• Home
  • News
  • AMC હોસ્પિટલમાં બેદરકારી:અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં ભોજનમાંથી ગરોળી નીકળી, ત્રણ દર્દીને ઝાડા-ઊલટી થયાં, SVP હોસ્પિટલમાંથી ભોજન સપ્લાય થતું હતું
post

ફૂડ સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-19 18:27:16

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સરસપુર વિસ્તારમાં આવેલી શારદાબેન હોસ્પિટલમાં દર્દીઓને આપવામાં આવતા ભોજનમાંથી ગરોળી નીકળી હોવાનું સામે આવ્યું છે. જે ભોજનમાંથી ગરોળી નીકળી હતી એ દર્દીઓના પૈકીના ત્રણને ઝાડા-ઊલટી થયા હતા. SVP હોસ્પિટલમાંથી મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં ભોજન મોકલવામાં આવતું હોય છે. આ ભોજનમાંથી ગરોળી નીકળતાં ફૂડ સપ્લાય કરતી કોન્ટ્રેકટર કંપની અપોલો સિંદૂરી હોટલ સામે અનેક સવાલો ઊભા થયા છે.

ગરોળીવાળું ભોજન ખાઈને ત્રણ દર્દીની તબિયત વધુ બગડી
મળતી માહિતી મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શારદાબેન હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને હોસ્પિટલ તરફથી ભોજન આપવામાં આવતું હોય છે. આ ભોજન એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી SVP હોસ્પિટલમાંથી મોકલવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ હોસ્પિટલોમાં SVP હોસ્પિટલમાં ફૂડનો કોન્ટ્રેક્ટ ધરાવતી અપોલો સિંદૂરી હોટલમાંથી કંપનીનું જમવાનું સપ્લાય થતું હોય છે. આજે શારદાબેન હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને જમવાનું આપવામાં આવ્યું હતું, એમાં મગની દાળ આપવામાં આવી હતી, જેમાંથી ગરોળી નીકળી હતી. આ ગરોળીવાળું ભોજન આરોગ્ય બાદ તરત જ ત્રણ જેટલા દર્દીને ઝાડા-ઊલટી થવાનાં શરૂ થઈ ગયાં હતાં. બે જેટલા દર્દીઓને તો ખૂબ જ ઊલટી થઈ હતી, જેને ઇન્જેક્શન આપવું પડ્યું હતું.

ભોજન માટે કોન્ટ્રેક્ટર હોટલને ચૂકવાય છે 40 લાખ
મ્યુનિસિપલ કોર્પોરેશનની શારદાબેન હોસ્પિટલમાં ભોજનમાંથી ગરોળી નીકળવા મામલે હોસ્પિટલ કમિટીના ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કે આજે મળેલી કમિટીમાં ભોજનમાંથી ગરોળી નીકળવા મામલે ચર્ચા થઈ હતી અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આ મામલે તપાસ માટે સૂચના આપી છે. અપોલો સિંદૂરી હોટલને કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો છે. છેલ્લા 1 વર્ષથી SVP હોસ્પિટલમાં આ કોન્ટ્રેકટ આપવામાં આવેલો છે. છેલ્લા 5થી 6 મહિનાથી મ્યુનિસિપલ કોર્પોરેશનની શારદાબેન, એલજી અને નગરી હોસ્પિટલમાં પણ સપ્લાય કરવામાં આવી રહ્યું છે. દર મહિને અપોલો સિંદૂરી હોટલ કંપનીને રૂ. 40 લાખ ચૂકવવામાં આવી રહ્યાં છે. શારદાબેન અને એલજીમાં અંદાજે 500થી 600 અને નગરી હોસ્પિટલમાં 15થી 20 દર્દીને ભોજન આપવામાં આવે છે.

ફૂડ સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી
આ ઘટના અંગે મેયર કિરીટ પરમારે જણાવ્યું હતું કે સરસપુરની શારદાબેન હોસ્પિટલમાં ભોજનમાંથી ગરોળી નીકળી હતી, જે મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જે જગ્યાથી જમવાનું બનીને આવે છે એ સ્થળ અને શારદાબેન હોસ્પિટલ બંને જગ્યાએથી ફૂડ સેમ્પલ લેવાની પ્રક્રિયા કરવામાં આવી છે. સેમ્પલના રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post