દ્વારા ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-17 18:53:02

છેલ્લા ત્રણેક દિવસથી ગુજરાતમાં આમ આદમી પાર્ટીને લઈને નવાનવા ઝટકા લાગી રહ્યા છે. સુરત કોર્પોરેશનના 10 કોર્પોરેટર ભાજપમાં ભળી ગયા છે. ત્યારબાદ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીની કુલસચિવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે વડાપ્રધાનની ડીગ્રી માગવા મુદ્દે માનહાનિની ફરિયાદ કરી છે. ત્યારે 17 એપ્રિલે સુરતમાં આપના ગુજરાતના પૂર્વ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અંગે વિવાદિત કોમેન્ટ બદલ ધરપકડ કરી છે.

ચૂંટણી ભાષણ મુદ્દે ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
પ્રતાપ જીરાવાલા (ચોવટીયા ) દ્વારા ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેના અનુસંધાનમાં આમ આદમી પાર્ટી નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્ર સહ-પ્રભારી ગોપાલ ઇટાલિયાની સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.વિધાનસભાની ચૂંટણી વખતે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી દ્વારા આક્ષેપ પ્રતિઆક્ષેપો થયા હતા. તે દરમિયાન પોતાના ચૂંટણી સંબોધનમાં જે તે સમયે તત્કાલિન આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ હર્ષ સંઘવીના વિરોધમાં ટિપ્પણીઓ કરી હતી, જેને ધ્યાનમાં રાખી ફરિયાદ થતાં આજે ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી.

રાજકીય નિવેદન બાદ ધરપકડ
વિધાનસભાની ચૂંટણી દરમિયાન ચૂંટણી પ્રચાર વખતે આપ નેતા ગોપાલ ઇટાલિયા દ્વારા ભાજપના નેતાઓ ઉપર સતત શાબ્દિક પ્રહારો કરવામાં આવ્યા હતા. સુરત શહેરમાં ચૂંટણીનો મિજાજ ખૂબ જ જામી ગયો હતો. તે દરમિયાન પોતાના રાજકીય નિવેદનમાં હર્ષ સંઘવી ઉપર સતત શાબ્દિક પ્રહાર કરવામાં આવતા હતા. રાજ્યમાં સતત ડ્રગ્સ પકડાતો હોવાને કારણે ગોપાલ ઇટાલિયા એ હર્ષ સંઘવીને ડ્રગ્સ સંઘવી તરીકે નિવેદન આપ્યું હતું. જે અંગે ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આજે ક્રાઈમ બ્રાન્ચે તેમની ધરપકડ કરી છે.

પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર ચંપલ ફેંકીને અપમાનિત કરતાં કૃત્યો પણ કર્યા. ગોપાલ ઇટાલિયાની દિલ્હીમાં અટકાયત કરાયેલી એ પહેલીવાર નથી થયું. અગાઉ પણ તેમની ચાર વખત ધરપકડ થઈ છે અને બેવાર અટકાયત થઈ છે. ભગવાન કૃષ્ણને રાક્ષસ કહીને અપમાનિત કરવા બદલ તેની સામે કેસ દાખલ થઈ ચૂક્યો છે.

ગોપાલ ઇટાલિયાની ક્યારે અને કયા કારણોસર ધરપકડ થઈ કે અટકાયત થઈ એ જાણીએ....

ઓગસ્ટ 2017 - પહેલી ઘટના
ગોપાલ ઇટાલિયા અમદાવાદ કલેક્ટર કચેરીમાં ક્લાર્ક હતા. પછી તેમની બદલી ધંધૂકા નાયબ કલેક્ટર ઓફિસમાં થઈ. ત્યાંથી તેમણે ભાજપ સામે નહોર ભરાવવાનું ચાલુ કર્યું. ઓગસ્ટ 2017માં ગાંધીનગર ખાતે વિધાનસભાની બહાર ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા જ્યારે મીડિયા સેન્ટર પાસે આવતા હતા ત્યારે ગોપાલ ઇટાલિયાએ તેમના પર ચંપલ ફેંક્યું હતું. આ ઘટના બાદ તરત જ ગોપાલ ઇટાલિયા પાસે ઊભેલા સુરક્ષાકર્મચારીઓ તેમને પકડી લીધા હતા, જોકે પ્રદીપસિંહને ચંપલ લાગ્યું નહોતું. ઇટાલિયા સામે આઇપીસી કલમ 332, 337, 352, 353, 355, 447 તથા કલમ 120(બી હેઠળ સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ ઘટનાથી એ ચર્ચામાં તો હતા જ, પણ જ્યારે તેમણે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ફોન કરીને રાજ્યમાં પ્રૉહિબિશનના કાયદાના નબળા અમલીકરણનો આરોપ લગાવી કોલ કર્યો હતો અને આ કોલનો ઓડિયો વાઇરલ થયો હતો. ત્યારથી ગોપાલ ઇટાલિયાનું નામ ચર્ચામાં વધારે આવી ગયું. આ ઘટના પછી થોડા દિવસોમાં જ આમ આદમી પાર્ટીએ તેને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઘોષિત કર્યા હતા.
જાન્યુઆરી 2019 - બીજી ઘટના
ગોપાલ ઈટાલિયાની આર્મ્સ એક્ટના ગુનામાં 2019ના જાન્યુઆરીમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની મદદથી આણંદની વલ્લભવિદ્યાનગર પોલીસે ધરપકડ કરી હતી. પાટીદાર આંદોલન સમયે તેના મેસેજવાળો વીડિયો વાઇરલ થયો હતો, જેમાં પોતે ભૂંડ સામે ભડાકા કરે છે એવું જણાવીને ભાજપ પર ટિપ્પણી કરી હતી. એવા વિવાદાસ્પદ વીડિયોને કારણે વિદ્યાનગર પોલીસે આર્મ્સ એક્ટના ગુનામાં ધરપકડ કરી હતી.

ઓગસ્ટ 2021 - ત્રીજી ઘટના
ગોપાલ ઇટાલિયાએ જનસંવેદના મુલાકાત કેમ્પેન ચલાવ્યું હતું. એ સમયે અલગ-અલગ ગામોમાં જન સંવેદના મુલાકાતમાં બીજા તબક્કાની શરૂઆત ઉમિયા માતાજીનાં દર્શન કરીને મુલાકાતની શરૂઆત કરવાની હતી. એ પહેલાં જ ઊંઝા નજીક ટોલનાકા પાસે મહેસાણા પોલીસે ઇટાલિયાની ધરપકડ કરી હતી. મહેસાણા પોલીસે એ સમયે એવું જણાવ્યું હતું કે ઇટાલિયાની અગાઉના એક કેસમાં ધરપકડ કરવામાં આવી છે.

ડિસેમ્બર 2021 - ચોથી ઘટના
ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ પર તોડફોડ કરવાના આરોપસર આમ આદમી પાર્ટીના નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં ગોપાસ ઇટાલિયા ઉપરાંત ઈસુદાન ગઢવી સહિતના નેતાઓ સામેલ હતા. આ નેતાઓની દસ દિવસ બાદ જેલમુક્તિ થઈ હતી.

મે 2022 - પાંચમી ઘટના
સુરતમાં આપના કોર્પોરેટરોને મારવાના બનાવ બાદ રાજકારણ ગરમાયું હતું અને આપ દ્વારા ભાજપ કાર્યાલય ખાતે વિરોધપ્રદર્શન કરવામાં આવ્યું. અમદાવાદ અને સુરતમાં વિરોધપ્રદર્શન થયાં. સુરતમાં ભાજપ કાર્યાલય પર આપ કાર્યકર્તાની બબાલ મામલે પોલીસે ગોપાલ ઇટાલિયાની ધરપકડ કરી હતી. તેના સામે રાયોટિંગનો ગુનો દાખલ થયો હતો.
સપ્ટેમ્બર 2022 - છઠ્ઠી ઘટના
ગોપાલ ઇયાલિયા વિરુદ્ધ ઉમરાળા પોલીસમાં એફઆઈઆર દાખલ થઈ હતી. તેમણે એક પ્રવચનમાં ભગવાન કૃષ્ણને રાક્ષસ ગણાવ્યા હતા. તેમણે કહેલું કે કૃષ્ણ અને ભાજપ જેવા રાક્ષસોના પંજામાંથી ગુજરાતને છોડાવવા કેજરીવાલ જેવા અર્જુન આવ્યા છે.

ઓક્ટોબર 2022 - સાતમી ઘટના
ગોપાલ ઈટાલિયાએ એક વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી અને આ વીડિયો વાઇરલ થતાં વિવાદ સર્જાયો હતો. આ મામલે વડાપ્રધાન મોદી સામે વાંધાજનક શબ્દપ્રયોગથી સમગ્ર દેશની મહિલાઓનું અપમાન થયાનું કહી NCW (મહિલા આયોગ)એ ઈટાલિયા સામે નોટિસ કાઢી હતી. ઈટાલિયા આ નોટિસનો જવાબ આપવા NCWની દિલ્હી સ્થિત ઓફિસ પહોંચ્યા હતા, પરંતુ એ પહેલાં જ તેમની ધરપકડ કરવામાં આવી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post