• Home
  • News
  • સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બનતાં જામસાહેબે વડાપ્રધાન મોદીને પાઘડી ભેટ કરી હતી, પાઘડી બનાવનારે કહ્યું - ‘મને આનંદ થયો, નરેન્દ્રભાઈએ આપણી પાઘડી પહેરી’
post

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે પાઘડી પહેરી હતી એ પાઘડી જામનગરના વિક્રમસિંહ જાડેજાએ બનાવી છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-27 09:19:29

72માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન સૌ કોઇની નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પહેરવામાં આવેલી પાઘડી પર હતી. જામનગરમાં ખાસ બાંધણીમાંથી બનેલી આ પાઘડીએ સૌનું ધ્યાન એની તરફ આકર્ષિત કર્યું હતું. રાજવી પરિવાર માટે પાઘડી બનાવતા જામનગરના ફોક આર્ટિસ્ટ વિક્રમસિંહ જાડેજા સાથે ખાસ વાતચીત કરી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા ત્યારે મારી બનાવેલી પાઘડી તેમને ભેટ કરી હતી અને જ્યારે આજે તેમણે આ પાઘડી પહેરી ત્યારે જામસાહેબે મને કહ્યું કે મને ખૂબ આનંદ થયો કે નરેન્દ્રભાઈએ આપણી પાઘડી પહેરી છે.

સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બનતાં પાઘડી ભેટ કરી
વિક્રમસિંહે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીએ જે પાઘડી પહેરી છે એ જામનગરના જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ મારી પાસે તૈયાર કરાવી હતી. જામસાહેબે મને હુકમ કર્યો હતો કે નરેન્દ્રભાઈ માટે આપણે પાઘડી બનાવવાની છે. ખાસ તો સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષપદે નરેન્દ્રભાઈની વરણી થઇ ત્યારે તેમની ખુશીના પરિપાક રૂપે બાપુએ તેમને આ પાઘડી ભેટ કરી છે.

જામસાહેબે કહ્યું, મને ખૂબ આનંદ થયો નરેન્દ્રભાઈએ આપણી પાઘડી પહેરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જે પાઘડી પહેરી હતીએ પાઘડી બનાવનાર વિક્રમસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, જામ સાહેબને સમાચાર મળ્યા હશે એટલે તેમના સેક્રેટરીને અહીં મોકલ્યા હતા અભિનંદન આપવા માટે અને તેમની સાથે વાત કરાવવા માટે. જામ સાહેબ સાથે ફોન પર વાત થઇ તેમણે કહ્યું કે મને ખૂબ આનંદ થયો કે નરેન્દ્રભાઈએ આપણી પાઘડી પહેરી છે.

વડાપ્રધાને મારી બનાવેલી પાઘડી ધારણ કરી જામનગરનું ગૌરવ વધાર્યું
વિક્રમસિંહે જણાવ્યું હતું કે, 72માં પ્રજાસત્તાક દિન નિમિત્તે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે પાઘડી ધારણ કરી છે. એ હાલારી પાઘડી છે તેની લંબાઈ 9 મીટર જેટલી હોય છે. તેમાં ઘણી ડિઝાઈન પણ ઘણી બધી હોય છે. બાંધણીની છે. બાંધણીમાં છૂટો દાણો જેને કહી શકાય તેવી એ ડિઝાઈન છે. તેમને એ પાઘડી પહેરેલી જોઇ ખૂબ આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે સન્માનના રૂપે મારી બનાવેલી ઘણી બધી પાઘડી તેમણે પહેરી હતી પણ એક વડાપ્રધાન તરીકે જ્યારે એ પાઘડી તેમણે ધારણ કરી છે ત્યારે મને પણ ગૌરવ થાય છે અને તેમણે જામનગર અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

50 વર્ષથી પાઘડી બનાવે છે
વિક્રમસિંહે જણાવ્યું હતું કે, મારી 50 વર્ષની કારકિર્દી છે. કોલેજમાં ભણતો હતો ત્યારથી શોખ હતો એ સમયે હું સોણસળનો સાફો વરરાજાને બાંધી શકતો હતો. મારા પિતા સર્કલ ઓફિસર હતા અને સરસ સાફો બાંધી શકતા હતા. જોકે હું સાફો બાંધતા મારા બા પાસેથી શિખ્યો છું. આજે હું તેમને યાદ કરું છું અને આ ધન્યતાની લાગણી તેમના સુધી પહોંચાડું છું. લગભગ 1968-69ના વર્ષમાં મે પહેલીવાર મારા બનેવીના નાનાભાઈ કે જે ત્યારે વરરાજા હતા તેમને સોણસળનો સાફો બાંધ્યો હતો.

2001માં ગવર્નમેન્ટ ફોક આર્ટિસ્ટ તરીકે માન્યતા
વિક્રમસિંહે જણાવ્યું હતું કે, પાઘડી અને સાફાના ગવર્નમેન્ટ ફોક આર્ટિસ્ટ તરીકે મને 2001માં માન્યતા મળી છે. ત્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને તેમણે એક સરસ સ્કીમ બહાર પાડી કે જે લુપ્ત થતી કળાઓ છે તેમનું પ્રિઝર્વેશન થવું જોઇએ અને કલાકારોને ઓળખ આપવી જોઇએ. એટલે વખતે મે મારી ફાઈલ મોકલી હતી અને એ વખતે મને ગવર્મેન્ટ ઓફ ફોક આર્ટિસ્ટ પાઘડી એન્ડ સાફા તરીકે ઓળખ આપી હતી.

25 હજાર કરતા વધુ સાફો-પાઘડી બાંધ્યા
વિક્રમસિંહે જણાવ્યું હતું કે, 2015માં ભારતમાં સૌથી વધારે સાફો અને પાઘડી બાંધવા બદલ મને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું. ત્યારબાદ 2017માં દિલ્હી એક કાર્યક્રમમાં મને 6 દેશોએ મને માન્યતા આપી. આખા ભારતમાં મોટા-મોટા રજવાડાઓ મારી પાસે અલગ-અલગ પ્રકારની પાઘડી મારી પાસે બનાવડાવે છે. 2019માં 25 હજાર કરતા વધુ સાફો અને પાઘડી બાંધવા બદલ ગ્લોબલ આઇકોન એવોર્ડ મળ્યો હતો. મારી પાઘડી ઇંગ્લેન્ડ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા ગઇ છે અને હમણાં કચ્છી ભાટિયાની 50 જેટલી પાઘડી ઓમાન મોકલી છે.

રાજવી પરિવારના લગ્નમાં મને ખાસ બોલાવાય છે
વિક્રમસિંહે જણાવ્યું હતું કે, રાજવી પરિવારનો લગ્ન પ્રસંગમાં મને પાઘડીના હિસાબે ખાસ બોલાવવામાં આવે છે અને તેના કારણે આખા ભારતમાં ફરવાનું થાય છે. ખાસ કરીને અરવિંદસિંહજી ઓકમેવાડ, ડોંડાઇચાના જયકુમારસિંહજી, પટિયાલા મહારાજના દીકરીના લગ્નમાં મને બોલાવાયો હતો. ઉપરાંત ભુવનેશ્વરમાં બોલણગીર પટણાના મહારાજના બન્ને કુંવરના લગ્નમાં ઘણા સેલિબ્રિટીને પાઘડી બાંધી હતી. ભુતાનના રાજા જીગમેય વાંગચુક, પાકિસ્તાનના અમરકોટના હમિરસિંહજી શોઢા, નેપાળના લશ્કરના નિવૃત્ત જનરલ, બલરામપુર યુવરાજ, ધારના મહારાજ, બાબા રામદેવને મળવાનું થયું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post