• Home
  • News
  • અમદાવાદની કોવિડ હોસ્પિટલમાં 200 ડૉક્ટરોની જરૂર, રૂ. 60 હજારનું સ્ટાઈપેન્ડ છતાં માત્ર એક જ ડોક્ટરે અરજી કરી
post

હંગામી ધોરણે નોન પીજી જુનિયર રેસિડેન્ટ ડોક્ટરની 3 માસ માટે ભરતીની જાહેરાત અપાઈ હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-15 08:58:15

અમદાવાદ: દેશમાં સતત વધતાં જતાં કોરોનાના દર્દીને સઘન સારવાર મળી રહે તે માટે એમસીઆઇએ બહાર પાડેલી એડવાઇઝરી મુજબ કોવિડ હોસ્પિટલમાં કામગીરી માટે બી.જે. મેડિકલ કોલેજમાં નોન પીજી જુનિયર રેસિડેન્ટ ડોકટરોની ભરતી માટે બી.જે. મેડિકલ કોલેજ સહિત સમાચાર પત્રોમાં જાહેરાત કરાઇ છે. આ મુજબ 6 મેથી 15 મે દરમિયાન અરજી કરવાની હતી, પણ હાલમાં કોવિડ હોસ્પિટલમાં 200 જુનિયર ડોકટરની જરૂર સામે માત્ર 1 જ અરજી આવી હોવાનું જાણવા મળ્યું છે. 


બી.જે. મેડિકલ કોલેજના પીજી ડાયરેકટર ડો. નીતા મહેતાએ જણાવ્યું હતું કે, હાલમાં અમદાવાદમાં કોરોનાના પોઝિટિવ કેસ વધુ હોવાથી ડોકટરોની જરૂરિયાત વધારે છે, ત્યારે ડોકટરોની નવી બેચ આવતાં વાર લાગશે.  જેથી એમસીઆઇએ એડવાઇઝરી બહાર પાડી છે કે, આ સ્થિતિમાં થર્ડ યર રેસિડેન્ટને ચાલુુ રાખવા તેમજ કોવિડ-19ની કામગીરી માટે નોન પીજી જુનિયર રેસિડેન્ટ ડોકટરની ત્રણ મહિનાના હંગામી ધોરણે પ્રતિ માસ રૂ. 60 હજારના સ્ટાઇપેન્ડ સાથે ભરતી કરવી. 


જેને પગલે બી.જે. મેડિકલ કોલેજ ખાતે નોન- પીજી જુનિયર રેસિડેન્ટ ડોકટરોની ભરતી પ્રક્રિયા શરૂ કરી છે. જેમાં બહારગામથી આવતાં લોકોને રહેવાની વ્યવસ્થા અપાશે, તેમજ કોવિડ હોસ્પિટલમાં ડ્યૂટી કરતાં ડોકટરોને જમવાની પણ સુવિધા ઓફર કરાઈ હતી. આ અંગે બી.જે. મેડિકલ કોલેજમાં પીજી ડાયરેકટરની ઓફિસમાં 6 મેથી 15 મે સુધી સવારે 11થી 1 વાગ્યા દરમિયાન રૂબરૂ હાજર રહેવાની જાહેરાત કરાઇ છે. અત્યાર સુધીમાં 1 અરજી આવી છે. હોસ્પિટલના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યુ હતું કે, વધતાં જતાં કેસને પગલે 200 જુનિયર ડોક્ટરો પણ ઓછા પડે તેમ છે.