• Home
  • News
  • માર્ચમાં પરણવા પાકિસ્તાન ગયેલા અમદાવાદી CA લોકડાઉનને કારણે 6 મહિને પરત, પ્રેગ્નન્ટ પત્ની હજુ પણ પાકિસ્તાનમાં જ
post

મંત્રી પ્રદિપસિંહના દિશાસુચન, NRG ફાઉન્ડેશન અને ભારતીય સિંધુ સભાના સહકારથી ગુજરાતીઓ પાકિસ્તાનથી પરત ફર્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-18 11:04:55

કોરોના મહામારીએ સમગ્ર માનવજાતના જીવનમાં ધરમૂળથી પરિવર્તન લાવી દીધી છે. તેમાં પણ દેશમાં 25 માર્ચથી 31 મે સુધી લાગેલા લોકડાઉને અનેક લોકોને સ્વજનોથી વિખૂટા પાડી દીધા હતા. તો બીજી તરફ ઘણા લોકો મહિનાઓ સુધી વિદેશમાં પણ ફસાઈ ગયા હતા. લોકડાઉન બાદ આ તમામ લોકોને પરત લાવવા સરકારે અનેક પ્રયાસો શરૂ કર્યા હતા.તાજેતરમાં ગુજરાતમાં પણ એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના યુવાન અને વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અવિનાશભાઇ માર્ચ મહિનામાં લાડી લેવા (પરણવા)પાકિસ્તાન ગયા હતા. પરંતુ તેમના લગ્ન થયા બાદ તુરંત જ લોકડાઉન લાગુ થયું. જેને કારણે તેઓએ માતા સાથે પાકિસ્તાનમાં જ રોકાવું પડ્યું. તેમાં પણ જ્યારે ભારત પરત ફરવાનો સમય આવ્યો ત્યારે એક વિટંબણા આવી છે.અવિનાશભાઇના પાકિસ્તાનના નાગરિક એવા પત્નીની લોંગ ટર્મ વિઝાની ફ્રેશ એપ્લિકેશન કરી હોવાથી પતિ સાથે ભારત આવી શકે તેમ નહોતા. જેને કારણે હાલ પ્રેગ્નન્ટ એવા અવિનાશભાઇના ધર્મપત્ની પાકિસ્તાનમાં જ છે.

અમદાવાદમાં અવિનાશભાઈ પત્નીની રાહમાં
તો બીજી બાજુ અવિનાશભાઇ તેમના 58 વર્ષીય માતા સાથે અમદાવાદ પરત ફર્યા છે. અવિનાશભાઇને પત્નીની જરૂરી દસ્તાવેજી કામગીરી પુરી થાય અને તેણી જલ્દીથી ભારત આવી જાય તેની રાહમાં છે. કોરોના સંક્રમણની વૈશ્વિક મહામારી અને ત્યારબાદ દુનિયાભરના દેશોએ અપનાવેલા લોકડાઉનને કારણે આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય સીમાઓ પણ બંધ કરવામાં આવી હતી.

દુનિયાના ઘણાં દેશોમાં ગુજરાતી સહિત અન્ય ભારતીયો ફસાયા હતા
દુનિયાના ઘણા ખરા દેશોમાં ગુજરાતી સહિત અન્ય ભારતીયો વતન પરત ફરવાની રાહમાં અટવાયા હતા. આવા સમયે વંદે ભારત મિશનજેવા અનેકાનેક પગલાં થકી કેન્દ્ર અને રાજ્ય સરકારોએ નાગરિકોને પરત લાવવાની કામગીરી કરી છે. આ વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં વિભિન્ન કરણોસર પાકિસ્તાન ગયેલા ગુજરાતીઓ લોકડાઉનને કારણે ત્યાં અટવાયા હતા. જેને કારણે તેઓએ બિન નિવાસી ગુજરાતી પ્રભાગના મંત્રી પ્રદિપસિંહ જાડેજાનો મદદના આશયથી સંપર્ક કર્યો હતો. પ્રદિપસિંહ જાડેજાના દિશાસુચનથી NRG ફાઉન્ડેશને આ ગુજરાતીઓને પરત લાવવાની જરૂરી કામગીરી આરંભી હતી. વિદેશ મંત્રાલય અને ભારત સરકાર સાથે સંકલન હાથ ધરી NRG ફાઉન્ડેશન અને ભારતીય સિંધુ સભાએ પણ જહેમત ઉઠાવી હતી.

વિનોદભાઇને પત્ની, દીકરા અને નાનાભાઇ સાથે વાઘા બોર્ડ પાર કરી ત્યારે હાશકારો થયો
આ અંગે ભારતીય સિંધુ સભાના જિલ્લા પ્રભારી ડૉ. અનિલ ખત્રીએ જણાવ્યું હતું કે સમગ્રતયા કામગીરીને પરિણામે બુધવારે લગભગ 40 જેટલા ગુજરાતીઓ સહિત 400 ભારતીયોએ વાઘા બોર્ડર પાર કરી ભારતમાં પ્રવેશ મેળવ્યો હતો. વિનોદભાઇએ પત્ની આરતીબહેન, દીકરા લક્ષ્ય અને નાનાભાઇ રાહુલ સાથે વાઘા બોર્ડર પાર કરી ત્યારે તેમના હૈયે ઉઠેલો હાશકારો અવર્ણનિય હતો. માર્ચ મહિનામાં હૈદરાબાદ-પાકિસ્તાનમાં લગ્ન પ્રસંગે ગયેલા વિનોદભાઇ લોકડાઉન લાગુ થતા અટવાયા હતા. નો ઓબ્લિગેશન ટુ રિટર્ન ટુ ઇન્ડિયા(NORI) પત્ર સાથે સહપરિવાર ગયેલા વિનોદભાઇની વિઝા ટર્મ પણ પુરી થઇ ગઇ હતી.વતન પરત ફરવાની રાહમાં તેઓ પાકિસ્તાનમાં દિવસો પસાર કરી રહ્ય હતા. વિનોદભાઇ અમદાવાદમાં મિકેનિકનો વ્યવસાય કરે છે.

તમામ પ્રવાસીઓના વાઘા બોર્ડર પર કોરોના ટેસ્ટ થયા, 14 દિવસ ક્વોરન્ટીન રહેશે
કોરોના પ્રોટોકોલને કારણે તમામ પ્રવાસીઓના વાઘા બોર્ડર પર કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પરત ફરનાર કોઇ જ યાત્રીનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો નથી જે સારી બાબત છે, તેમ NRG ફાઉન્ડેશનના નિયામક વિક્રમસિંહ જાદવે જણાવ્યું છે. જ્યારે NRG પ્રભાગના સચિવ ધનંજય દ્વિવેદીના જણાવ્યા અનુસાર ગુજરાત પરત આવેલ તમામ યાત્રીઓ 14 દિવસ માટે ક્વોરન્ટીન થશે. કોરોનાની કઠણાઇ વચ્ચે સરકારની સંવેદનશીલતાને કારણે પાકિસ્તાનમાં ફસાયેલા 40 ગુજરાતીઓ વતન પરત ફર્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post