• Home
  • News
  • અમદાવાદના આધેડનો વડોદરામાં આપઘાત, સ્યૂસાઈડનોટમાં 10 લોકોના નામ,‘મને બહુ હેરાન કરે છે, 2.41 કરોડ આપી દીધા છે, મારો ભાગીદાર પણ જવાબદાર’
post

વડોદરાની એમિટી હોટલમાંથી અમદાવાદના બોપલ વિસ્તારના આધેડનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-08 11:39:10

વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલી એમિટી હોટલમાં અમદાવાદના આધેડે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ત્યારે આધેડની સ્યૂસાઈડ નોટ મળી આવી છે. જેમાં અલ્પેશભાઈએ 10 લોકોના નામ લખ્યાં છે અને સાથે સાથે નાણાંકીય લેવડ-દેવડ અંગે પણ અલ્પેશભાઈએ લખ્યું છે. સ્યૂસાઈડ નોટમાં અલ્પેશભાઈએ આ સમગ્ર ઘટના મામલે ભાગીદારને જવાબદાર ઠેરવ્યો છે. આ ઉપરાંત આરોપીઓ વારંવાર અલ્પેશભાઈ તથા તેમના પરિવારને મારી નાખવાની ધમકી આપી હેરાન-પરેશાન કરતા હોવાનો ઉલ્લેખ પણ કર્યો છે. ત્યારે આજે સવારે પોસ્ટમોર્ટમ કરાયા બાદ મૃતદેહ તેના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.

અલ્પેશભાઈએ લખેલી અક્ષરસઃ સ્યૂસાઇડ નોટ
શ્રી ખોડિયાર માં, નાગાર્જુનભાઈ, ભરતભાઈ ભુતીયા, નરેન્દ્રસિંહ વાઘેલા, મેઘરાજભાઈ, અનિરુદ્ધસિંહ સનાથલ, મુકેશભાઈ વાઘેલા, લાલો વાઘેલા, લકી વાઘેલા, ભરતસિંહ જોધા, અમિત ખુટ બાપુનગર આ બધા લોકો મને બહુ જ હેરાન-પરેશાન કરે છે. આથી હું થાકી કંટાળી આત્મહત્યા કરું છું. મારા ઘરવાળાનો કોઈ વાંક નથી. લોકડાઉનમાં પેમેન્ટ આવતું નથી. અગાઉ એક મહિના પહેલા બે કરોડ એકતાલીસ લાખ લોકોને આપેલા છે. મને વારે-વારે દબાણ કરાવામાં આવે છે અને મારી નાખવાની ધાક-ધમકીઓ આપે છે. તેમજ તારા છોકરાને મારી નાખીશ એવું કહે છે. મારા ભાગીદાર નરેન્દ્રસિંહ આના જવાબદાર છે. મને બહુ માનસિક રીતે હેરાન કર્યા છે અને એ પણ બે કરોડ કમાઇને બેઠો છે અને મને સહકાર આપતો નથી. હું આત્મહત્યા કરવા જઈ રહ્યો છું. જયા આ લોકોને છોડતી નહીં, બહુ પૈસા કમાવીને લઇ ગયા છે. દિલિપ મારા છોકરાનું, ઇલેશ, રાકેશભાઈ મારા છોકરાનું ધ્યાન રાખજે. આ બધુ કરવા પાછળ નરેન્દ્રસિંહ વાઘેલા મારો ભાગીદાર છે તેનો હાથ છે. પૈસા કમાઈને ઘરે લઈ ગયો છે અને બજારની તકલીફ છે તો કોઈ સપોર્ટ આપતું નથી. મને ક્યાયથી સપોર્ટ મળે એમ નથી માટે હું આ પગલું ભરું છું. કુશ મમ્મીનું કહ્યું માનજે જો મેં ના માન્યું તો આ પરિણામ આવ્યું. વિધી હું તારા અરમાન પૂરાં ના કરી શક્યો એનું મને બહુ દુખ છે. મને માફ કરી દેજે. બેટા હું બહુ થાકી ગયો છું માટે આ પગલું ભરું છું. મને છોકરા માફ કરજો. તમારી ઉંમર થઈ પણ હું કાંઈ કરી ના શક્યો લોકોને કમાઈ કમાઈને આપ્યું છે.

આરોપીઓ અલ્પેશભાઇ અને તેમના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા
મૃતકની પત્ની જયાબેન અલ્પેશભાઇ પટેલે આપેલી ફરિયાદ પ્રમાણે આરોપીઓ તેમના પતિ પાસેથી બળજબરીપૂર્વક રૂપિયા કઢાવવા માટે અવારનવાર માંગણી કરતા હતા અને અલ્પેશભાઇ અને તેમના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હતા અને અલ્પેશભાઇને મરવાની દુષ્પ્રેરણા આપતા હતા.

 

હોટલમાંથી ચેકઆઉટનો સમય થવા છતાં રૂમની નીકળ્યા નહોતા
અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી પાગટ્ય રેસિડેન્સી રહેતા 49 વર્ષીય અલ્પેશભાઇ નાગજીભાઇ પટેલ સોમવારે સાંજે સયાજીગંજ વિસ્તારમાં આવેલી એમિટી હોટલમાં રોકાયા હતા. હોટલમાંથી તેઓને રૂમ નં-5 ફાળવવામાં આવ્યો હતો. હોટલમાં તેઓને આઇ.ડી. પ્રૂફ તરીકે પોતાનું આધાર કાર્ડ આપ્યું હતું. મંગળવારે તેઓને ચેકઆઉટ થવાનું હતું, પરંતુ, તેઓ તેઓનો સમય પૂરો થવા છતાં રૂમમાંથી ન નીકળતા હોટલ દ્વારા તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન તેઓ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા.

પોલીસે પરિવારને જાણ કરતા મૃતકના ભાઇ વડોદરા પહોંચ્યા
દરમિયાન આ બનાવની જાણ સયાજીગંજ પોલીસને કરવામાં આવતા પોલીસ દોડી આવી હતી. અને લાશનો કબજો લઇને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. બીજી બાજુ અલ્પેશભાઇ પટેલના આપઘાતની જાણ તેઓના પરિવારને કરવામાં આવતા તેમના ભાઇ મંગળવારે મોડી રાતે વડોદરા આવી પહોંચ્યા હતા. પોલીસે મૃતકના ભાઇ પાસેથી પ્રાથમિક વિગતો મેળવીને આપઘાતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. અને આજે સવારે અલ્પેશભાઇની લાશનું પોસ્ટમોર્ટમ થયા બાદ લાશ પરિવારને અંતિમ વિધી માટે સુપરત કરી હતી.

આધેડે નાણાંની લેવડ-દેવડમાં આપઘાત કર્યો હોવાનું ખુલ્યું
સયાજીગંજ પોલીસ મથકના પોલીસ જવાન લંગેશભાઇએ જણાવ્યું હતું કે, અમદાવાદના અલ્પેશભાઇ પટેલે નાણાંની લેવડ-દેવડમાં આપઘાત કરી લીધો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઇ આવ્યું છે. પોલીસે મૃતકની પત્ની જયાબેન અલ્પેશભાઇ પટેલની ફરિયાદના આધારે 10 આરોપી સામે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post