• Home
  • News
  • અંબાજીમાં જેમને ચીકીનો કોન્ટ્રેક્ટ મળ્યો તેમણે કહ્યું:ભલે મારી ચીકીનું એક પેકેટ વેચાય, પણ માતાજીનો પ્રસાદ તો મોહનથાળ જ હોવો જોઈએ
post

‘ટેન્ડર ભર્યું ત્યારે ખબર નહોતી કે મોહનથાળનો પ્રસાદ બંધ થઈ જશે’

Written By newsonline | Ahmedabad | Published: 2023-03-07 18:12:10

અમદાવાદ: અંબાજી મંદિરે મોહનથાળનો પ્રસાદ બંધ કરી દેતાં ભારે વિવાદ છેડાયો છે. ડિસેમ્બર મહિનાથી મોહનથાળ બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી. ડિસેમ્બરમાં ચીકીનું ટેન્ડર બહાર પાડ્યુ્ હતું અને જાન્યુઆરીમાં કલોલની કંપનીને આ ટેન્ડર ફાળવવામાં આવ્યું હતું. પહેલો ઓર્ડર 27 ફેબ્રુઆરીએ 60 હજાર ચીકીનો અપાયો હતો. ચીકીનો ઓર્ડર મળ્યો છે એ નંદિની ગૃહઉદ્યોગના રજનીભાઈ પટેલે વાતચીતમાં કહ્યું હતું કે હું અને મારો પરિવાર મા અંબાના મોટા ભક્ત છીએ. મારી અને મારા પરિવારની લાગણી છે કે મોહનથાળનો પ્રસાદ તો બંધ ન થવો જોઈએ, ભલે મારી ચીકીનું એક પેકેટ વેચાય અને મોહનથાળનાં દસ પેકેટ વેચાય. હું પણ ત્યાં દર્શન કરવા જઉં છું ત્યારે 20થી 25 પેકેટ મોહનથાળનાં લઉં છું. ચીકીના કોન્ટ્રેકટ વિશે તેમણે કહ્યું હતું કે વર્ષે 1.17 કરોડનો કોન્ટ્રેકટ આપવામાં આવ્યો છે. 1 માર્ચે મને ટેલિફોનિક જાણ કરાઈ હતી કે તમે ચીકીનો બીજો ઓર્ડર સપ્લાય કરવાની તૈયારી કરી લેજો.

સવાલ- મોહનથાળ અને ચીકીના પ્રસાદ વિશે ચાલી રહેલા વિવાદ અંગે તમે શું માનો છો?
જવાબ- ટેન્ડર ભર્યું ત્યારે મને ખબર નહોતી કે મોહનથાળનો પ્રસાદ બંધ થઈ જશે. અખબારમાં જાહેરાત જોઈને મેં ટેન્ડર ભર્યું હતું અને પછી મને ટેન્ડર મળ્યું. સોમનાથમાં પણ અમે જ ચીકી આપીએ છીએ. હું અંબામાતાના એક ભક્ત તરીકે માનું છું કે મોહનથાળનો પ્રસાદ બંધ થવો ન જોઈએ. મારા પરિવારની પણ એ જ લાગણી છે કે મોહનથાળનો પ્રસાદ બંધ થાય નહીં.

 

સવાલ- તમને ચીકીનું ટેન્ડર કેવી રીતે મળ્યું?
જવાબ- ડિસેમ્બરમાં જાહેરાત જોઈને મેં ચીકીનું ટેન્ડર ભર્યું હતું, જેમાં દરેક કંપની પાસેથી પાંચથી સાત પ્રકારનાં લાઇસન્સની માગણી કરવામાં આવી હતી અને કેટલીક ટેક્નિકલ બાબતો પણ માગી હતી. બીડ ખૂલ્યું ત્યારે મને ટેન્ડર લાગ્યું હતું.

સવાલ- ચીકીનું ટેન્ડર કેટલાનું અને કઈ શરતોને આધીન હતું? એમાં મોહનથાળના પ્રસાદ વિશે કોઈ ચોખવટ હતી ખરી?
જવાબ- ચીકીનું ટેન્ડર વાર્ષિક ભરવાનું હતું. મારું ટેન્ડર મંજૂર થયું એ પછી મને મંદિરમાંથી ફોન આવ્યો હતો અને ત્યાર બાદ નિયમ પ્રમાણે મેં 5.85 લાખ ડિપોઝિટ પેટે ભર્યા હતા. એક વર્ષનું ટેન્ડર છે અને કુલ 1.17 કરોડનો કોન્ટ્રેક્ટ કરવામાં આવ્યો છે. મોહનથાળ બંધ કરવાનો છે એવી કોઈપણ બાબત અમારો કોન્ટ્રેક્ટ નક્કી કરતી વખતે ધ્યાનમાં મુકાઈ ન હતી.

સવાલ- એક કરોડના કોન્ટ્રેકટમાં તમને વર્ષે કેટલી ચીકી સપ્લાય કરવા માટે કહેવાયું છે?
જવાબ- એક કરોડના કોન્ટ્રેક્ટમાં વર્ષે મારે ચારથી પાંચ લાખ પેકેટ ચીકીના સપ્લાય કરવાના થાય છે, જેમાં એક પેકેટેમાં ચાર પેકેટ ચીકી આવે છે.

સવાલ- તમને કોન્ટ્રેકટ મળ્યો ત્યારથી અત્યારસુધી તમે કેટલો ઓર્ડર સપ્લાય કર્યો?
જવાબ- 27 ફેબ્રુઆરીએ મને અંબાજી મંદિરના પીઆરઓ તરફથી 60 હજાર ચીકી સપ્લાય માટે કહેવાયું હતું. એટલે એ ઓર્ડર મેં પૂરો કર્યો હતો. જેમ જેમ મને કહેવામાં આવે એમ એમ મારે ઓર્ડર સપ્લાય કરવાનો છે.

સવાલ- અત્યારે વિવાદ ચાલે છે એ દરમિયાન તમને નવા ઓર્ડર માટે કોઈ સૂચના અપાઈ છે ખરી?
જવાબ- મેં 60 હજાર ચીકીના પેકેટનો ઓર્ડર પૂરો કર્યો ત્યારે મને અંબાજી મંદિરના પીઆરઓનો ફોન આવ્યો હતો કે 1 માર્ચ પછી તમને ચીકી માટે બીજો ઓર્ડર આવશે, એટલે તમે એ પ્રમાણે તૈયારી કરી રાખજો.

સવાલઃ મોહનથાળનો પ્રસાદ ચાલુ કરી ચીકીનો પ્રસાદ બંધ થાય તો એ અંગે તમે શું માનો છો
જવાબઃ એ નિર્ણય તો કલેકટર કરશે, પણ ચીકીનું ટેન્ડર મળતાં અમે પણ એના સપ્લાય માટેની તૈયારીઓ કરી લીધી છે, જેમ કે અમે આટલા બલ્કમાં ઓર્ડર હોવાને કારણે મશીનરી પાછળ 25 લાખનું રોકાણ કર્યું છે, છ મહિના ચાલે એટલાં 3થી 4 લાખ બોકસ છપાવી દીધાં છે. જો ચીકી બંધ કરે તો મને નુકસાન જઈ શકે છે.

સવાલ- તમે કેમ એવું માનો છો કો મોહનથાળનો પ્રસાદ બંધ થવો ન જોઈએ
જવાબ- હું અને મારો સંપૂર્ણ પરિવાર પહેલેથી જ મા અંબાના મોટા ભક્ત છીએ. હું જ્યારે અંબાજી દર્શન કરવા જઉં ત્યારે હું પોતે જ 15થી 20 પેકેટ મોહનથાળના પ્રસાદના ખરીદું છું. ચીકીનો પ્રસાદ આપો એમાં પણ વાંધો નથી, પણ મોહનથાળ બંધ ન કરી શકાય. ભલે ચીકીનું એક પેકેટ વેચાય અને મોહનથાળનાં દસ પેકેટ વેચાય.

adv

Related News

post
post
post
post
post
post
post