• Home
  • News
  • 61મા વર્ષે ફર્સ્ટ BAમાં એડમિશન લઈ 70મા વર્ષે પીએચડી કર્યું, BA-MAના 10માંથી 6 સેમમાં યુનિવર્સિટીમાં પ્રથમ રેન્ક
post

બાલકૃષ્ણ પંડ્યા વેદ વ્યાકરણમાં પીએચડી થયા, તેમના ગાઈડ તેમનાથી 12 વર્ષ નાના હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-14 08:46:11

70 વર્ષના બાલકૃષ્ણ પંડ્યા નોખી માટીના માનવી છે. 61મા વર્ષે ગુજરાત યુનિવર્સિટીમાં એફવાયબીએમાં રેગ્યુલર વિદ્યાર્થી તરીકે પ્રવેશ લઈ તેમણે એમએ કર્યું અને એ પછી 70મા વર્ષે વેદ વ્યાકરણમાં પીએચડીની ડિગ્રી મેળવી ભણવા માટે કોઈ ઉંમર હોતી નથી તે કથનને સાચું પાડ્યું છે.

તેમણે બીએ, એમએના કુલ 10 સેમિસ્ટરમાંથી છ સેમિસ્ટરમાં યુનિવર્સટીમાં પ્રથમ રેન્ક , જ્યારે બાકીના ચાર સેમિસ્ટરમાં બીજો અને ત્રીજો રેન્ક મેળવ્યો છે. સૌથી રસપ્રદ વાત એ છે કે તેમના પીએચડી ગાઈડ ડો. કમલેશ ચોકસી 58 વર્ષના જ્યારે વિદ્યાર્થી બાલકૃષ્ણ પંડ્યા 70 વર્ષના છે.

વિરમગામના ચુવાળ ડાંગરવાના વતની બાલકૃષ્ણ પંડ્યાએ પહેલા ગુજરાત યુનિવર્સિટીમાં એમએસસી (ઓર્ગેનિક કેમિસ્ટ્રી)ની ડિગ્રી મેળવી. તે પછીથી કેટલ ફૂડનો બિઝનેસ શરૂ કર્યો, પરંતુ તેમના પિતા હરિશંકર પંડ્યા સંસ્કૃતના પંડિત હોવાથી પિતાને શ્રદ્ધાંજલિ આપવા 2011માં એચ કે આર્ટસ કોલેજમાં એફવાય બીએમાં પ્રવેશ લીધો. તે પછી બીએની ડિગ્રી બાદ ભાષા સાહિત્ય ભવનમાં એમએની ડિગ્રી 2015માં મેળવી.

નિવૃત્તિની વયે કોલેજમાં પ્રવેશ લેવાની અભૂતપૂર્વ ઘટના
ગુજરાત યુનિવર્સિટી સાથે સંકળાયેલા વરિષ્ઠ શિક્ષણશાસ્ત્રીઓનું માનવું છે કે, ગુજરાત યુનિવર્સિટીમાં જીવનના છ દાયકા બાદ રેગ્યુલર વિદ્યાર્થી તરીકે અભ્યાસનો પ્રારંભ કરી બીએ,એમએની ડિગ્રી યુનિવર્સિટી ટોપર્સ તરીકે મેળવી હોય. તે પછી રેગ્યુલર વિદ્યાર્થી તરીકે પીએચડીની ડિગ્રી મેળવી હોય તેવી આ અભૂતપૂર્વ ઘટના છે.

શિવ આરાધના માટે સંશોધન
સંસ્કૃત વિભાગના ગાઈડ ડો. કમલેશ ચોકસીએ જણાવ્યું કે, પીએચડી પણ વેદ- વ્યાકરણ જેવા વિષયમાં ભગવાન શિવની આરાધના માટેની લોક પ્રસિદ્ધ રુદ્રી(રુદ્રાષ્ટાધ્યાયી)એટલે કે રુદ્રીના ઉચ્ચારણની વૈદિક પદ્ધતિ વિશે ઉંડાણથી શોધકાર્ય કર્યુ છે. તેમણે દેશ વિદેશ (બ્રિટિશ લાઈબ્રેરી,લંડન) ની બધી હસ્તપ્રતોનો પણ ઉપયોગ કર્યો છે. તે આનંદને ગૌરવની વાત છે.

ડિગ્રી પિતાને અર્પણ
પીએચડી બાલકૃષ્ણ પંડ્યાએ જણાવ્યું કે, મારા પિતા બનારસમાં બિરલા રાયપુર સંસ્કૃત પાઠશાળામાં પ્રધાન અધ્યાપક બન્યા હતા. તેમણે શ્રેષ્ઠી કસ્તુરભાઈ લાલભાઈની એલ ડી ઈન્ડોલોજી સંસ્થામાં રિસર્ચ સ્કોલરની સેવા આપી હતી. તેથી સંસ્કૃભાષા પ્રત્યે પ્રેમ હતો. તેથી સંસ્કૃતમાં બીએ,એમએ, પીએચડીની ડિગ્રી મેળવી છે જે મારી મારા પિતાને શ્રદ્ધાંજલિ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post