• Home
  • News
  • 20 કિમી લાંબા ટ્રાફિકજામનો આકાશી નજારો:25 કિમીનો રસ્તો પસાર કરવા 5 કલાકથી ભૂખ્યા-તરસ્યા બેઠેલા વાહનચાલકો, છેલ્લા 48 કલાકથી એક જ સ્થિતિ
post

ગતરોજ મોડી રાતથી અંકલેશ્વરની ખરોડ ચોકડી પર ખાડાઓને પગલે ભરૂચથી ખરોડ સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-25 18:33:42

ભરૂચ જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઇવે વરસાદને પગલે ધોવાતાં ભરૂચથી ખરોડ ચોકડી સુધી એક તરફ ટ્રાફિકજામ સર્જાયો હતો, જેને પગલે છેલ્લા 48 કલાકથી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. વડોદરાથી સુરત જતી લેનમાં ભરૂચના સરદારબ્રિજથી ખરોડ સુધી ચક્કાજામ જોવા મળી રહ્યો છે. હાલમાં હાઇવે પર 18થી 20 કિલોમીટર લાંબી વાહનોની કતારો સર્જાઈ ગઈ છે.

ખાડાઓનું સામ્રાજ્ય વધતાઁ વાહનચાલકોને હાલાકી
ચોમાસું શરૂ થતાં જ વિવિધ માર્ગોનું ધોવાણ થવાને પગલે રોડ બિસ્માર બની જાય છે. હાઇવે પર રવિવાર રાતથી સર્જાયેલી સ્થિતિને લઈ હજારો વાહનચાલકો કલાકો ફસાઈ ગયા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદ ખાબકતાં જ ભરૂચ જિલ્લામાંથી પસાર થતો હાઈવે અને બ્રિજ પર ખાડો પડવાનું શરૂ થઇ ગયું છે. બીજી તરફ, ખરોડ ચોકડી ઉપર બની રહેલા ઓવરબ્રિજનો સર્વિસ રોડ વરસાદને કારણે ધોવાતાં મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય વધતાં વાહનચાલકોને હાલાકી વેઠવી પડી રહી છે.

ભરૂચથી સુરત તરફના ટ્રેક ઉપર વાહનોની લાંબી કતાર
ગતરોજ મોડી રાતથી અંકલેશ્વરની ખરોડ ચોકડી પર ખાડાઓને પગલે ભરૂચથી ખરોડ સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો. જેના પગલે ભરૂચથી સુરત તરફના ટ્રેક ઉપર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. વાહન ચાલકો 18થી 20 કિલોમીટર સુધીના ટ્રાફિકજામમાં ફસાતાં હેરાનપરેશાન થયા હતા. હાઇવે ઉપર ખાડાઓનું સામ્રાજ્ય વધતા જ એક વાર ફરી ટ્રાફિકે હાઇવેને બાનમાં લીધો હતો. નવો સરદાર બ્રિજ પસાર કરી અંકલેશ્વર અને સુરત તરફ જવામાં હજારો વાહનચાલકોના કલાકો બગડવા સાથે ઇંધણનો પણ ધુમાડો થયો હતો.

અમે સવારે 7 વાગ્યાથી ટ્રાફિકમાં ફસાયા છીએ: વાહનચાલકો
કલાકોથી ટ્રાફિકમાં ફસાયેલા વાહન ચાલકો સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું કે, છેલ્લા 2 દિવસથી આ જ સ્થિતિ છે. અમે સવારે 7 વાગ્યાથી ટ્રાફિકમાં ફસાયા છીએ. એકવાર ચા મળી હવે તો પાણીના પણ ફાફા છે. ત્યારે અન્ય એક ચાલકે જણાવ્યું કે, સવારે ભરૂચનો પુલ પાર કર્યો ને ત્યારથી જ હેરાન થઈ રહ્યા છીએ. ભૂખ્યા તરસ્યા બેસીને ટ્રાફિક હળવો થવાની રાહ જોઈ રહ્યા છીએ. આ ટ્રાફિકનો નિકાલ કરે એવું પણ કોઈ છે નહીં.

adv

Related News

post
post
post
post
post
post
post