• Home
  • News
  • રેસલર બજરંગ પુનિયાની મુશ્કેલીમાં વધારો, એન્ટી ડોપિંગ એજન્સીએ સસ્પેન્ડ કર્યો
post

NADAએ કહ્યું- સેમ્પલ આપ્યું નહોતું, રેસલરે જવાબ આપ્યો- એક્સપાયરી કિટ ટેસ્ટ માટે આપી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2024-05-06 11:34:30

નવી દિલ્લી: નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (NADA)એ કુસ્તીબાજ બજરંગ પુનિયાને અનિશ્ચિત સમય માટે સસ્પેન્ડ કરી દીધો છે. બજરંગ પુનિયાએ ડોપ ટેસ્ટ માટે પોતાના સેમ્પલ આપ્યા નહોતા, જેના પછી NADAએ આ કાર્યવાહી કરી છે. 10 માર્ચે, ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેવા માટે એશિયન ક્વોલિફાયર્સના નેશનલ ટ્રાયલ્સ દરમિયાન, નાડાએ બજરંગને તેના સેમ્પલ આપવા કહ્યું હતું. પરંતુ, બજરંગે સેમ્પલ આપવાનો ઈન્કાર કર્યો હતો. NADAએ વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી (WADA)ને જણાવવું પડ્યું કે એક એથ્લેટે પોતાનો સેમ્પલ કેમ સબમિટ ન કર્યો.

બજરંગે નોટિસનો જવાબ ન આપતાં કાર્યવાહી:

23 એપ્રિલે NADAએ બજરંગને નોટિસ આપી હતી અને 7 મે સુધીમાં જવાબ આપવા કહ્યું હતું. બજરંગે હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી અને તેથી તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. બજરંગ પુનિયાએ પોસ્ટ કરીને આનો જવાબ આપ્યો. તેણે લખ્યું- મેં ક્યારેય NADA અધિકારીઓને સેમ્પલ આપવાનો ઇનકાર કર્યો નથી, તેઓએ મને પહેલા મારા સેમ્પલ લેવા માટે એક્સપાયર્ડ કીટ આપી હતી. એક્સપાયર થયેલી કિટ પૂરી પાડનારાઓ સામે તેણે શું પગલાં લીધાં? આનો જવાબ આપો અને પછી મારો ડોપ ટેસ્ટ લો.

બે મહિના પહેલાં, ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેવા માટે યોજાયેલા ટ્રાયલ્સમાં, બજરંગ પુનિયાને ફ્રી-સ્ટાઈલ 65 Kg વજન વર્ગમાં રોહિતે 9-1થી હરાવ્યો હતો. સેમિફાઈનલમાં હાર્યા બાદ બજરંગ પુનિયા તરત જ ગુસ્સામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) સેન્ટરમાંથી બહાર નીકળી ગયો હતો. નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (NADA)ના અધિકારીઓએ પૂનિયાના ડોપ સેમ્પલ લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સેમ્પલ આપ્યા ન હતા.

બજરંગે ટ્રાયલ આપ્યા વિના એશિયન ગેમ્સ રમી હતી
બજરંગ પુનિયા ગયા વર્ષે ચીનમાં હેંગઝોઉ એશિયન ગેમ્સની સેમિફાઈનલ મેચમાં હારી ગયો હતો. એટલું જ નહીં, બ્રોન્ઝ મેડલ મેચમાં પણ બજરંગનો જાપાની રેસલર કે. યામાગુચીનો સામે 10-0થી પરાજય થયો હતો. તેની હાર બાદ સોશિયલ મીડિયા પર ઘણા લોકો ગુસ્સે થયા હતા, કારણ કે તેણે એશિયન ગેમ્સમાં ભાગ લેતા પહેલાં કોઈપણ સ્પર્ધાત્મક મેચમાં ભાગ લીધો ન હતો. ટ્રાયલ વિના આ રમતો માટે ભારતીય ટીમમાં તેનો સમાવેશ કરવા બદલ તેની ટીકા પણ થઈ હતી.