• Home
  • News
  • સુરતમાં બાળકોમાં ચિંતાજનક રીતે વકર્યાં ઝાડા-ઊલટી:આજે વધુ 2 બાળકનું પ્રાણપંખેરું ઊડ્યું, 4 દિવસમાં 10 વર્ષથી નાનાં 7નાં મોત, પિતા કાળજાના કટકાને લઈ હોસ્પિટલ દોડે છે, પણ જીવ બચતો નથી
post

ઝાડા-ઊલટીના કેસ વધતાં આરોગ્ય વિભાગ દોડતો થયો

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-19 19:08:31

સુરતમાં ઝાડા-ઊલટીના કેસોમાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે અને હવે આ રોગ બાળકો માટે જીવલેણ બની રહ્યો છે. સુરત સિવિલ હોસ્પિટલમાં વધુ બે માસૂમ બાળકોનાં ઝાડા-ઊલટી બાદ મોત નીપજ્યાં છે. એક 7 વર્ષની બાળકી અને 4ની બાળકીનાં મોત નીપજ્યાં છે. છેલ્લા 4 દિવસમાં 10 વર્ષથી નાનાં 7 બાળકનાં મોત નીપજ્યાં છે. પિતા કાળજાના કટકાને લઈ હોસ્પિટલ દોડે છે, પણ જીવ બચતો નથી.

7 વર્ષની બાળકીનું ઝાડા-ઊલટીથી મોત
સુરતના વેસુમાં આભવા ચોકડી ખાતે આવેલી અવધ એરફોલ નવનિર્મિત બિલ્ડિંગ ખાતે મજૂરીકામ કરી ત્યાં જ શ્રમજીવી પરિવાર રહે છે. 7 વર્ષીય બાળકી પાર્વતી રસિયાભાઈ ભૂરિયા પરિવાર સાથે રહેતી હતી. પરિવાર બે મહિનાથી જ રોજગારી અર્થે મધ્યપ્રદેશથી સુરત આવ્યો છે. પરિવારમાં 3 દીકરી અને બે દીકરા છે. પિતાએ જણાવ્યું હતું કે રાતે 1 વાગ્યે ઝાડા-ઊલટી શરૂ થયાં હતાં. થોડી રાહત થતાં સૂવડાવી દીધી હતી. જોકે સવારે ઊઠી જ ન હતી અને ત્યાં જ મોત થઈ ગયું હતું. ત્યાર બાદ મૃતદેહને સિવિલ હોસ્પિટલ લઈને આવ્યા હતા. બાદમાં પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

પાંડેસરામાં 4 વર્ષની બાળકીનું મોત
સુરતના પાંડેસરામાં ચીકુવાડીમાં રહેતા મોહનભાઈ ગાવીત (માસૂમ તારાના પિતા)એ જણાવ્યું હતું કે તેઓ મૂળ MPના રહેવાસી છે. એક મહિના પહેલાં જ સુરત કામકાજની શોધમાં આવ્યા હતા. મજૂરી કરી પરિવાર સાથે પેટયું ભરતા હતા. આજે સવારે અચાનક તારાની તબિયત લથડી તો નજીકના મેડિકલ સ્ટોર પરથી દવા લાવી પીવડાવી હતી. ત્યાર બાદ બપોરે 12:30 વાગે ફરી તાવ આવતાં દવા પીવડાવી હતી. દરમિયાન તારાને શ્વાસ ચઢવા લાગ્યો હતો. દોડીને સિવિલ લઈ આવતાં મૃત જાહેર કરાઈ હતી. તારા પરિવારમાં મોટી દીકરી હતી.

ઝાડા-ઊલટીના કેસ વધતાં આરોગ્ય વિભાગ દોડતો થયો
આરોગ્ય અધિકારી ક્રિતિકા પટેલે જણાવ્યું હતું કે પાંડેસરા વિસ્તારના ગણેશનગર બાપુનગર સૂર્યપ્રકાશ નગરની અંદર કેટલાક ઝાડા-ઊલટીના કેસો નોંધાયા બાદ અમારી ટીમ કામે લાગી ગઈ છે. મેડિકલ રિસ્પોન્સ ટીમ મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ અને સરવૈલાસ મળીને કુલ છ ટીમ કામ કરી રહી છે. છેલ્લા ત્રણ દિવસમાં 27 જેટલાં પાણીનાં સેમ્પલ લેવામાં આવ્યાં છે. ડ્રેનેજ વિભાગ સાથે સતત સંકલન કરવામાં આવી રહ્યું છે, જેથી કરીને દૂષિત પાણી આવતું હોય તો એના કારણે આ સમસ્યા વધુ સર્જાઈ શકે છે. મેડિકલ રિસ્પોન્સ ટીમ દ્વારા ઝાડા-ઊલટીના જેટલા પણ કેસો હોય એને તાત્કાલિક શોધવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post