• Home
  • News
  • AMCએ ઘરેઘરે જઈ લીધેલા સેમ્પલમાં 80માંથી 79 કેસ પોઝિટિવ, તમામને કોરોનાના કોઈ ગંભીર લક્ષણો નહી
post

જમાલપુરની દૂધવાળી ચાલીમાં એક સાથે 11 કેસ પોઝિટિવ મળી આવ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-16 12:01:31

અમદાવાદ. બુધવારે નોંધાયેલા 80 કેસમાંથી 79 કેસ મ્યુનિ.એ ઘરે ઘરે જઈને લીધેલા સેમ્પલમાંથી મળ્યા છે. મોટાભાગના તમામને કોરોનાના કોઈ ગંભીર લક્ષણો નથી પરંતુ તેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સતત બીજા દિવસે રાજ્ય સરકારે જાહેર કરેલી યાદીમાં દાણીલીમડાના સફી મંજિલના 6 નામ સહિત 10 નામ રીપિટ જાહેર કરાયા છે. જો કે, જે પોઝિટિવ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે તેમના સમયાંતરે રિપોર્ટ લેવાય છે. જેથી તે પણ ફરી વખત જાહેર કરી દેવાય છે.


સ્લમ વિસ્તારમાં પણ પગપેસારો
ગુલબાઈ ટેકરાના સ્લમ વિસ્તારમાં ચેપ પ્રસરતા મ્યુનિ. હેલ્થ વિભાગમાં દોડધામ મચી છે. અહીં પહેલા એક કેસ પોઝિટિવ મળ્યો હતો. ત્યારબાદ મ્યુનિ.એ સરવે હાથ ધર્યો હતો. જેમાં બુધવારે વધુ 6 પોઝિટિવ કેસ મળ્યા છે. જેને પગલે આ વિસ્તારને ક્લસ્ટર ક્વોરન્ટાઈન કરવાનો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે જમાલપુરની દૂધવાળી ચાલીમાં એક સાથે 11 કેસ પોઝિટિવ મળી આવ્યા છે. એક દર્દીએ ખાનગી લેબોરેટરીમાં પોતાનો ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો અને ત્યારબાદ તે જાતે હોસ્પિટલમાં દાખલ થયો હોવાનું જાણવા મળ્યું છે.

આજે ગ્યાસુદ્દીન, શૈલેશ પરમારના રિપોર્ટ આવશે
લૉકડાઉન થયું ત્યારથી ગ્યાસુદ્દીન શેખ, શૈલેશ પરમાર તેમના વિસ્તારમાં લોકોને સમજાવવા માટે ફરી રહ્યા હતા. સીએમ બંગલે યોજાયેલી બેઠકમાં પણ તેઓ ઈમરાન ખેડાવાલા જોડે કારમાં ગયા હતા. બંનેને સેમ્પલ લેવાયા હતા જેનો રિપોર્ટ ગુરુવારે આવશે.


બદરુદ્દીન શેખનો રિપોર્ટ પોઝિટિવ
જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા પછી પૂર્વ વિપક્ષી નેતા અને બહેરામપુરાના કોંગી કોર્પોરેટર બદરૂદ્દીન શેખ અને તેમના ઘરે કામ કરતી કામવાળીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બદરૂદ્દીનને પણ એસવીપીમાં દાખલ કરવામાં આવ્યા છે. છેલ્લા 14 દિવસથી તેઓ ઘરે જ હતા પરંતુ તે પહેલાં ફૂડ પેકેટના વિતરણ માટે પોતાના વોર્ડમાં અલગ અલગ સ્થળોએ ગયા હતા. બે દિવસથી તેમને શંકાસ્પદ લક્ષણો જણાતા મંગળવારે સેમ્પલ લેવાયા બાદ રિપોર્ટ પોઝિટિવ આ‌વ્યો છે. ઈમરાન ખેડાવાલા મંગળવારે મુખ્યમંત્રી સાથે બેઠક પૂર્ણ કર્યા બાદ સીધા જમાલપુરના મહિલા કોર્પોરેટર અઝરા કાદરીને ત્યાં ગયા હતા. ત્યાં અન્ય એક મહિલા કોર્પોરેટર રઝિયા સૈયદ પણ હાજર હતા. જેથી તે બંને સહિત ખેડાવાલાના સંપર્કમાં આવેલા કુલ 28 લોકોને ક્વોરન્ટાઈનમાં મૂકી દેવાયા છે.


સરકારની યાદીમાં ગોટાળો
અમદાવાદમાં બુધવારે કોરોનાના વધુ નવા 88 પોઝિટિવ કેસ નોંધાયા હોવાનું સરકારે જાહેર કર્યું હતું. જો કે, આ યાદીમાં ગોટાળો હતો અને 10 જૂના નામો રીપિટ કરાયા હતાં. વટવા, આસ્ટોડિયા અને બહેરામપુરાની ત્રણ મહિલાઓના પણ બુધવારે મૃત્યુ થયા હતા. આ સાથે કુલ મૃત્યુઆંક 16 પર પહોંચ્યો છે. મોટાભાગના તમામ હોટ સ્પોટગણાતા મધ્ય ઝોન અને દક્ષિણ ઝોનના નોંધાયા છે. જો કે, પશ્ચિમ ઝોનમાં ગુલબાઈ ટેકરાની ચાલી વિસ્તામાં વધુ 6 કેસ મળી આવતાં સમગ્ર વિસ્તારને ક્લસ્ટર ક્વોરન્ટાઈન કરવાની કામગીરી મોડી રાત્રે શરૂ કરાઈ હતી. બુધવારે નોંધાયેલા 80 કેસમાંથી 30 કેસ જુદી જુદી ચાલીમાંથી મળી આવ્યા છે. જ્યારે ચાંગોદર, સરખેજ અને બારેજા સુધી ચેપ પ્રસરતા આ વિસ્તારના ત્રણ કેસ નોંધાયા છે. કાલુપુરના એક જ પરિવારના 8 સભ્યો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. જેમાં 7-7 વર્ષની બે બાળકીનો પણ સમાવેશ થાય છે.

adv

Related News

post
post
post
post
post
post
post