• Home
  • News
  • ‘મોદી હટાવો, દેશ બચાવો’ પોસ્ટરને લઈ AAP બેબાકળી:ઇસુદાને કહ્યું- ઇતિહાસમાં ક્યારેય આવી કલમો નોંધી ધરપકડ થઈ નથી, ભાજપની તાનાશાહી
post

રાજકોટ શહેરમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ અલગ અલગ વિસ્તારોમાં મોદી વિરોધી બેનરો લગાવી દેતાં પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-03 19:04:42

અમદાવાદ: આમ આદમી પાર્ટી દ્વારા અમદાવાદ સહિત રાજ્યનાં અલગ અલગ શહેરોમાં ભારતીય જનતા પાર્ટી અને મોદી વિરુદ્ધનાં બેનરો લગાવી વિરોધ કરવામાં આવ્યો હતો. જે મામલે અમદાવાદમાં આઠ જેટલા કાર્યકર્તાઓ સામે વિવિધ પોલીસ સ્ટેશનમાં ગુનાહિત ષડ્યંત્ર, ઉચ્ચ સાર્વજનિક મિલકતોને નુકસાન અને પ્રેસ પુસ્તક કલમ હેઠળ ગુના નોંધી અને તેમની ધરપકડ કરવામાં આવી હતી.

જાહેરમાં પોસ્ટર લગાવવા બદલ AAPના કાર્યકર્તાઓની સામે ગંભીર ગુનાની કલમો લગાવી ધરપકડ કરવામાં આવી છે, તેને આમ આદમી પાર્ટીએ ભાજપની હિટલરશાહી અને તાનાશાહી ગણાવી છે. આઝાદીના ઇતિહાસમાં ક્યારેય આવું બન્યું નથી કે, પોતાની અભિવ્યક્તિ રજૂ કરવા બદલ તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવે અને તેમની ધરપકડ કરવામાં આવે.

75 વર્ષમાં ક્યારેય આવી કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ નથીઃ ઈસુદાન
આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દેશભરમાં 11 ભાષાઓમાં 'મોદી હટાઓ, દેશ બચાવો'નાં પોસ્ટર લગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં પોસ્ટર લગાવવા બદલ આમ આદમી પાર્ટીના આઠ જેટલા કાર્યકર્તાઓ સામે વિવિધ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધવામાં આવ્યા હતા, જે ભાજપની હિટલરશાહી અને તાનાશાહી છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ડરાવવા અને ધમકાવવા માટે થઈ અને એક જ ગુનામાં અલગ અલગ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ ભાજપની તાનાશાહી છે. આઝાદીનાં 75 વર્ષમાં ક્યારેય આવી કલમો હેઠળ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી અને ધરપકડ થઈ નથી.

તમામ વ્યક્તિને પોતાની અભિવ્યક્તિ રજૂ કરવાનો હક છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ભારતના બંધારણે તમામ વ્યક્તિને પોતાની અભિવ્યક્તિ રજૂ કરવાનો હક આપ્યો છે, પરંતુ ભાજપ આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે. તેના કાર્યકર્તાઓ બહાર ન આવે અને ડરાવી ધમકાવી એક જ ગુનામાં અલગ અલગ પોલીસ ફરિયાદ નોંધી તેમની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે અમે કોર્ટમાં પણ જવાના છીએ. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા પોસ્ટરો લગાવવામાં આવ્યાં છે. જાહેર મિલકતોને કોઈપણ પ્રકારનું નુકસાન પહોંચાડવામાં આવ્યું નથી. છતાં પણ તે કલમો હેઠળ ગુનો નોંધી અને ધરપકડ કરવામાં આવી છે. ગુજરાતમાં અનેક પેપરો લીક થયાં છે. તાજેતરમાં જ બારમા ધોરણનું પેપર લીક થયું હતું. ગુજરાત વેચાઈ રહ્યું છે, તેની ચિંતા ભાજપને નથી, પરંતુ જ્યારે આમ આદમી પાર્ટીનો કોઈ કાર્યકર્તા પોતાની અભિવ્યક્તિ રજૂ કરે છે તો તેની સામે ક્યારેય ન નોંધાઇ હોય તેવી કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધી અને ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પોસ્ટરો લગાવાયાં હતાં
દેશભરમાં 11 ભાષાઓમાં 'મોદી હટાઓ, દેશ બચાવો'નાં પોસ્ટર લગાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવનાર છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પણ આમ આદમી પાર્ટી દ્વારા 'મોદી હટાઓ, દેશ બચાવો'નાં પોસ્ટરો લગાવી વિરોધ કરવામાં આવ્યો હતો. ગત બુધવારે મોડી રાત્રે નોબલનગર, સરદારનગર, વટવા, મણિનગર સહિતના વિસ્તારોમાં બેનરો લગાવવામાં આવ્યાં હતાં. જેમાં વિવિધ આઠ જેટલા કાર્યકર્તાઓની અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધી તેમની ધરપકડ કરવામાં આવી હતી.

શું હતો સમગ્ર મામલો?
અમદાવાદ શહેરમાં ગત 30 માર્ચને ગુરુવારની મોડી રાતે ઠેર-ઠેર 'મોદી હટાવો, દેશ બચાવો'નાં પોસ્ટર્સ લાગ્યાં હતાં. પોસ્ટર્સ લાગ્યાંની જાણ થતાં તાબડતોબ પોલીસ સક્રિય બની હતી. અલગ અલગ વિસ્તારો સર્ચ હાથ ધરીને પોસ્ટર્સ હટાવાયાં હતાં અને ગણતરીના કલાકોમાં જ આઠ AAPના કાર્યકરોની ધરપકડ કરી હતી.

રાજકોટમાં પણ પોસ્ટરો વોર શરૂ થઇ હતી
રાજકોટ શહેરમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ અલગ અલગ વિસ્તારોમાં મોદી વિરોધી બેનરો લગાવી દેતાં પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. રેસકોર્ષ રિંગ રોડ અને 150 ફુટ રિંગ રોડ પર ઓમનગર સર્કલ પાસે 'મોદી હટાવો, દેશ બચાવોનાં બેનરો લગાવવામાં આવ્‍યાં હતાં. જેને લઇ પ્રદ્યુમનનગર પોલીસે રેસકોર્ષ રિંગ રોડ પર આવાં બેનરો લગાવનારા ચાર AAP કાર્યકરોની ધરપકડ કરી હતી. જ્યારે માલવિયાનગર પોલીસમાં અલગ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર મામલે AAPના પ્રવક્તા શિવલાલ બારસિયાએ કહ્યું હતું કે, 'આ તો તાનાશાહી છે, અમારી લીગલ ટીમ કાયદાકીય પગલાં લેશે'.

પોલીસે ચાર કાર્યકર્તા સામે ગુનો નોંધ્યો
રાજકોટ આમ આદમી પાર્ટીના ચાર કાર્યકરો ચિરાગગીરી દિનેશગીરી ગોસ્‍વામી, કમલેશ ચૌહાણ, પ્રણય ગઢવી અને હિતેષ મેઘજીભાઇ વિરુદ્ધ આઇપીસી 120 (બી), 427 તથા પ્રેસ અને રજિસ્‍ટ્રેશન એક્‍ટ 1867ની કલમ 12 તેમજ પબ્‍લિક પ્રોપર્ટી એક્‍ટની કલમ 3 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, આરોપીઓએ કાવતરું ઘડી ગેરકાયદેસર રીતે પ્રિન્‍ટિંગ પ્રેસમાં મોદી હટાવો, દેશ બચાવો'નાં બેનરો બનાવી અને કેટલાંક બેનરો લગાવ્‍યાં છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post