• Home
  • News
  • કોરોના પોઝિટિવની યાદીમાં ક્યારેક દર્દીના નામ રિપિટ થાય છે તો ક્યારેક કેદીને બદલે જાપ્તામાં આવેલા પોલીસને દર્દી બતાવાય છે
post

અમદાવાદ ફાયર બ્રિગેડના અધિકારી ખુલાસા કરી-કરીને થાકી ગયા છતાં મ્યુનિ. ફાયર કર્મીઓને પોઝિટિવ દેખાડે રાખે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-29 10:13:51

અમદાવાદ: રાજ્યમાં કોરોના વાઇરસના કેપિટલ અમદાવાદમાં કેસો સતત વધી રહ્યાં છે એમાં હવે કોઈ શંકા નથી. છેલ્લા એક સપ્તાહથી રોજના સરેરાશ 150 ઉપરના કેસ એકલા અમદાવાદમાં જ નોંધાય છે. આ સ્થિતિમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની કામગીરી પર સવાલ ઉભા થયા છે. કોર્પોરેશન દ્વારા ક્યારેક અકળ કારણોસર એક જ વ્યક્તિના કેસ બીજા દિવસે પણ બતાવી દેવાય છે. એટલું જ નહીં, જે વ્યક્તિ પોઝિટિવ નથી તેનું નામ અને સરનામું પણ જાહેર કરી દેવામાં આવ્યાના છબરડાં પણ સામે આવ્યા છે. કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવતા પોઝિટિવ દર્દીઓના રિપોર્ટમાં જ ઘણી ભૂલો વારંવાર થયા કરે છે. હમણાં હદ તો ત્યારે થઈ જ્યારે, અમદાવાદ ફાયર સ્ટેશનના એકપણ કર્મચારીને બે દિવસથી પોઝિટિવ રિપોર્ટ ન આવવા છતાં પોઝિટિવ કેસના લિસ્ટમાં ફાયર કર્મીઓના નામ લખી દેવામાં આવે છે. 

કોરોના પોઝિટિવની યાદીમાં જોવા મળેલા છબરડાંના સિલસિલા

છબરડાં નંબર-1

25મી એપ્રિલના રોજ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પોઝિટિવ દર્દીઓની જાહેર કરાયેલી યાદીમાં 154 અને 165 નંબરમાં વેજલપુરની મોરારજીપાર્ક સોસાયટીમાં 70 અને 35 વર્ષની મહિલા પોઝિટિવ બતાવવામાં આવી હતી. જ્યારે 26મી એપ્રિલના રોજ જાહેર કરવામાં આવેલી યાદીમાં આ જ બે મહિલાઓને 57 અને 58 નંબરમાં પોઝિટિવ જાહેર કર્યા હતા. એક જ જગ્યાના બે દર્દીઓને બે વાર પોઝિટિવ બતાવી દીધાં હતા. આમ, કોરોના પોઝિટિવ દર્દીઓની યાદી તૈયાર કે જાહેર કરવા અંગેની કામગીરીમાં જોતરાયેલા મ્યુનિ.ના જ બે વિભાગોમાં સંકલનનો સદંતર અભાવ વર્તાય છે. 

છબરડાં નંબર-2

આવો બીજો કિસ્સો 26મીએ બન્યો હતો જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેર કરેલી પોઝિટિવ દર્દીની યાદીમાં 40મા નંબરે અમદાવાદના શાહપુર ફાયર સ્ટેશનના 40 વર્ષના કર્મચારીનો સમાવેશ કરાયો હતો. હવે તેના પછીના જ દિવસે એટલે કે 27મી એપ્રિલની યાદીમાં પણ 110માં નંબરે અમદાવાદ શાહપુર ફાયર સ્ટેશનમાં 28 વર્ષના કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ બતાવવામાં આવ્યો છે. આ મામલે જ્યારે ફાયરબ્રિગેડના અધિકારીને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, અમારો કોઈ કર્મચારી પોઝિટિવ નથી. મ્યુનિ.ની યાદીમાં જ ખોટું સરનામું લખવામાં આવ્યું છે.

છબરડાં નંબર-3
27
મી એપ્રિલે તો મ્યુનિ.ના છબરડાંની હદ જ થઈ ગઈ. આ દિવસે જાહેર કરવામાં આવેલી કોરોના પોઝિટિવ દર્દીઓની યાદીમાં 68મા ક્રમે ઇસનપુર પોલીસ સ્ટેશનના બક્કલ નંબર લખી 35 વર્ષના પુરુષનો જયારે 191 નંબરે સાબરમતી સેન્ટ્રલ જેલના પ્રકાશસિંહ સોલંકી નામના 43 વર્ષના પોલીસ કર્મીનો પોઝિટિવ રિપોર્ટ બતાવી દીધો હતો. હકીકતમાં તપાસ કરતા બંને પોલીસ કર્મચારીઓ નહિ પરંતુ સાબરમતી સેન્ટ્રલ જેલના કેદી હોવાનું માલૂમ પડ્યું હતું જેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આના બદલે તેમની સાથે આવેલા પોલીસ કર્મચારીઓના નામ લખી પોઝિટિવ બતાવી દીધાં છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post