• Home
  • News
  • યુરોપ પછી હવે લેટિન અમેરિકા, મધ્યપૂર્વ, આફ્રિકા અને દક્ષિણ એશિયાના દેશો કોરોના હોટસ્પોટ બની રહ્યા છે
post

બ્રાઝિલે મૃત્યુ બાબતે ઈટાલીને પાછળ મૂક્યું, પાક.-બાંગ્લાદેશ-નેપાળમાં ચેપગ્રસ્તો વધ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-06 11:48:55

ન્યૂોયોર્ક: મહિનાઓ સુધી વિજ્ઞાનીઓ એ રહસ્યનો ઉકેલ શોધવામાં લાગ્યા રહ્યા કે કોરોના સમૃદ્ધ પશ્ચિમી દેશોમાં શા કારણે વધુ ફેલાયો અને ગીચ વસ્તી-ઝૂંપડપટ્ટી ધરાવતા દેશો કેવી રીતે  બચેલા રહ્યા છે. જોકે, હવે કોરોના આ બચી ગયેલા દેશોમાં પણ ફેલાઈ ગયો છે. મધ્ય-પૂર્વ, લેટિન અમેરિકા, આફ્રિકા અને દક્ષિણ એશિયાના દેશો પણ હવે તેની ઝપટમાં આવી ગયા છે. કોરોનાના કારણે આ દેશોની હોસ્પિટલો અને કબ્રસ્તાન તો ઉભરાઈ જ રહ્યાં છે, પરંતુ એ નીતિનિર્માતાઓ પણ હતાશ થયા છે, જે અત્યાર સુધી વિચારતા હતા કે તેઓ સાચા નિર્ણય લઈ રહ્યા છે અને રોગચાળાની સૌથી ખરાબ અસરથી બચી જશે.

દક્ષિણ આફ્રિકા સૌથી વધુ પ્રભાવિત
ફ્લોરિડા યુનિવર્સિટીમાં બાયોસ્ટેટિસ્ટિક્સના પ્રોફેસર નતાલી ડીનના અનુસાર, કોરોના પર રિસર્ચમાં એવો પુરાવો જોવા મળ્યો નથી કે કોઈ દેશ તેનાથી બચશે. જોકે, યુરોપિયન દેશોએ તેના પર મોટા ભાગે કાબૂ મેળવી લીધો છે. ફિનલેન્ડમાં તે સમાપ્ત થવાની તૈયારી છે. ન્યુઝિલેન્ડમાં સળંગ 14મા દિવસે એક પણ કેસ આવ્યો નથી. ઈટાલી, સ્પેન અને  બ્રિટનમાં પણ નવા કેસ ઘટી ગયા છે. યુરોપમાં 27 એપ્રિલ પછી મૃત્યુની સંખ્યા સતત ઘટી રહી છે. જેની સામે મધ્ય પૂર્વના દેશ ઈજિપ્તમાં એક સપ્તાહમાં જ ચેપગ્રસ્તોની સંખ્યા બમણી થઈ ગઈ છે. લેટિન અમેરિકન દેશ બ્રાઝિલ, મેક્સિકોમાં પણ સ્થિતિ બગડી રહી છે. દક્ષિણ એશિયામાં પાક. અને બાંગ્લાદેશ તો આફ્રિકા ખંડમાં દક્ષિણ આફ્રિકા સૌથી વધુ પ્રભાવિત છે. 

લેટિન અમેરિકા: બ્રાઝિલમાં 4 દિવસમાં 1 લાખ કેસ, મેક્સિકોમાં 24 કલાકમાં 4 હજારથી વધુ કેસ 
બ્રાઝિલ કોરોનાથી થયેલાં મૃત્યુની બાબતે ઈટાલીને પાછળ મૂકી ત્રીજા નંબરે પહોંચી ગયું છે. બ્રાઝિલમાં કોરોનાથી કુલ 34 હજારથી વધુ લોકોનાં મોત થયાં છે. 6 લાખથી વધુ ચેપગ્રસ્ત છે. છતાં રિયો ડી જેનેરિયોના 1 લાખ સ્ટ્રીટ વેન્ડર્સને ગુરુવારથી કામ શરૂ કરવાની મંજૂરી અપાઈ છે. આ બાજુ મેક્સિકોમાં એક દિવસમાં જ વિક્રમી 4,442 કેસ સામે આવ્યા છે. અહીં 1 લાખથી વધુ પોઝિટિવ કેસ છે અને 12,545 મોત થયાં છે. રાષ્ટ્રપતિ એન્ડ્રેસ લોપેઝની દલીલ છે કે અન્ય દેશોની સરખામણીએ મેક્સિકોમાં ઓછાં મૃત્યુ થઈ રહ્યાં છે. 

આફ્રિકા: ઈજિપ્તમાં મૃત્યુનો દર 2%થી વધુ, કોરોના ફેલાય પછી દ.આફ્રિકામાં 24 કલાકમાં વિક્રમી સંખ્યા

ઈજિપ્તમાં રાષ્ટ્રપતિ અલ સીસી અને ડોક્ટરોમાં ચાલતા સંઘર્ષ વચ્ચે સપ્તાહમાં ચેપગ્રસ્તોની સંખ્યા બમણી થઈ છે. સુરક્ષા ઉપકરણોની અછત અને ટ્રેનિંગ ન મળવાથી ડોક્ટરોમાં ગુસ્સો છે. મૃત્યુનો દર 2%થી વધુનો છે. 30 હજાર ચેપગ્રસ્ત છે અને 1,126 મોત થયાં છે. સપ્તાહથી દરરોજ 1 હજાર કેસ આવ્યા છે. ખંડના ઈકોનોમિક પાવર હાઉસ મનાતા દ.આફ્રિકાએ માર્ચમાં લૉકડાઉન કર્યું હતું છતાં ગયા સપ્તાહે અનલૉક પછી ચેપગ્રસ્તોની સંખ્યા 40 હજારને પાર થઈ છે. છેલ્લા 24 કલાકમાં વિક્રમી 2367 કેસ આવ્યા અને 848 મોત થયાં છે. 

ખાડી દેશ: ઈરાનમાં ડિસ્ટન્સિંગ ઘટ્યું, કોરોનાના બીજા રાઉન્ડની આશંકા, સાઉદીમાં રોજના 1,900 કેસ 

ઈરાનમાં રોજના સરેરાશ 3 હજાર કેસ આવી રહ્યા છે. સોશિયલ ડિસ્ટન્સિંગ 40% રહ્યું છે. લોકોએ માસ્ક લગાવવાનું પણ છોડી દીધું છે.અહીં 8 હજારથી વધુ મોત થયાં છે અને 1.67 લાખ ચેપગ્રસ્ત છે. એપ્રિલના અંતમાં સરકારે અનલૉક શરૂ કર્યું હતું. જાહેર પરિવહન શરૂ થઈ ગયું છે, નાના વેપારીઓએ પણ કામ શરૂ કરી દીધું છે. નિષ્ણાતો હવે બીજા રાઉન્ડની આશંકા સેવી રહ્યા છે. સાઉદીમાં દરરોજ સરેરાશ 1,900 કેસ આવી રહ્યા છે. અગાઉ આ આંકડો 700નો હતો. આ જ કારણે હજ યાત્રા અંગે પણ હજુ નિર્ણય લેવાયો નથી. 

દક્ષિણ એશિયા: પાકિસ્તાનમાં 89 હજારથી વધુ ચેપગ્રસ્ત, બાંગ્લાદેશ, નેપાળમાં કેસમાં વધારો 


દ. એશિયાના દેશો પાકિસ્તાન, નેપાળ અને બાંગ્લાદેશમાં પણ હવે કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ સપ્તાહે બાંગ્લાદેશના રોહિંગ્યા કેમ્પમાં કોરોનાથી પ્રથમ મોત થયું છે. ત્યાં આવી અસંખ્ય શિબિર છે, એટલે આ સંકેત સારો નથી. બાંગ્લાદેશમાં અત્યાર સુધી 57 હજાર કેસ નોંધાઈ ચૂક્યા છે. નેપાળમાં કેસની સંખ્યા 2,600 થઈ છે. બે સપ્તાહ પહેલાંની સરખામણીએ કેસ બમણાથી વધુ થયા છે. પાકિસ્તાનમાં અમેરિકન રાજદ્વારીને પણ ચેપ લાગ્યો છે. અહીં ચેપગ્રસ્તોની સંખ્યા 89 હજારને પાર થઈ છે. છેલ્લા 24 કલાકમાં 896 કેસ સામે આવ્યા છે.

adv

Related News

post
post
post
post
post
post
post