• Home
  • News
  • અમરેલીમાં સૌથી વધુ 45નાં મોત, અનેક લાપતા, મૃત્યુઆંક વધવાની આશંકા; અનેક ગામો હજુ સુધી સંપર્કવિહોણાં
post

અમરેલીમાં અનેક ઘર-ઝૂંપડાં જમીનદોસ્ત થતાં ઘણા લોકોના મોત નીપજ્યાં હતાં.

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-20 10:37:56

વાવાઝોડું વીત્યાના 36 કલાક બાદ અમરેલી જિલ્લામાં ભયાવહ ચિત્ર સામે આવી રહ્યું છે. 175 કિમીની ઝડપે ફૂંકાયેલા વાવાઝોડાએ જિલ્લામાં 45 લોકોનો ભોગ લીધો છે અને હજુ મૃત્યુઆંક વધે એવી શક્યતા છે. ખૂબ મોટી સંખ્યામાં પશુ અને પક્ષીઓ પણ મોતને ભેટ્યાં છે. જિલ્લામાં હજુ પણ અનેક ગામો સંપર્કવિહોણાં છે. મોટી સંખ્યામાં લોકો લાપતા છે.

સાત જણ લાપતા, પાંચ દરિયામાં ડૂબ્યા
સરકાર ઝીરો કેઝ્યુઆલિટીનો દાવો કરતી રહી છે, પણ એની તૈયારી અમરેલી જિલ્લામાં ટૂંકી પડી. સરકારી તંત્રએ માત્ર કાગળ પર આયોજન કર્યા, પરિણામે કાચા અને જોખમી મકાનોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડી ન શકાયા, જેનું ગંભીર પરિણામ સામે આવી રહ્યું છે. વાવાઝોડાને કારણે અમરેલી જિલ્લામાં 45 લોકોનાં મોત થયાં છે અને આ મૃત્યુ આંક હજુ વધે એવી શક્યતા છે, કારણ કે મોટી સંખ્યામાં લોકો લાપતા પણ થયા છે. તંત્રની ઘોર બેદરકારીને કારણે જાફરાબાદમાં વાવાઝોડાની રાત્રે પાંચ યુવાનો બોટમાં હતા અને આ બોટ ભારે પવનને કારણે ઊભી ફાટી જતાં દરિયામાં ડૂબી જવાથી પાંચેયનાં મોત થયાં હતા. પાંચેયનાં આજે મૃતદેહ મળ્યા હતા. આવી જ રીતે બોટમાં રહેલા અન્ય સાત લોકો લાપતા થયા છે, જેની હજુ કોઈ ભાળ મળી નથી.

રાજુલાના મફતપરામાં કાચા મકાનની દીવાલ પડવાથી એક બાળકનું મોત થયું હતું, જ્યારે રાજુલામાં ધાર પર એક મકાનની દીવાલ ધસી પડતાં મહિલાનું મોત થયું હતું. આંબરડી ગામમાં મકાન ધસી પડતાં એકસાથે પાંચ લોકોનાં મોત થયાંનું જાણવા મળ્યું છે. હજુ પણ અમરેલી જિલ્લાનાં અનેક ગામો સંપર્કવિહોણાં છે. સરકારી તંત્ર દ્વારા જોકે માત્ર બે મોત જાહેર કરાયાં છે. ડેથ ઓડિટ કમિટીની બેઠક બાદ વધુ મોત જાહેર કરાશે. જિલ્લામાં મૃત્યુ પામેલામાં મોટી સંખ્યામાં બાળકોનો સમાવેશ થાય છે. મોટા ભાગનાં મૃત્યુ મકાનની દીવાલો તથા કાટમાળ પડવાથી અને ડૂબી જવાથી થયાં છે.

હાર્ટ-અટેક આવતાં હોસ્પિટલે લઈ જતી વખતે વૃદ્ધ તણાયા
સાવરકુંડલાના ઇબ્રાહિમભાઇ જમાલભાઈ બાવળિયા (ઉં. વ. 60 ) નામના વૃદ્ધને વાવાઝોડાની રાત્રે હાર્ટ-અટેક આવ્યો હતો, જેને કારણે તેમનો પુત્ર કારમાં તેમને હોસ્પિટલ લઈ જઈ રહ્યો હતો. ત્યારે ભારે પવનથી કાર નદીમાં ખાબકી હતી. પુત્રનો બચાવ થયો હતો, પરંતુ ઇબ્રાહિમભાઇ પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. તેમની હજુ સુધી ભાળ મળી નથી.

વૃક્ષ અને મકાન પડવાથી સૌથી વધુ મોત

જિલ્લા

મોત

મોતનું કારણ

અમરેલી

45

મકાન પડવાથી 30, દીવાલ પડવાથી 13, વૃક્ષ પડવાથી 2

ભાવનગર

9

વૃક્ષ પડવાથી 2, મકાન-છત પડવાથી 7

ગીર-સોમનાથ

8

વૃક્ષ પડવાથી 2, મકાન-છત પડવાથી 6

અમદાવાદ

5

કરંટથી 2, મકાન-છત પડવાથી 3

ખેડા

2

કરંટ લાગવાથી

આણંદ

2

1 વૃક્ષ પડવાથી, મકાન પડવાથી 1 मकान

પંચમહાલ

3

વૃક્ષ પડવાથી 2, મકાન પડવાથી 1

વડોદરા

1

ટાવર પડવાથી

સુરત

1

વૃક્ષ પડવાથી

વલસાડ

1

દીવાલ પડવાથી

રાજકોટ

1

મકાન પડવાથી

નવસારી

1

દીવાલ પડવાથી

76 હજાર વીજપોલ અને 70 હજાર વૃક્ષ ધરાશાયી

·         959 રસ્તા તૂટી ગયા. 30 હજાર મકાન અને 2100 મોબાઈલ ટાવર ધરાશાયી, જ્યારે રાજ્યમાં કુલ 635 પશુનાં પણ મૃત્યુ.

·         76 હજારથી વધુ વીજપોલ પડવાથી 9685 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો. એનાથી પણ મકાનો અને રસ્તાને નુકસાન.

·         70 હજાર વૃક્ષ ધરાશાયી, જ્યારે 2.25 લાખ વૃક્ષને મોટું નુકસાન.

·         ઉનાળુ પાકને 80%થી વધુ અને બાગાયતી પાકોને 100% નુકસાન.

 

adv

Related News

post
post
post
post
post
post
post