• Home
  • News
  • નલ સે જલ યોજનામાં ગેરરીતિનો આક્ષેપ:ખુદ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષે CM ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો- મારા મતવિસ્તારનાં અનેક ગામોમાં ભ્રષ્ટાચાર થયો છે, વિજિલન્સ તપાસ કરાવો
post

જેઠા ભરવાડે કરેલી તપાસમાં આ ગામોમાં ગેરરીતિ જણાઈ

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-08 19:51:06

પંચમહાલ: શહેરા મતવિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે શહેરા અને ગોધરા તાલુકામાં વાસ્મો વિભાગ દ્વારા નલ સે જલ યોજનાનાં જે કામો કરવામાં આવ્યાં છે એમાં અધિકારીઓ અને કોન્ટ્રેક્ટર તેમજ વેપારીઓને મેળાપણાથી કામોમાં મોટેપાયે ગેરરીતિ આચારવામાં આવી છે તેમજ ગુણવત્તા વગર કામો કરવામાં આવ્યાં છે. નલ સે જલ યોજનાનાં કામોમાં તપાસની બાબતે પ્રાઇવેટ ઇજેનર રાખીને તપાસ કરાવતા મોટા પાયે ગેરરીતિ બહાર આવી છે, જેથી વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે પાણીપુરવઠા વિભાગના મંત્રી અને આયુક્ત વિજિલન્સ તપાસ કરવા માટે લેખિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી છે.

કાર્યપાલક ઈજનેર એમ.એમ. મેવાડા પર આક્ષેપ
જેઠા ભરવાડ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે પંચમહાલ જિલ્લામાં બાંધકામ અને ગુજરાત પાણીપુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડ નિગમના કાર્યપાલક ઈજનેર એમ.એમ.મેવાડા દ્વારા પાણીપુરવઠા યોજનાનાં કામોમાં હલકી ગુણવત્તાનાં કામો કરાવી મોટે પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તેમજ હાલમાં ઉનાળાની સીઝનમાં પીવાના પાણીનાં તળ ઊંડાં જવાને કારણે સરકારમાંથી ટેન્કર મારફત પાણી આપવા કલેકટરની પાણી સમિતિની બેઠકમાં ઠરાવ કરાવ્યો છે. એનો બે માસ જેટલો સમય વીતવા છતાં કાર્યપાલક ઈજનેર એમ. એમ. મેવાડા દ્વારા પંચમહાલ જિલ્લામાં ફક્ત 12 જેટલાં ગામોમાં જ પીવાના પાણીનાં ટેન્કર શરૂ કરવામાં આવ્યાં છે. હાલ પંચમહાલ જિલ્લાનાં ઘણાં બધાં ગામોએ પીવાના પાણીનાં ટેન્કર શરૂ કરવા માટે માગણી કરી છે છતાં એમ. એમ. મેવાડા પોતાની મન માનીથી નીચેના વિભાગના અધિકારીઓને દબાવી-ધમકાવીને પાણીનું ટેન્કર શરૂ કરવા દેતા નથી.

ભ્રષ્ટ નીતિને કારણે હેન્ડ પંપ મંજૂર નથી થતા
જેથી નલ સે જલ યોજનાના અધિકારીઓ તથા જૂથ પાણીપુરવઠા અધિકારીઓ એમ. એમ. મેવાડા વિરુદ્ધ ACB (લાંચ-રુશ્વતવિરોધી બ્યૂરો)ની રાહે તેમની મિલકતો સહિતની તપાસો કરવા તેમજ શહેરા તાલુકામાં ત્રણ હજાર જેટલા હેડ પંપની માગણી કરી છે અને લેખિતમાં મંજૂર કરાવી એની ભલામણ પણ કરવામાં આવી છે, પરંતુ અધિકારીઓની ભ્રષ્ટ નીતિને કારણે આજદિન સુધી હેન્ડ પંપ પણ મંજૂર કરવામાં આવ્યા નથી, જેથી આવા અધિકારીઓ સામે ACB રાહે તપાસ કરવા અને પીવાના પાણીની મુશ્કેલી દૂર કરવા માટે વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે લેખિતમાં રજૂઆત કરી છે.

સરકારની બદનામી ન થાય એ માટે તપાસ માગી
જેઠા ભરવાડે કહ્યું હતું કે જે જગ્યાએ ટેન્ડર પ્રમાણે કામ નથી થયાં એની તપાસ કરાવી છે. એમાં ઘણી જગ્યાએ ટેન્ક બનાવવાની છે એની જગ્યાએ તૈયાર ટેન્ક લગાવવામાં આવી છે. ઘણી જગ્યાએ નળ પ્લાસ્ટિકના છે, જે ન હોવા જોઇએ, વગેરે બાબતો સામે આવી છે. મારી વિનંતી એટલી છે કે આટલી મોટી રકમ જો સરકાર પ્રજાના હિત માટે વાપરતી હોય તો એનો યોગ્ય ઉપયોગ થવો જોઇએ. વાસ્મોના અધિકારીઓને પણ મેં આ કામગીરી અંગે જાણ કરી હતી. જેણે ખોટું કર્યું હોય તેની સામે પગલાં લેવા જોઇએ. લોકોને પાણી મળે તો આ યોજના સફળ થાય. જો નલ સે જલ યોજના હેઠળ લોકોને પાણી ન મળે તો સરકારની બદનામી થાય, જેથી સરકારની બદનામી ન થાય એ માટે મેં તપાસ કરાવવાની માગ કરી છે.

જેઠા ભરવાડે કરેલી તપાસમાં આ ગામોમાં ગેરરીતિ જણાઈ
ડુમેલાવ, સાદરા, ઉમરપુરા, બોરિયાવી, કવાલી, ડેમલી, શેખપુર,પસનાલ, નાંદરવા, ગાંગડિયા, સદનપુર, હાંસેલાવ, વેલવડ, ખજૂરી, કબીરપુર, કાબરિયા, ઊજવિયાના મુવાડા, ગાંગડિયા, ઉમરપુર, મોરવા, સાધરા, પોયડા, મોરવા (રેણા), ભીમથલ, ધાયકા, લાભી, ભોટવા, રમજીની નાળ, ભદ્રાલા, ચલાલી, મંગલપુર, સરાડિયા, ભેંસાલ, વાડી, વલ્લવપુરા, રતનપુરા (કાં), મોર ઉડારા, સગરાડા, બોરડી, કાંકણપુર, નાડા, બાહી, મઠાલી, ખાંડિયા સહિતનાં અનેક ગામ.

 

adv

Related News

post
post
post
post
post
post
post