• Home
  • News
  • મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ 3 ઘણો મોંઘો:અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટમાં 17મા વર્ષે માત્ર 6.5 કિમીનું જ કામ થયું, પ્રોજેક્ટ કોસ્ટ 3500 કરોડથી વધીને 12787 કરોડ સુધી પહોંચી
post

સપ્ટેમ્બર 2022 સુધીમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ પૂર્ણ કરવા કંપનીનો દાવો, ગાંધીનગરમાં મેટ્રોનું કામ હજુ શરૂ પણ થયું નથી

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-15 10:52:56

નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાંથી એક એવો ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે દોડનારી મેટ્રો રેલનો પ્રોજેક્ટ અનેક અડચણોને કારણે 17 વર્ષે પૂર્ણ થઈ શક્યો નથી. કોરોનાના કહેર બાદ ગુજરાતમાં જનજીવન શરૂ થતાંની સાથે અમદાવાદની મેટ્રો ટ્રેન પણ દોડતી થઇ હતી. જ્યારે તે પહેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મેટ્રો ટ્રેનના ફેઝ-1ની કામગીરીની સમીક્ષા કરી હતી. ત્યારે આ મેટ્રો ટ્રેન છેલ્લા 17 વર્ષમાં ફેઝ-1ના કુલ 39.25 કિ.મી.માંથી માત્ર 6.5 કિમીનું જ કામ થયું છે, જ્યારે મેટ્રોની પ્રોજેક્ટ કોસ્ટ રૂ. 3500 કરોડથી વધીને 12787 કરોડ સુધી પહોંચી ગઇ છે. અમદાવાદમાં મેટ્રો રેલની યોજના 2003નો પ્રોજેક્ટ વિચારણામાં આવ્યો હતો, જેને 17 વર્ષ થઈ ગયાં છે. મેટ્રો રેલ પ્રોજેક્ટનું કામ શરૂ થયા પછી પણ ચાર વર્ષનો અક્ષમ્ય વિલંબ થઈ રહ્યો છે. 2003માં જ્યારે મેટ્રો રેલનો પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો હતો ત્યારે પ્રોજેક્ટની કોસ્ટ 3500 કરોડ નિર્ધારિત કરવામાં આવી હતી.

કેન્દ્રની સૂચના છતાં 6.5 કિમી જ મેટ્રો રેલ શરૂ થઈ શકી છે
મેટ્રો પ્રોજેક્ટ શરૂ થાય એ પહેલાં જ ગુજરાત સરકારને કેન્દ્ર સરકારની સૂચના હતી કે મેટ્રો રેલનું કામ 2018માં પૂર્ણ થઈ જવું જોઈએ, પરંતુ અત્યારસુધીમાં માત્ર સાડાછ કિલોમીટરની મેટ્રો રેલ શરૂ થઈ શકી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 2019માં લોકસભાની ચૂંટણી સમયે મેટ્રો ટ્રેનમાં બેસીને ચૂંટણીપ્રચાર કરવાના હતા, પરંતુ તેમની આ ઇચ્છા અધૂરી રહી હતી.

મેગા કંપનીનો 2022માં પ્રોજેક્ટ પૂરો કરવાનો દાવો
બીજી વખત જ્યારે 2007માં આ પ્રોજેક્ટ આગળ વધારવાની ચર્ચા થઈ ત્યારે પ્રોજેક્ટ કોસ્ટ રૂ. 8 હજાર કરોડ થવાની હતી. 2017માં મેટ્રો રેલના પ્રોજેક્ટની કોસ્ટ રૂ. 10773 કરોડ નિર્ધારિત કરવામાં આવી હતી, પરંતુ હવે વિલંબ થતાં પ્રોજેક્ટની કોસ્ટ વધીને રૂ. 12787 કરોડ થઈ ચૂકી છે. આ પ્રોજેક્ટમાં જેટલો વિલંબ થાય છે તેટલો ખર્ચ વધી રહ્યો છે. હવે મેગા કંપનીએ સપ્ટેમ્બર 2022માં અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ પૂર્ણ કરાવવાનો દાવો કર્યેા છે.

ગાંધીનગર મેટ્રો ટ્રેનનો અંદાજિત ખર્ચ રૂ. 6700 કરોડ, પણ વિલંબ થશે તો કોસ્ટ વધશે
ગુજરાતમાં ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે મેટ્રો રેલ દોડવાની હતી. અમદાવાદમાં જ હજુ મેટ્રો રેલના ઠેકાણાં નથી. ત્યારે ગાંધીનગરમાં મેટ્રો રેલ ક્યારે શરૂ થશે એ અનિશ્ચિત છે. હાલ ગાંધીનગરના માર્ગેાની મેટ્રો રેલની કોસ્ટ રૂ. 6700 કરોડ અંદાજવામાં આવી છે, પરંતુ જો એમાં પણ વિલંબ થશે તો આ કોસ્ટ વધીને રૂ. 10 હજાર કરોડ થવાની સંભાવના છે. ગાંધીનગર મેટ્રો માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે તેમ છતાં પ્રોજેક્ટ અંગે કોઈ કામ શરૂ થયાં નથી. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સમીક્ષા બેઠકો કરે છે, પરંતુ કામમાં ઝડપ આવતી નથી.

ચૂંટણીપ્રચાર પહેલાં મોદીએ ટ્રેનને લીલીઝંડી આપી મુસાફરી કરી હતી
અમદાવાદની મેટ્રો રેલ વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધી ચાલે છે, જેની પેસેન્જરદીઠ ટિકિટ 10 રૂપિયા છે. આ ટ્રેનમાં રોજના 100 પેસેન્જર બેસે છે. 6.5 કિલોમીટરના આ મેટ્રોનું લોકાર્પણ માર્ચ 2019માં કરવામાં આવ્યું હતું, ત્યાર પછી બીજો કોઈ રૂટ શરૂ થઈ શક્યો નથી.

અમદાવાદ મેટ્રો ટ્રેનની તવારીખ

·         2003માં મેટ્રો ટ્રેન માટે ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ રચાયું

·         2005માં ગુજરાત સરકારે મેટ્રો રેલનો પ્રોજેક્ટ રિપોર્ટ મૂકતા કેન્દ્ર સરકારે મંજૂરી આપી

·         2005માં પ્રોજેક્ટને પડતો મૂકી BRTS બસ સર્વિસને અગ્રતા આપી

·         2010માં ગુજરાત મેટ્રો રેલ રેલ કોર્પોરેશન નવું નામકરણ કરાયું

·         2014માં ઓક્ટોબરમાં ફરી કેન્દ્ર સરકારે ફેઝ-1 માટે મેટ્રો પ્રોજેક્ટ મંજૂર કર્યો

·         2015માં 14 માર્ચે ફેઝ–1ની કામગીરીનો આરંભ થયો

·         2018માં ડિસેમ્બરના અંતમાં મુ્ન્દ્રા પોર્ટ પર 3 કોચ ઉતારાયા

·         2019માં 28 ફેબ્રુઆરીએ મેટ્રો ટ્રેનના 28 કિમીના ફેઝ–2ની કેન્દ્ર સરકારે મંજૂરી આપી

·         2019માં 4 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધીની મેટ્રો ટ્રેન સેવાને લીલીઝંડી આપી મુસાફરી કરી

·         2019માં 6 માર્ચથી જાહેર જનતા માટે 6.5 કિમીની વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધીના રૂટની મેટ્રો ટ્રેન શરૂ થઈ

·         2020માં જાન્યુઆરીથી ફેઝ-2ની મેટ્રો રૂટ પર કન્સ્ટ્રક્શન કામગીરી શરૂ થઈ

·         2020માં 28 ઓગસ્ટે એપરલ પાર્કથી શાહપુર સુધીની અંડરગ્રાઉન્ડ ડબલ ટનલનું ખોદકામ પૂર્ણ

·         2020માં કોરાનાના કારણે માર્ચમાં મેટ્રો ટ્રેન ચલાવવું બંધ કરવામાં આવ્યું

·         2020માં 7 સપ્ટેમ્બરથી ફરી કોરોના ગાઈડલાઈન મુજબ મેટ્રો ટ્રેન શરૂ કરાઈ

 

adv

Related News

post
post
post
post
post
post
post