• Home
  • News
  • શહેરનાં નારોલ વિસ્તારમાં આવેલી જિંદાલ કાપડની ફેકટરીમાં આગ લાગતા કરોડો રૂપિયાનું કાપડ બળીને ખાખ
post

શહેરનાં નારોલ વિસ્તારમાં આવેલી જિંદાલ કાપડની ફેકટરીમાં આગ લાગતા કરોડો રૂપિયાનું કાપડ બળીને ખાખ થયું છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-30 12:37:46

 અમદાવાદ :શહેરનાં નારોલ વિસ્તારમાં આવેલી જિંદાલ કાપડની ફેકટરીમાં આગ લાગતા કરોડો રૂપિયાનું કાપડ બળીને ખાખ થયું છે. ગઇકાલે મોડી રાતથી ફાયરનાં 30થી વધુ વાહનો આગ બુઝાવવા કામે લાગ્યા હતા. આજે સવારે પણ આગ કાબુમાં આવી નથી. હાલ પણ આગ બુઝાવવાની કામગીરી ચાલુ જ છે. સદનસીબે આ કંપનીમાં દિવાળીની રજાઓ ચાલુ હોવાને કારણે કોઇ જાનહાની થઇ નથી.

શહેરનાં નારોલ વિસ્તારમાં કોઝી હોટલ પાસે આવેલ જિંદાલ કાપડની ફેકટરીમાં સાંજના 7 કલાકે અચાનક આગ લાગી હતી. કાપડની ફેકટરીમાં 3 માળે રાખેલા કાપડમાં અચાનક આગ લાગતાંની સાથે ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આગ બુઝાવવા માટે સતત લાખો લિટર પાણીનો મારો ચલાવ્યો હતો. કાપડનો મોટો જથ્થો ત્યાં હોવાના કારણે ફાયરની ટીમને આગ પર કાબૂ મેળવવા માટે મુશ્કેલી પડી હતી.

કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ ડી. એલ. પટેલે જણાવ્યું હતું કે, દિવાળીનો તહેવાર હોવાથી કંપની બંધ હતી અને અચાનક જ આગ લાગી હતી. પરંતુ 20 જેટલા સિક્યુરીટી ગાર્ડ અને ફાયર સેફ્ટીનાં સાધનો હોવાથી આગને કાબુમાં લેવાની શરુઆત કરી હતી પરંતુ આગ કાબુ ન આવતા ફાયર બ્રિગેડને જાણ કરી હતી આગ લાગવાનું કારણ એફએસએલના રિપોર્ટ બાદ જ સામે આવશે. કરોડોની કિંમતનું કાપડ આગની લપેટમાં આવ્યું છે. આગ કાબુમાં આવ્યા પછી જ નુકશાનીનો આંક સામે આવશે.

 ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે જણાવ્યું હતું કે, આ આગ બુઝાવવા માટે 100 જેટલા જવાનો કામે લાગ્યા છે પરંતુ આગ કાપડમાં લાગી હોવાથી કાબુમા આવતા ઘણો સમય જશે અને પાણીનો જથ્થો જેટલી ઝડપથી મળે તેટલી જલ્દી આગ કાબુમા આવશે. આગ લાગતાં ફેકટરીનાં ત્રીજા માળ પર રાખેલું લાખો રૂપિયાનું કાપડ બળીને ખાખ થઈ ગયું છે. કાપડ હોવાનાં કારણે આગ વધારે ફેલાઈ હતી. જેના કારણે ફાયર બ્રિગ્રેડની ટીમે બ્રિગેડ કોલ જાહેર કરીને 30થી વધારે ફાયરની ગાડી તેમજ 80થી વધારે ફાયરનાં જવાનો આગ બુઝાવવા કામે લાગ્યા હતા .