• Home
  • News
  • કેનેડામાં 13 વર્ષ પછી લઘુમતી સરકાર, જસ્ટિન ટ્રુડોને બહુમતી ન મળી છતાં સરકાર બનાવશે
post

કેનેડાની સંસદની 21મી ઓક્ટોબરે યોજાયેલી ચૂંટણીમાં કોઇ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી અને 13 વર્ષ પછી ફરી લઘુમતી સરકાર રચાશે

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-22 13:17:58

કેનેડા : કેનેડાની સંસદની 21મી ઓક્ટોબરે યોજાયેલી ચૂંટણીમાં કોઇ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી અને 13 વર્ષ પછી ફરી લઘુમતી સરકાર રચાશે. કેનેડાની સંસદમાં (હાઉસ ઓફ કોમન્સ)માં કુલ 338 બેઠકો છે. જેમાં સરકાર રચવા માટે બહુમતીનો 170 બેઠકોનો આંક મેળવવો જરૂરી છે. હાલના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની લિબરલ પાર્ટીને 158 બેઠક (2015માં 177 બેઠક મળી હતી) જ્યારે મુખ્ય વિપક્ષી નેતા એન્ડ્રુ શીઅરની કોન્ઝર્વેટિવ પાર્ટીને 120 બેઠકો મળી છે (2015માં 95 બેઠકો મળી હતી). અહીં ત્રીજા મોટા પક્ષ તરીકે એનડીપીના જગમિત સિંઘ હતા. જે ભારત વિરોધી ખાલીસ્તાન ચળવળને સપોર્ટ પણ કરે છે. તેમના પક્ષને ગઇ ચૂંટણીમાં 39 બેઠકો મળી હતી. આ વખતે તેમને 24 બેઠકો મળી છે. આશ્ચર્યજનક રીતે બ્લોક ક્યુબેક્વા પાર્ટીને 32 બેઠકો મળી છે (ગયા વખતે 10 બેઠકો મળી હતી) જે આ ચૂંટણીમાં ગેમ ચેન્જર સાબિત થઇ છે.

કોઇને સ્પષ્ટ બહુમતી ન મળે એવી પરિસ્થિતમાં ભારતની જેમ અહીં ખીચડી સરકાર નથી બનતી પણ માઇનોરિટી સરકાર બનાવવાની પ્રથા છે. બહુમતીના આંકથી જસ્ટિન ટ્રુડોને 12 બેઠકો ખૂટે છે એટલે તે મજબૂત લઘુમતી સરકાર કહી શકાય. છેલ્લે 13 વર્ષ પહેલાં એટલે કે 2006માં કોન્ઝર્વેટિવ પાર્ટીના સ્ટીફન હાર્પરે ઉપરા ઉપરી બે વખત (વાજપેયીની જેમ) લઘુમતી સરકાર બનાવી હતી. એ પછી તેમની સરકાર લાંબું ટકી નહોતી. તેમણે રાજીનામું આપી દીધું હતું અને ફરીથી ચૂંટણી લડી મેજોરિટી સાથે સરકાર બનાવી હતી અને નવ વર્ષ સુધી કેનેડાના વડાપ્રધાન રહ્યા હતા. એ પછી 2015માં જસ્ટિન ટ્રુડોની લિબરલ પાર્ટીએ 177 બેઠકો મેળવીને સંપૂર્ણ બહુમતીવાળી સરકાર પાંચ વર્ષ ચલાવી હતી.

સરકારમાં રહીને સત્તામાં ભાગીદાર બનવા કરતાં અહીં માઇનોરિટી સરકારને બહારથી ટેકો આપવાની પ્રથા વધુ છે. આનું મુખ્ય કારણ એ છે કે દરેક પાર્ટીએ ચૂંટણી લડતા પહેલાં તેમના એજન્ડા (આપણી ભાષામાં ચૂંટણી ઢંઢેરો) જાહેર કર્યો હોય છે. કેનેડિયન રાજકીય પાર્ટીઓ ચૂંટણી પછી પણ સગવડિયા લગ્ન કરવાને બદલે તેમના એજન્ડાને સ્પષ્ટપણે વળગી રહેવામાં માને છે. જો લઘુમતી સરકાર તેમના એજન્ડામાંથી અમુક મુદ્દાને સ્વીકારવા તૈયાર થાય તો બહારથી ટેકો આપે છે. મોટેભાગે આઉટ સાઇડ સપોર્ટ મુદ્દા આધારિત જ હોય છે.

સામાન્ય પરંપરા મુજબ ગર્વનર જનરલ વર્તમાન વડાપ્રધાનને જ સરકાર રચવાનું અને વિશ્વાસ મત જીતવાનું આમંત્રણ આપતા હોય છે. 2019ના પરિણામોમાં જસ્ટિન ટ્રુડોની પાર્ટી સિંગલ લાર્જેસ્ટ પાર્ટી છે અને ટ્રુડો વર્તમાન વડાપ્રધાન પણ છે એટલે સરકાર રચવાનું આમંત્રણ તેમને જ મળશે. ટ્રુડોએ અન્ય પક્ષોના ટેકાથી મુદ્દા આધારિત લઘુમતી સરકાર ચલાવવી પડશે જેના કારણે ટેકો આપનાર પક્ષના એજન્ડાને પણ ધ્યાનમાં લેવો પડશે અને પોતાની પૂરતી બહુમતી ન હોવાથી ઘણે ઠેકાણે સમાધાન કરવું પડશે. જસ્ટિન ટ્રુડો બીજી ટર્મમાં નબળા પડ્યા છે પણ આઉટ નથી થયા.

adv

Related News

post
post
post
post
post
post
post