• Home
  • News
  • રાજકોટ AIIMSનું ખાતમુહૂર્ત:PM નરેન્દ્ર મોદીના હસ્તે AIIMSનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત, મોદીએ આપ્યો 2021નો નવો મંત્ર 'દવા પણ, કડકાઈ પણ', કોરોનાની દવા આવી ગઈ તો કોઈએ ભ્રમમાં ન રહેવું
post

200 એકર વિશાળ જગ્યા પર 1195 કરોડના ખર્ચે એઇમ્સ તૈયાર થશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-31 12:13:14

રાજકોટમાં AIIMSના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં CM વિજય રૂપાણી, સાંસદ સી.આર.પાટીલ અને રાજ્યપાલ દેવવ્રત આચાર્ય સહિતના મહેમાનો સ્થળ પર પહોંચી ગયા છે. PM નરેન્દ્ર મોદીના હસ્તે AIIMSનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ તકે મોદીએ નવો મંત્ર આપતા કહ્યું કે 'દવા પણ કડકાઈ પણ' AIIMSથી રાજકોટમાં 5 હજાર રોજગારી ઉભી થશે. જ્યારે કોરોના મામલે કહ્યું કે કોરોના વેક્સિન માટેની તૈયારી અંતિમ ચરણમાં ચાલી રહી છે. મહત્વનું છે કે કાર્યક્રમ સ્થળ પર સેનિટાઈઝર સહિતની સુવિધા રાખવામાં આવી છે. આ કાર્યક્રમમાં 400થી વધુ મહેમાનો ઉપસ્થિત છે.

એઈમ્સના વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં 400થી વધુ મહેમાનો ઉપસ્થિત
ખાતમુહૂર્ત કાર્યક્રમમાં રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, સાંસદ સી.આર.પાટીલ, રાજ્યસભાના સાંસદ અમી યાજ્ઞિક, રાજકોટ સાંસદ મોહન કુંડારિયા, જામનગર સાંસદ પૂનમ માડમ, કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસામા, જયેશ રાદડિયા અને કુંવરજી સહિત 400થી વધુ મહેમાનો પહોંચી ગયા છે. જિલ્લા વહીવટી વિભાગ દ્વારા કાર્યક્રમ માટે જુદી જુદી 15 કમિટી બનાવવામાં આવી હતી. કાર્યક્રમમાં આવતા તમામ મહેમાનોનું કોરોના સંદર્ભે થર્મલગનથી ખાસ ચેકિંગ કરવામાં આવ્યું છે, કાર્યક્રમ સ્થળ પર ચાર દરવાજા રખાયા છે અને દરેક દરવાજા ઉપર ખાસ સેનિટાઇઝર મશીનની વ્યવસ્થા કરવામાં આવી છે.

ગુજરાતમાં AIIMS નથી એ મેણું ભાગી PMએ ગુજરાતને AIIMS આપી- નીતિન પટેલ
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતુ કે રાજ્યના આરોગ્ય મંત્રી તરીકે આજે મારા માટે આનંદનો દિવસ છે. ભારત સરકારનો ખૂબ સહકાર મળ્યો છે. કોરોના મહામારીમાં પણ રાજ્ય સરકારે છેલ્લા 9 મહિનાથી કોર ગ્રૂપની રોજ મિટિંગ મેળવી સતત કામગીરી કરી છે. એઇમ્સ હોસ્પિટલમાં 625 વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે. સામાન્ય હોસ્પિટલ માટે આ એઇમ્સ નથી. અહીંયા સુપર સ્પેશિયલીટી સારવાર મળશે. ગુજરાતમાં એઇમ્સ નથીએ મેણું ભાંગી આજે પ્રધાનમંત્રીએ એઇમ્સ ગુજરાતને આપી છે. રાજપીપળા, નવસારી, ગોધરા અને મોરબીમાં નવી મેડિકલ કોલેજ માટે પરવાનગી મળી છે. તાજેતરમાં 75 રાજ્યોને મેડિકલ કોલેજ આપવા સરકારે છૂટ આપી હતી. જેમાં આ જિલ્લાઓનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં એઇમ્સની જરૂરિયાત હતી- રૂપાણી
CM
વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાત માટે આનંદનો દિવસ છે. આરોગ્ય ક્ષેત્રમાં સૌથી મોટી સુવિધા આપનાર સંસ્થા એઇમ્સ આજે ગુજરાતને પ્રાપ્ત થઇ છે. ગુજરાતની જનતાને આવતા દિવસોમાં અન્ય રાજ્યોમાં જવું નહીં પડે. ઘર આંગણે આ સુપર સ્પેશિયાલિસ્ટ સારવાર મળી રહેશે. કારણ કે ગુજરાતમાં એઇમ્સની જરૂરિયાત હતી. હવે આ ઝડપથી નિર્માણ થશે અને લોકોને ફાયદો થશે. છેલ્લા 5 વર્ષોમાં કેન્દ્ર સરકારની કાર્યોની ગતિ વધી છે અને વિકાસ ખૂબ ઝડપથી થાય છે.

બિલ્ડિંગમાં ઇકો ફ્રેન્ડલી-પાવર સેવિંગ ઇન્સ્ટ્રુમેન્ટનો વપરાશ કરાશે
એઇમ્સના ભવનોમાં વિશાળ સંખ્યામાં રૂમ બનવાના છે. જે તમામ રૂમમાં કુદરતી સૂર્યપ્રકાશનો મહત્તમ લાભ મળે તેમજ હવા-ઉજાસ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ બને તે રીતે તૈયાર કરવામાં આવશે. સમગ્ર બિલ્ડિંગમાં ઇકો ફ્રેન્ડલી અને પાવર સેવિંગ ઇન્સ્ટ્રુમેન્ટનો વપરાશ કરાશે. સૂર્યના તાપની અસર નહીંવત થાય તે પ્રકારની બિલ્ડિંગની દીવાલ અને છતમાં મટિરિયલ વપરાશે. રાત્રિ પ્રકાશ માટે કાર્બનનું પ્રમાણ નહીંવત રહે તે માટે એનર્જી સેવિંગ સીએફએલ અને એલઇડી લેમ્પનો મહત્તમ વપરાશ કરાશે.

તબીબી વિદ્યાર્થીઓને રિસર્ચ બેઝ શિક્ષણ મળશે
એઇમ્સના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રમદીપ સિંહાએ જણાવ્યું હતું કે, ધો.12 પછી નીટ ટેસ્ટના ટોચના વિદ્યાર્થીઓ એઇમ્સમાં એડમિશન લે છે. વિદ્યાર્થીઓને રિસર્ચ બેઝ આધુનિક શિક્ષણ આપવામાં આવે છે. કોર્સ તેમજ વિષયની પસંદગી સમયાંતરે બદલવામાં આવે છે. પ્રેક્ટિકલ શિક્ષણ પણ એઇમ્સ હોસ્પિટલ ખાતે જ પૂરું પાડવામાં આવે છે. સંસ્થા નાણાંકીય સ્વતંત્રતા હોઇ ખર્ચની બાબતમાં કોઈ બાંધછોડ કરવામાં આવતી ન હોવાથી ઉચ્ચકક્ષાનું શિક્ષણ તેમજ સારવાર દર્દીઓને પૂરી પાડવામાં આવે છે. કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ દર્દીઓને પૂરો પાડવામાં આવે છે. એઇમ્સ ખાતે સરકાર દ્વારા નિર્ધારિત દવાની દુકાન અમૃત સ્ટોર પણ ઉપલબ્ધ હોઈ છે, અહીં જેનરિક દવા, સ્ટેન્ટ કિફાયતી દરે મળી રહેતા દર્દીઓની સારવારમાં ખાસ્સો ખર્ચ બચી જતો હોય છે.

adv

Related News

post
post
post
post
post
post
post